‘ભાજપને વર્ષો સુધી મફત પાર્ટી પ્લોટ આપ્યો, AAPને આપ્યો એમાં શું તકલીફ છે’, માલિકે શું આરોપ મૂક્યો?
વડોદરા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં નેતાઓના પ્રવાસ વધવા લાગ્યા છે. 20 તારીખે અરવિંદ કેજરીવાલ ગુજરાતના વડોદરાના પ્રવાસે આવ્યા હતા.…
ADVERTISEMENT
વડોદરા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં નેતાઓના પ્રવાસ વધવા લાગ્યા છે. 20 તારીખે અરવિંદ કેજરીવાલ ગુજરાતના વડોદરાના પ્રવાસે આવ્યા હતા. કેજરીવાલે સંવાદ યોજ્યો હતો તે પ્રીત પાર્ટી પ્લોટ માં આજે તંત્ર બુલડોઝર લઈને પહોંચ્યું હતું અને કેટલોક ભાગ ગેરકાયદેસર હોવાનું કહીને તોડી પાડ્યો હતો. જે બાદ પાર્ટી પ્લોટના માલિકે નવનીત ભાઈએ કહ્યું કે, મેં એમની (AAP) પાસેથી પૈસા લીધા છે. એમને પાર્ટી પ્લોટ આપું એમાં શું વાંછો છે? અત્યાર સુધી ભાજપને વર્ષો સુધી મફત પાર્ટી પ્લોટ આપ્યો છે, એ ચાલે અને AAPવાળાને આપ્યો એમાં શું તકલીફ છે?
નોટિસ આપ્યા વિના જ કાર્યવાહીનો આરોપ
જ્યારે નવનીત ભાઈના દીકરા દિવ્યેશ પટેલે કહ્યું, એમનું કામ છે ગેરકાયદેસર કામ હટાવવાનું અને અમારું કામ છે ગેરકાયદેસર બાંધકામ ન કરવાનું. અમે લોકો કઢાવવા માટે તૈયાર છીએ, પરંતુ શોર્ટ નોટિસ તો છોડો નોટિસ પણ નથી આપી. સવારથી પોલીસ પ્રોટેક્શન સાથે બિલ્ડિંગ કન્ટ્રોલવાળા અધિકારીઓ અહીં આવ્યા છે, અહીં અમારું બાંધકામ ગેરકાયદેસર હોવાનું જણાવી તેઓ તોડી રહ્યા હતા. અમે એમને એવી જ વિનંતી કરી છે કે અમારું બાંધકામ ગેરકાયદેસર છે કે નહીં તે પછીની વસ્તુ છે પહેલા અમને નોટિસ આપો. સમય આપો કે આ બાંધકામ ગેરકાયદેસર છે કે નહીં તે અમે જણાવી શકીએ. જો ગેરકાયદેસર હશે તો અમે જ તોડી નાખીશું.
ADVERTISEMENT
ભાજપ-કોંગ્રેસના અનેક કાર્યક્રમો થયા છે
આમ આદમી પાર્ટીના કાર્યક્રમ માટે પાર્ટી પ્લોટ આપવાના કારણે આ પ્રકારની કાર્યવાહી થઈ છે કે શું? તેવા પ્રશ્નના જવાબમાં દિવ્યેશ પટેલે કહ્યું કે, આ લોકોની કાર્યવાહીથી એવું જ લાગે છે. કારણ કે પહેલા પણ અહીં ભાજપના ઘણા કાર્યક્રમો થયા છે, કોંગ્રેસના કાર્યક્રમો થયા છે, પટેલ આંદોલન થયું છે. પરંતુ ક્યારેય આવી કાર્યવાહી જોઈ નથી.
ADVERTISEMENT
મ્યુનિ. અધિકારીએ નોટિસ આપ્યાનો દાવો કર્યો
જ્યારે વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના અધિકારી જિતેશ ત્રિવેદીએ જણાવ્યું કે, પાર્ટી પ્લોટમાં કેટલાક ભાગમાં ગેરકાયદેસર બાંધકામ છે. પાર્કિંગની જગ્યા પર લોન બનાવી દીધી છે અને કેટલોકભાગ ગેરકાયદેસર છે. તેમણે દાવો કર્યો કે, નોટિસ જારી થઈ ચૂકી છે અને જેમને મળવાની હતી તેમને મળી ગઈ છે.
ADVERTISEMENT
ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું?
ભાજપ પર પ્રહાર કરતાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, આજે ભલે ભાજપે હોલ તોડવા લોકો મોકલ્યા પરંતુ ચૂંટણીમાં ગુજરાતની જનતા તેનું અભિમાન તોડશે. ગુજરાતમાં આ પ્રકારની રાજનીતિ યોગ્ય નથી. તમારે હેલ્ધી રાજનીતિ કરવી જોઈએ. ગુજરાતમાં અત્યારે અમારો એક પણ ધારાસભ્ય નથી છતાં કેમ આટલો ડર લાગે છે. કોઈ વ્યક્તિ પોતાની માલિકીની પ્રોપર્ટી બીજાને ભાડે આપે તે માટે તેની પ્રોપર્ટી તોડી નાખવાની? આ બિલકુલ યોગ્ય નથી. ગુજરાતની જનતા જોઈ રહી છે. જનતા અરવિંદ કેજરીવાલ સાથે છે તે ડર ભાજપમાં દેખાઈ રહ્યો છે.
(વિથ ઈનપુટ: દિગ્વિજય પાઠક)
ADVERTISEMENT