મોરબી દુર્ઘટના: મૃતકોના પરિજનોએ ખખડાવ્યા સુપ્રીમ કોર્ટના દ્વાર, કહ્યું- સરકારની તપાસ પર ભરોસો નહીં

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: મોરબીમાં મચ્છુ નદી પર બનેલો ઝુલતો બ્રિજ તૂટવાથી થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારે પહેલીવાર સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને સમગ્ર મામલાની તપાસ CBI અથવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ કમિટી દ્વારા કરાવવાની માગણી કરી છે. અમદાવાદના દિલીપ ચાવડાએ આ અરજી દાખલ કરી છે જેમના ભાઈ અને પત્નીની બહેનનો જીવ આ દુર્ઘટનામાં જતો રહ્યો હતો.

વળતરની રકમ વધારવા રજૂઆત
અરજીકર્તાએ દલીલ કરી છે કે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી છે, આથી તેમને આ વાતની સંભાવના ઓછી લાગે છે કે તપાસ નિષ્પક્ષ થશે. અરજીકર્તામાં મૃતકોના પરિવારજનોએ વળતરના નામ પર માત્ર 2 લાખ આપવાનો પણ મુદ્દો ઉઠાવ્યો છે. દલીલ આપવામાં આવી છે કે ગુજરાત સરકાર ખેલાડીઓને 5 કરોડ સુધીની ઈનામી રકમ આપી ચૂકી છે, આથી મૃતકોના પરિવારજનોને સન્માનજનક રકમ વળતર તરીકે આપવામાં આવે, જેથી તેઓ આગળનું જીવન જીવી શકે.

પોલીસની કામગીરી પર ઉઠી રહ્યા હતા સવાલ
નોંધનીય છે કે અરજીકર્તાએ પોતાની અરજીમાં ઓરેવા કંપનીને બ્રિજનો કોન્ટ્રાક્ટ આપવા પર પણ સવાલો ઉઠાવ્યા છે. મોરબી બ્રિજ દુર્ઘટનામાં સત્તાવાર રીતે 135 લોકોના મોત નિપજ્યા છે. આ સમગ્ર મામલે સરકાર દ્વારા SITની રચના કરવામાં આવી છે. જોકે પોલીસ દ્વારા નોંધાવાયેલી FIRમાં OREVA ગ્રુપના માલિક જયસુખ પટેલનું નામ ન હોવાથી પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા હતા.

ADVERTISEMENT

અગાઉ પણ સુપ્રીમ કોર્ટમાં મોરબી દુર્ઘટના મામલે થઈ અરજી
આ પહેલા પણ સુપ્રીમ કોર્ટમાં મોરબીમાં થયેલી બ્રિજ દુર્ઘટના પાછળના કારણોની તપાસને લઈને એક જાહેરહિતની અરજી થઈ છે. જેમાં આ માનવીય બેદરકારીથી થયેલી દુર્ઘટનાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત જજના નેતૃત્વમાં SIT બનાવવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવાયું છે કે, આવી ઘટના ભવિષ્યમાં ફરીથી ન થાય આ માટે દેશભરમાં જેટલા પણ જૂના બ્રિજ અથવા મોન્યુમેન્ટ છે ત્યાં એકઠી થનારી ભીડ પર નિયમિત મેનેજ કરવા માટે કડક અને વ્યવહારિક નિયમ બનાવવાની અપીલ કરવામાં આવી છે. આ અરજીની સુનાવણી આગામી 14મી નવેમ્બરે થવાની છે.

    follow whatsapp

    ADVERTISEMENT