PM મોદી આજે મોરબી બ્રિજ દુર્ઘટનાનાં પીડિતો સાથે મુલાકાત કરશે, આવતીકાલે રાજ્યવ્યાપી શોક જાહેર

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે. જોકે આ દરમિયાન મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી જતા 134 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનાના પડઘમ સમગ્ર દેશમાં વાગ્યા છે અને અત્યારે ગંભીર શોકગ્રસ્ત માહોલ જોવા મળી રહ્યો છે. જોકે ગત દિવસે વડાપ્રધાન મોદી પણ મોરબીની ઘટનાનો ઉલ્લેખ કરી ભાવુક થઈ ગયા હતા. તેવામાં આજે વડાપ્રધાન મોદી દુર્ઘટના સ્થળની મુલાકાતે આવી રહ્યા છે.

PM મોદી દુર્ઘટનાગ્રસ્ત પીડિતોને મળશે
મોરબી શહેરનો ઝૂલતો પૂલ તૂટી જતા ભારે જાનહાની થઈ છે. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોર પછી મોરબી ખાતે સિવિલ હોસ્પિટલમાં દુર્ઘટનાગ્રસ્ત પીડિતોની મુલાકાતે પહોંચશે. ઉલ્લેખનીય છે કે મોરબી દુર્ઘટનાને પગલે વડાપ્રધાન મોદીના આજના દરેક કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે. તો બીજી બાજુ PM મોદીએ ગાંધીનગર રાજભવન ખાતે ઉચ્ચસ્તરી બેઠક યોજી હતી.

ADVERTISEMENT

2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજભવન ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ દરમિયાન મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માના શોક માટે આવતીકાલ એટલે 2 નવેમ્બરના દિવસે રાજ્યવ્યાપી શોક પાળવાનો નિર્ણય કરાયો છે. ઉલ્લેખનીય છે કે આ દિવસે સરકારી બિલ્ડિંગો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે તથા કોઈ સરકારી કાર્યક્રમ, સત્કાર કાર્યક્રમનું પણ આયોજન થશે નહીં.

ADVERTISEMENT

દુઃખની ઘડીમાં સરકાર પીડિત પરિવારની સાથે છે- PM મોદી
મોરબીની દુર્ઘટનાનો ઉલ્લેખ કરતાની સાથે જ વડાપ્રધાન મોદીનો અવાજ રૂંધાઈ ગયો હોય એમ લાગી રહ્યું હતું. તેઓ તદ્દન ભાવુક થઈ ગયા હતા અને કહ્યું કે આ પ્રમાણેની પીડા મેં મારા જીવનમાં ખૂબ જ ઓછી અનુભવી છે. એક બાજુ અત્યારે દર્દભર્યું હૃદય છે જ્યારે બીજી બાજુ કર્તવ્યપથ છે. અત્યારે હું અહીં હાજર છું પરંતુ મારું મન તો મોરબી દુર્ઘટનાના પીડિત પરિવારો સાથે જ છે.

મૃતકોના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે- વડાપ્રધાન મોદી
PM મોદીએ વધુમાં કહ્યું કે મારુ મન કરૂણાથી ભરાઈ ગયું છે અને મોરબીના પીડિત પરિવારો સાથે છે. અત્યારે મુખ્યમંત્રી પણ મોરબીમાં સતત કાર્યરત છે અને કેન્દ્ર સરકાર દ્વારા પણ લોકોને બને એટલી મદદ કરાશે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના છે.

    follow whatsapp

    ADVERTISEMENT