ભાજપના MLA હાર્દિક પટેલને મોટી રાહત, ભડકાઉ ભાષણ મામલે જામનગર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા
દર્શન ઠક્કર/ જામનગર: વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. જામનગર કોર્ટમાં હાર્દિક પટેલ સામે ચાલી રહેલા 2017ના એક કેસમાં આજે ચુકાદો આવ્યો…
ADVERTISEMENT
દર્શન ઠક્કર/ જામનગર: વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. જામનગર કોર્ટમાં હાર્દિક પટેલ સામે ચાલી રહેલા 2017ના એક કેસમાં આજે ચુકાદો આવ્યો છે. જેમાં જામનગર ચોથા એડી.ચીફ જૂડી. મેજીસ્ટ્રેટ એમ.ડી.નંદાણીની કોર્ટમાં હાર્દિક પટેલને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે.
શું હતો મામલો?
આ કેસની વિગતો મુજબ 4 નવેમ્બર 2017ના રોજ પાસ કન્વીનર હાર્દિક પટેલ તથા કન્વીનર અંકિત ઘાડીયા દ્વારા જામનગર નજીક ધુતારપુર-ધૂળશિયા ગામે પાટીદાર સમાજનું સામાજિક સુધારણા અને શૈક્ષણિક તથા ખેડૂતોનાં પ્રશ્નોને લગતી પ્રશ્નોનાં નિરાકરણ માટે એક સભા યોજવામાં આવી હતી. આ સભામાં લાઉડસ્પીકર, વિડિયોગ્રાફી, પંચો તથા સાહેદોના નિવેદનોના આધારે વિવાદાસ્પદ ભાષણો અંગે, 12 જાન્યુઆરી 2018ના રોજ જામનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ તથા અંકિત પટેલ વિરૂદ્ધ જીપી એકટની કલમ-36(3) તથા 72(2) તથા કલમ-134 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ કેસમાં પાછલા પાંચ વર્ષ દરમિયાન મુદતોમાં સર્કલ ઓફિસરો, પંચો, સાહેદો તથા વિડીયોગ્રાફર, ડીવીડી અને સીડી તપાસવામાં આવ્યા હતાં. ત્યારબાદ આરોપીઓ હાર્દિક પટેલ અને અંકિત પટેલનાં વકીલો દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. બાદમાં આજે અદાલતે આ બંને આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો. આ કેસ અગાઉ ખૂબ જ ચર્ચાસ્પદ બનેલો.
ADVERTISEMENT
MLA હાર્દિક પટેલને ભડકાઉ ભાષણ મામલે જામનગર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા#HardikPatel #Jamnagar #GTVideo #BJP pic.twitter.com/z2U09cH3Ja
— Gujarat Tak (@GujaratTak) February 10, 2023
અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પણ ચાલી રહ્યો છે કેસ
નોંધનીય છે કે, નિકોલના વર્ષ 2018નો એક કેસ પણ હાર્દિક પટેલ પર ચાલી રહ્યો છે. જેમાં જાન્યુઆરીમાં સુનાવણી દરમિયાન હાર્દિક પટેલ ગેરહાજર રહ્યા હતા. જેના કારણે કોર્ટે સમન્સ પાઠવ્યું હતું. જોકે 8મી ફેબ્રુઆરીએ ફરી તેઓ ગેરહાજર રહેતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ટકોર કરી હતી. જ્યારે પાટીદાર આગેવાનોએ પણ કોર્ટ પરિસરમાં જ હાર્દિક પટેલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT