પેપર ફોડવાનું નહીં ગુજરાતમાં હવે સીધું માર્ક્સશીટમાં જ માર્ક્સ વધારવાનું કૌભાંડ બહાર આવ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી/જૂનાગઢ: જો તમારે માર્કશીટમાં માર્ક્સ વધારવા હોય તો નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિદ્યાર્થી બની જાઓ! જી હાં, અમે જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીની વાત કરી રહ્યા છીએ, જ્યાં હાલમાં જ કેટલાક વિદ્યાર્થીઓની માર્કશીટની ફરીથી ચકાસણી કરતા માર્ક્સ વધારવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જેને લઈને હવે રાજકીય માહોલ ગરમાયો છે.

એક બાજુ ગુજરાતમાં સરકારી ભરતી પરીક્ષામાં પેપર લીક થવાની સરકારની બદનામી થઈ ચૂકી છે, જેના પર આમ આદમી પાર્ટીએ પણ સરકારને ઘેરી હતી. એવામાં જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં અધિકારી અને રાજકીય વગ ધરાવતા કેટલાક વિદ્યાર્થીઓની માર્કશીટમાં માર્ક્સ વધારીને નવી માર્કશીટ આપવાનો મામલાનો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

NSUI કેવી રીતે બહાર લાવ્યું કૌભાંડ?
NSUIના પ્રમુખ યુગ પુરોહિતે કહ્યું કે, યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરાયા છે. અમને જાણ થઈ છે કે કેટલાક ઓળખીતાના માર્ક્સને વધારીને નવી માર્કશીટ આપવામાં આવી છે. અમે તપાસ કરી તો BA, LLB, ફાર્મસી જેવા કોર્સની માર્કશીટમાં માર્ક્સ વધારાયા હતા.

ADVERTISEMENT

કેવી રીતે થયું કૌભાંડ?
દરેક વિદ્યાર્થીની ઉત્તરવહી પર બારકોડ સ્કેનર લગાવેલું હોય છે. આથી જ્યારે માર્કશીટ બનીને કોમ્પ્યૂટરમાં તૈયાર થાય તે બાદ કોમ્પ્યૂટરમાં જ માર્ક્સ વધારવામાં આવ્યા છે.

ADVERTISEMENT

NSUIએ શું આરોપ લગાવ્યો અને શું છે તેમની માંગ?
NSUIના જૂનાગઢના પ્રમુખ યુગ પુરોહિત અને કોંગ્રેસના પ્રવક્તા નિદત બારોટની માગ છે કે જ્યાં સુધી આ તપાસ ચાલી રહી હોય વાઈસ ચાન્સેલરને તેમના પદથી હટાવવામાં આવે અને પ્રોફેસર તરીકે ભરતી થયેલા ચેતન ત્રિવેદીને કયા આધાર પર વાઈસ ચાન્સેલર બનાવવામાં આવ્યા? તેનો જવાબ આપવામાં આવે. કોમ્પ્યૂટર ઓપરેટર જેવા નાના લોકોને નોકરી પરથી કાઢવામાં આવ્યા તો શું તેમના નિવેદનો લેવામાં આવ્યા? કોના કહેવા પર આ કામ થયું છે તેની તપાસ થઈ? કોણ મોટા માથા આમા સામેલ છે તેની તપાસ કર્યા વિના તેને કાઢી મૂક્યો જેથી કોઈ પુરાવા ન રહે.

ADVERTISEMENT

શું કહેવું છે વાઈસ ચાન્સેલરનું?
નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ચેતન ત્રિવેદીનું કહેવું છે કે અમે માર્ક્સ વધારવાની ઘટનામાં તપાસ કમિટીની રચના કરી દીધી છે. કોમ્પ્યૂટર ઓપરેટર અને તેની સાથે મળેલા લોકોને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. અમારી તપાસ કમિટી રિપોર્ટ આપશે ત્યારે બધી વાત સામે આવશે. નોંધનીય છે કે, નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં જુનાગઢના એક લાખથી વધારે વિદ્યાર્થી અભ્યાસ કરે છે અને તેમાં જૂનાગઢ, ગીર સોમનાથ તથા પોરબંદરની 160 કોલેજ સંલગ્ન છે.

    follow whatsapp

    ADVERTISEMENT