જસદણ બેઠક પર ચૂંટણી લડવા ભાજપમાં ધમાસાણ, જાણો આ સીટનું સમીકરણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હવે રાજકારણના અનેક રંગો જોવા મળી રહ્યા છે. રાજકારણના આ રંગોમાં એક રંગ છે પક્ષપલટાનો. આ જ રંગ 2017ની ચૂંટણી બાદ રાજકોટની જસદણ બેઠકમાં જોવા મળ્યો હતો. જેણે સમગ્ર જસદણનું રાજકારણ બદલી નાખ્યું હતું. રાજકોટની જસદણ બેઠક પણ ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ ગણાય છે. જસદણની આ બેઠક પર પક્ષ કરતાં વ્યક્તિ આધારિત રાજકારણ વધુ જોવા મળી રહ્યું છે.

આમ તો જસદણ બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. 1995થી 2017 સુધી અહીં માત્ર કોંગ્રેસનો જ વિજય થયો છે. પરંતુ પેટાચૂંટણીમાં રાજકારણ બદલાય છે અને 2009 અને 2019માં બે વખત અહીં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે બંને વખત જીત મેળવી છે. 1995થી કોળી સમાજના કુંવરજી બાવળિયા કોંગ્રેસના ધારાસભ્ય છે. 2009ની લોકસભા ચૂંટણીમાં કુંવરજી બાવળિયા રાજકોટ બેઠક પરથી જીત્યા હતા. જે બાદ 2009માં પેટાચૂંટણીમાં ભાજપના ડો.ભરત બોધરા જીત્યા હતા અને ત્યારબાદ 2012માં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠક જીતી હતી.

કુંવરજી બાવળિયાને ભાજપ ટિકિટ આપશે?
2017માં પણ કુંવરજી બાવળિયા ચૂંટણી જીત્યા હતા પરંતુ 2017 પછી કુંવરજી બાવળિયાએ સીધા કેબિનેટ મંત્રી પદ સંભાળ્યું હતું અને 2019માં આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી અને કુંવરજી બાવળિયા ચૂંટણી જીત્યા હતા. તેઓ 3 વર્ષ સુધી વિજય રૂપાણીની કેબિનેટમાં મંત્રી પણ હતા. પરંતુ હવે પક્ષપલટો કરનાર નેતા તરીકે જાણીતા કુંવરજી બાવળિયાને ભાજપ ટિકિટ આપશે કે કેમ તે પણ મોટો પ્રશ્ન છે. સામે ભાજપના નેતા ભરત બોધરા કે જેઓ ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ છે તેઓ પણ અહીંથી ચૂંટણી લડવા માંગે છે.

ADVERTISEMENT

પેટાચૂંટણી રહી રસપ્રદ
જસદણ સીટ પર 2017ની ચૂંટણી અને ત્યારબાદ 2019ની પેટાચૂંટણી બંને ખૂબ જ રસપ્રદ હતા. વર્ષ 2019 માં કુવરજી બાવળિયા દ્વારા પાર્ટી છોડ્યા પછી, તેમની સાથે, કોંગ્રેસે અવસર નાકિયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. અવસર નાકિયા મત ગણતરીમાં 19 રાઉન્ડથી આગળ હતા. પરંતુ જ્યારે 20મા રાઉન્ડની મતગણતરી શરૂ થઈ ત્યારે અવસર નાકિયા 19 હજાર મતોથી હારી ગયા હતા. બાવળિયાને પેટાચૂંટણીમાં 90,268 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના અવસર નાકીયાને 70283 મત મળ્યા હતા.

કોળી મતદારોનું વર્ચસ્વ
જસદણ વિધાનસભા બેઠક પર આપણે હંમેશા કોળી મતદારોનું વર્ચસ્વ જોયું છે. જસદણ બેઠક પર જ્ઞાતિની વાત કરીએ તો 70 હજાર કોળી મતદારો છે, જ્યારે લેઉવા પાટીદાર મતદારોની સંખ્યા 40 થી 42 હજાર છે. સાથે જ કડવા પાટીદાર મતદારોની સંખ્યા 10 હજાર છે. બીજી તરફ ભરવાડ અને રબારી સમાજના મતદારોની સંખ્યા પણ 12 હજાર જેટલી છે. જો મતદાનની ટકાવારી જોઈએ તો 100 ટકા મતદારોમાંથી 35 ટકા કોળી, 20 ટકા લેઉવા પટેલ, 10 ટકા દલિત, 7 ટકા મુસ્લિમ, 7 ટકા કડવા પટેલ, 8 ટકા ક્ષત્રિય અને 13 ટકા અન્ય મતદારો છે.

ADVERTISEMENT

મતદારો
જસદણ વિધાનસભા વિસ્તારમાં 1,32,225 પુરુષ મતદાર છે જ્યારે 1,20,421 સ્ત્રી મતદારો છે આમ કુલ 2,52,646 મતદારો છે. જસદણ વિધાનસભામાં જસદણ તાલુકા, ગોંડલ તાલુકા અને સુરેન્દ્રનગર તાલુકાના મતદારોનો સમાવેશ થાય છે. આમ આદમી પાર્ટી આ બેઠક પર ચૂંટણી લડવા પોતાના ઉમેદવારની શોધમાં છે. જોકે આમ આદમી પાર્ટી બંનેના મતોનું વિભાજન કરવાના પ્રયત્નો કરશે. આ ચૂંટણીમાં ભાજપ કુંવરજી બાવળિયા પર ભરોસો મૂકે છે કે પછી તેમને પડતાં મૂકી  ભરત બોઘરા કે અન્ય કોઈને ટિકિટ આપે છે તે જોવું પણ રસપ્રદ રહેશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT