ભાજપના કોર્પોરેટર વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ, મતદાન મથકની બહાર જ કરી રહ્યા હતા આ કામ
સુરત: સુરતમાં ભાજપના કોર્પોરેટર વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. 1લી ડિસેમ્બરે મતદાન બાદ કોર્પોરેટરે મતદાન મથકની બહાર જ ઊભી રહી કમળના ચિહ્ન સાથે વીડિયો…
ADVERTISEMENT
સુરત: સુરતમાં ભાજપના કોર્પોરેટર વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. 1લી ડિસેમ્બરે મતદાન બાદ કોર્પોરેટરે મતદાન મથકની બહાર જ ઊભી રહી કમળના ચિહ્ન સાથે વીડિયો બનાવ્યો હતો અને ચૂંટણીમાં ભાજપન વોટ આપવા માટે અપીલ કરી હતી. જે બાદ ચૂંટણી પંચે તેમની વિરુદ્ધ ફરિયાદ કરતા આખરે ભાજપના કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી છે.
વોટ આપ્યા બાદ કોર્પોરેટરે બનાવ્યો વીડિયો
1લી ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર મતદાન યોજાયું હતું. જેમાં સુરતમાં પણ તમામ બેઠકો પર મતદાન થયું હતું. ત્યારે સુરતમાં શહેરના વોર્ડ નંબર-28ના પાંડેસરના ભાજપના કોર્પોરેટર શરદ પાટીલે મતદાન બાદ એક વીડિયો બનાવ્યો હતો. મતદાન બૂથની બહાર જ ઊભા રહીને વીડિયો બનાવી કોર્પોરેટરે કમળનું ચિહ્ન બતાવ્યું અને ભાજપને વોટ આપવા અપીલ કરી હતી. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ રાજકારણ ગરમાયું હતું.
ચૂંટણી પંચની ફરિયાદના આધારે ધરપકડ
ત્યારે આ વીડિયો ચૂંટણી પંચના ધ્યાને આપતા ચૂંટણી પંચ પણ હરકતમાં આવ્યું હતું અને શરદ પાટીલ વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. ચૂંટણી પંચની ફરિયાદના આધારે પાંડેસરા પોલીસે કોર્પોરેટર શરદ પાટીલની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
પહેલા તબક્કામાં 63.14 ટકા મતદાન
નોંધનીય છે કે, ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો પર 1લી ડિસેમ્બરે 63.14 ટકા મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ નર્મદામાં 78.24 ટકા અને સૌથી ઓછું બોટાદમાં 57 ટકા મતદાન થયું હતું. ત્યારે 788 ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ થઈ ગયું છે અને 8મી ડિસેમ્બરે આ ઉમેદવારોના ભાવીનો ફેંસલો થશે. જોકે આ વખતે ઓછા મતદાનના કારણે રાજકીય પક્ષોની ચિંતા પણ વધી છે.
ADVERTISEMENT