જૂનાગઢમાં 24 કલાકમાં 16 ઈંચ વરસાદઃ વિસાવદરમાં 14 ઈંચ સાથે મેઘરાજાનું વિકરાળ સ્વરૂપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી.જૂનાગઢઃ જૂનાગઢમાં 24 કલાકમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ વરસી પડ્યા ક્યાં જળ ક્યાં તળ શોધવું મુશ્કેલ પડી રહ્યું છે. ડેમો છલકાયા છે, નદીઓ બે કાંઠા પર આવી છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા પ્રશાસનની પોલ પણ છતી થઈ છે. ઓઝત ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઘેડ પંથક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ તરફ નરસિંહ તળાવના બ્યુટી ફિકેશન માટે નાળા બંધ કરાતાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે જેથી લોકો રોષે ભરાયાં છે.

24 કલાકમાં 16 ઈંચ વરસાદ
જૂનાગઢમાં 24 કલાકમાં 16 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે વિસાવદરમાં 14 ઇંચ, ભેસાણમાં 7 ઇંચ, કેશોદમાં 8 ઇંચ તેમજ માણાવદરમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેને કારણે ક્યાં તળ ક્યા જળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ તરફ જૂનાગઢના માથે તો હજુ પણ રેલ એલર્ટ છે. આગામી સમયામાં અતિ ભારે વરસાદ ખાબકે તેવી સ્થિતિ છે ત્યારે જૂનાગઢના તંત્રની પ્રિ-મોન્સુન કામગીરીની શું હાલત થશે તે વિચારવું રહ્યું છે.

ગામોને કરાયા એલર્ટ
જૂનાગઢના તમામ ડેમો ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. બામણગામ, બાલગામ, શાપુર વંથલી, ટીનમસ, સાબલપુર, ઓસા સહિતના 20 થી વધુ ગામો એલર્ટ કરવામાં આવ્યા છે. આજે સવારે ઓઝત 1 અને ઓઝત 2, સાવલી હસનપુર, હિરણ ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ધસી આવ્યા હતા. ખેતરોની પાળીઓ તોડી ખેતરો અને ગામોમાં પાણી ધસી આવ્યા હતા. જેથી ઓસાં, બામણગામ, ધંધુસર, ટિન્મસ જેવા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. કેટલાક ખેતરોમાં ખેડૂતો વાવણી કામે ગયા હતા જે ખેતરોમાં ફસાતા તંત્ર તેમને બચાવવા દોડતું થયું હતું.

ADVERTISEMENT

લોકોનો રોષ સત્તાધિશો પર ફાટ્યો
જૂનાગઢના રહેણાક વિસ્તારો દુર્વેષ નગર, જલારામ સોસાયટી, દાતાર રોડ, જૂનાગઢ વેરાવળ બાયપાસ, દોલત પરા, સાબલપુર જેવા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં વાહન ચાલકોની મુશ્કેલીઓ વધી. શહેરના માર્ગો પર ભૂવાઓ પડતા લોકોને વાહન ચલાવવામાં પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. એક તરફ ભૂગર્ભ ગટરના કામો, ગેસ લાઈન અને પાણીની લાઈનોનું કામ કરતી મનપા એ લોકોની મુશ્કેલી વધારી દીધી. લોકોનો રોષ સત્તાધીશો પર ફાટી નીકળ્યો અને કોર્પોરેટર તેમજ ધારાસભ્ય પર ગુસ્સે થયા છે. ઘરવખરી પલળી જતા પરેશાન લોકો પ્રશાસન પાસે મદદની માંગ કરી રહ્યા છે. ધારાસભ્ય સંજય કોરડીયા ખુદ લોકોની મદદ કરે દોડી આવ્યાં અને મોડી રાત સુધી લોકો માટે ખડે પગે રહ્યા છે. આમ વરસાદે ખેડૂતોને અને શહેરીજનોને ખુશી સાથે મુશ્કિલ પણ ઊભી કરી છે.

    follow whatsapp

    ADVERTISEMENT