વિશ્વ રેડિયો દિવસ: મળો ગુજરાતના ‘રેડિયો મેન’ને જેમના ઘરમાં છે 200થી વધુ દુર્લભ રેડિયોનું કલેક્શન

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમરેલી: 13 ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ રેડિયો દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. સ્માર્ટ ફોનના યુગમાં આજે પણ આપણો રેડિયો એટલો જ સાંપ્રત છે અને હયાત છે. ત્યાં સુધી કે મોબાઈલમાં રેડિયોનો સમાવેશ કરવો પડ્યો એટલી તો એ રેડિયોની મહત્તા છે. ‘વિશ્વ રેડિયો દિવસ’ની તવારીખ ચકાસતા જાણવા મળે છે કે, યુનેસ્કો દ્વારા 13 ફેબ્રુઆરી, 2012ના રોજ પ્રથમવાર વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવ્યો હતો. ત્યારે અમરેલી જિલ્લાના ચલાળા ગામના નિવૃત્ત શિક્ષકનો રેડિયો પ્રેમ સૌને પ્રેરણા આપનારો છે. રેડિયો આજે પણ ભૂતકાળ જેટલો સાંપ્રત છે જો કે, હવે રેડિયોનું સ્વરુપ બદલાઈ ગયું છે. એક જમાનામાં વાલ્વવાળો એન્ટેનાથી ચાલતો રેડિયો આજે લોકોના મોબાઈલથી લઈને નાઇટ લેમ્પ સુધી પહોંચી ચૂક્યો છે. આ સ્થિતિમાં ચલાળાના રેડિયો સંગ્રાહક સુલેમાનભાઈ દલના રેડિયો સંગ્રહ વિશે અને તેમના રેડિયો પ્રેમ વિશે જાણવા જેવું છે.

નિવૃત્ત શિક્ષના ઘરમાં રેડિયોનું મ્યુઝિયમ
સુલેમાનભાઈ દલના ઘરમાં પ્રવેશતા જ ચોતરફ રેડિયો જોવા મળે છે. ઘરના જુદાં-જુદાં ભાગોમાં જ્યાં જુઓ ત્યાં ફક્ત રેડિયો જ નજરે પડે છે. આ તમામ રેડિયો આજે પણ શરુ છે અને વર્કિંગ કન્ડિશનમાં છે. 77 વર્ષ સુલેમાનભાઈ પાસે વિવિધ કંપનીઓનાં, વિવિધ મિકેનિઝમથી ચાલતા અને વિવિધ પ્રકારના અને આકારના ક્યાંય જોવા ન મળે તેવાં અતિ દુર્લભ કહી શકાય તેવાં રેડિયો પણ છે. આ રેડિયો ફક્ત સંગ્રહ માટે નથી પરંતુ તેની એક એક ઝીણવટભરી બાબતોનો તેઓ અભ્યાસ કરે છે. તેમને રેડિયોના એકે-એક પાર્ટ વિશે જાણકારી હોય છે. બંધ હાલતમાં મળી આવેલા રેડિયોના અસલ પાર્ટ ગમે ત્યાંથી શોધી અને તેઓ જાતે જ રિપેર કરી તેને શરુ કરે છે. તેમની પાસે આ પ્રકારના અનેક રેડિયો છે.

ADVERTISEMENT

2000ના વર્ષથી રેડિયોનો સંગ્રહ કરે છે
રેડિયોના શોખ વિશે માહિતી આપતા સુલેમાનભાઈ જણાવે છે કે, મને નાનપણથી જ રેડિયોનો શોખ હતો. ચલાળામાં ડો.પોટા નામે તબીબ રહેતા હતા જેમના ઘરે રેડિયો હતો. હું છ વર્ષનો હતો ત્યારે તેમના ઘરે રેડિયો સાંભળવા માટે અમે જતા. ત્યારબાદ વર્ષ 1964માં અમરેલી ખાતે ટેકનિકલનો અભ્યાસ કરવા ગયો ત્યારથી જ મને ઈલેક્ટ્રોનિક ચીજો અને ખાસ કરીને રેડિયોનો શોખ હતો. મારે રેડિયોના વેચાણની દુકાન હતી એટલે રેડિયો સાથે ખૂબ લગાવ હતો. જો કે, રેડિયો સંગ્રહની શરુઆત નોકરીમાંથી નિવૃત્તિ બાદ, વર્ષ 2000થી કરી હતી. આ રેડિયોનો સંગ્રહ કરતા કરતા આજે મારી પાસે વાલ્વવાળા વિવિધ 72 રેડિયો છે જ્યારે 122 જેટલા ટ્રાન્ઝિસ્ટર રેડિયો મળીને કુલ 200 રેડિયો સંગ્રહમાં છે.

રેડિયો સાથે ગ્રામોફોન, ચેન્જર અને સ્પીકર જેવી કિંમતી ચીજોનો ખજાનો છે
તેમના સંગ્રહમાં રહેલા રેડિયોમાં અનેક બેન્ડવીથ ધરાવતા રેડિયોનો સમાવેશ થાય છે. જેમાં વધુમાં વધુ 32 બેન્ડનો રેડિયો પણ છે. આ રેડિયો સ્ટીમરમાં વપરાતો હોવાનું અનુમાન છે. મચ્છુનો ડેમ તૂટવાની ઘટના હોય કે પછી ‘રંગભૂમિના રંગો’ નામનો રાજકોટ સ્ટેશનનો યાદગાર કાર્યક્રમ આ તમામ બાબતો સાથે સુલેમાનભાઈ દલની યાદો, રેડિયોના કારણે જ જોડાયેલી છે. તેઓ રેડિયોના ચાહક-સાધક અને ‘રેડિયો મેન’ છે તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. રેડિયો ઉપરાંત સુલેમાન દલ પાસે જૂની ઈલેટ્રોનિક ચીજો જેમ કે સ્પીકર, રેર ગ્રામોફોન પ્લેયર, ચેન્જર, હાથથી સંચાલિત વીડિયો કેમેરા જેવી કિંમતી ચીજોનો પણ દુર્લભ ખજાનો છે. આ ઉપરાંત તેઓ પાસે ફૂલો અને થોરની વિવિધ પ્રજાતિઓનો પણ સંગ્રહ છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

રેડિયોનો ઈતિહાસ
ભારતમાં વર્ષ 1923માં ભારતમાં ‘રેડિયો ક્લબ ઓફ બોમ્બે’ નામનું પહેલું અને ખાનગી રેડિયો દ્વારા પ્રસારકાર્ય શરુ થયું હતું. તેના પાંચ જ મહિના બાદ નવેમ્બર 1923માં ‘કલકત્તા રેડિયો ક્લબ’ની સ્થાપના થઈ. સપ્ટેમ્બર 1935માં એમ.બી. ગોપાલાસ્વામીએ “આકાશવાણી નામનું ખાનગી રેડિયો સ્ટેશન શરુ કર્યું હતું. જો કે તેના એક જ વર્ષ પછી 8 જૂન 1936ના રોજ બધા જ સરકારી, ખાનગી પ્રસારકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ઑલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના કરવામાં આવી. દેશની આઝાદી પછી પહેલીવાર વર્ષ 1956માં ‘ઑલ ઇન્ડિયા રેડિયો’નું નામ “આકાશવાણી રાખવામાં આવ્યું. ગુજરાત રાજયમાં આઝાદી પહેલાં જ્યારે દેશી રજવાડાંઓનું રાજ હતું ત્યારે સૌ પ્રથમ તત્કાલીન બરોડા સ્ટેટના ખાતે રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા વર્ષ 1939માં રેડિયો સ્ટેશન શરુ કરવામાં આવ્યું હતું, જે આઝાદી બાદ સરકારને સોંપી દેવામાં આવ્યું હતું. ઈ.સ.1949માં અમદાવાદમાં રેડિયો સ્ટેશનનો આરંભ કરવામાં આવ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT