ઈસુદાને કહ્યું- પાટીલ ગુજરાતીઓ માટે ખતરનાક, ભાજપનો પલટવાર- દારૂ પી મહિલાઓની છેડતી કરનારને બોલવાનો અધિકાર નથી
અમદાવાદ: સુરતમાં રત્ન કલાકારોને AAPનો પ્રચાર કરવા પર નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપનાર ઉદ્યોગપતિનું ગઈકાલે સી.આર પાટીલના હસ્તે ભાજપમાં પ્રવેશ કરાયો. જેને લઈને હવે AAPના…
ADVERTISEMENT
અમદાવાદ: સુરતમાં રત્ન કલાકારોને AAPનો પ્રચાર કરવા પર નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપનાર ઉદ્યોગપતિનું ગઈકાલે સી.આર પાટીલના હસ્તે ભાજપમાં પ્રવેશ કરાયો. જેને લઈને હવે AAPના નેતા ઈસુદાન ગઢવીએ ભાજપ અને સી.આર પાટીલ પર આકરા પ્રહાર કર્યા છે. આ સાથે જ તેમણે વિજય નાયરની ધરપકડને પણ ભાજપનું ષડયંત્ર ગણાવ્યું અને કેજરીવાલને ગુજરાત આવતા રોકવા આ કર્યું હોવાનો આક્ષેપ લગાવ્યો.
ઈસુદાન ગઢવીએ કહ્યું કે, હિરા ઉદ્યોગ વેપારીનો વીડિયો વાઈરલ થયો હતો. જેમાં વેપારી કારીગરોને ધમકી આપતો હતો કે તમે જો ફોનમાં કેજરીવાલનું સ્ટેટસ રાખશો તો હું તમને છૂટા કરી દઈશ. હિરા કર્મચારીઓ માંડ તેમનું ઘર ચલાવતા હોય ત્યારે હિરા વેપારીએ આવી ધમકી આવી અને ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલે ટ્વીટ કરીને સન્માન કર્યાનું જણાવ્યું ત્યારે ગુજરાતના ગરીબ, વંચિતોમાં નિરાશા ફેલાઈ ગઈ. આપણા દેશમાં લોકતંત્રમાં કોને મત આપવો, કોની વિચારધારા રાખવી તેની સ્વતંત્રતા છે. આ લોકતંત્રમાં નોકરીથી કાઢવાની વાત કરી એટલે પાટીલને મજા આવી.
તેમણે વધુમાં કહ્યું કે, ભ્રષ્ટ ભાજપ સરકારી નોકરી આપી નથી શકતી, પરીક્ષામાં પેપર ફૂટે છે, ખાનગી નોકરી આપી નથી શકતી અને જે માંડ માંડ કરીને નોકરીએ મેળવી રહ્યા હોય એમને નોકરીએથી કાઢી નાખવાની ધમકી આપે તેનું સી.આર પાટીલ સન્માન કરે છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે સી.આર પાટીલ ગુજરાતીઓ વિરુદ્ધ માનસિકતા ધરાવે છે. હું ભાજપના નેતાઓને વિનંતી કરું છું જે રીતે પાટીલ બિન ગુજરાતી માનસિકતા ધરાવે છે તે રીતે શું તેઓ તેમની સાથે છે? ગરબામાં પણ સી.આર પાટીલે જીએસટી લગાવડાવ્યો છે. ગુજરાતની સંસ્કૃતિને બદનામ કરવા માટે. કેટલાય ખેલૈયાઓ તેનો વિરોધ કરી રહ્યા છે. આ દુઃખની વાત છે. મને લાગે છે કે હું દરેક ગુજરાતીઓને વિનંતી કરું છું કે એક થાઓ અને ભ્રષ્ટ ભાજપને ગુજરાતમાંથી કાઢવા માટે પ્રયાસ કરજો. સી.આર પાટીલને મુખ્યમંત્રી બનવું છે, પછી ખેડૂતોને પાયમાલ કરી દેશે, માલધારી વિરુદ્ધનો ફરીથી કાયદો લાવશે, કારીગરો વિરુદ્ધનો કાયદો લાવશે, એટલે સી.આર પાટીલ ગુજરાત માટે બહુ જ ખતરનાક છે.
આ સાથે જ ઈસુદાન ગઢવીએ દિલ્હીમાં AAPના કાર્યકર્તા વિજય નાયરની ધરપકડ વિશે પણ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે, કેજરીવાલ પર વિશ્વાસ વધી રહ્યો છે, એનાથી ડરીને ગુજરાતમાં કેજરીવાલ ડિસ્ટર્બ થાય. તેના માટે કેજરીવાલના એક સામાન્ય કાર્યકર વિજય નાયરની CBIએ ધરપકડ કરી છે. સ્ટ્રેટર્જી પ્લાનિંગમાં વિજય નાયરે પંજાબમાં ચૂંટણી જીતાડી ગુજરાતમાં પણ વિજય નાયર સ્ટ્રેટર્જી પ્લાનર હતા લિકર પોલિસી સાથે તેમનું કંઈ લેવા દેવા નથી. તે કોઈ પોસ્ટ પર પણ નથી.
ADVERTISEMENT
તેમણે ઉમેર્યું, આવા નાટકો બતાવે છે કે અરવિંદ કેજરીવાલની સરકાર ગુજરાતમાં આવી રહી છે. એટલે જ ભાજપના નેતાઓ રઘવાયા થયા છે. કોઈ રેવડી કહેશે, કોઈ સમાજનું અપમાન કરશે, કોઈ મજાક ઉડાવશે. ભાજપના નેતાઓ એવું નથી કહેતા કે અમે શિક્ષણમાં સારું કર્યું તો અમને મત આપજો. એ એવું કહે છે કે કેજરીવાલ આવા છે, ઈસુદાન આવા છે.
ભાજપનો AAP પર પલટવાર
ગુજરાત ભાજપના મીડિયા કન્વિનર ડો.યજ્ઞેશ દવેએ Gujarat Tak સાથેની ચર્ચામાં પલટવાર કરતા કહ્યું કે, સી.આર પાટીલ ગુજરાત વિરોધી નથી, ગુજરાત વિરોધી આમ આદમી પાર્ટી છે. AAPએ જે જે ઉમેદવારો પસંદ કર્યા છે તે દારૂબંધી હટાવવાની વાતો કરી રહ્યા છે. કેજરીવાલ ગુજરાતમાં આવીને જે જે વચન આપી રહ્યા છે તેમાંથી એકપણ વચન પૂરા કરવાની ક્ષમતા નથી. ગુજરાતના નેતાઓ પણ આ બાબતે ચૂપ છે કે એ નાણા ક્યાંથી લાવશે અને આ બધા વચનો કેવી રીતે પૂરા કરશે. જો એમણે ગેરંટી આપવી હોય તે સ્ટેમ્પ પેપર પર ગેરંટી આપે. ખાલી ફરફરીયા છાપીને ગેરંટી ના આપે. એટલે ગુજરાત વિરોધી વાત કરવાની અને ગુજરાત વિરોધી માનસિકતા ધરાવતી AAPએ ગુજરાત વિશે વાત કરવાનો અધિકાર નથી. અને ઈસુદાન ગઢવીને તો જરાય અધિકાર નથી. જે વ્યક્તિ દારૂ પી કોઈ પક્ષની ઓફિસમાં જઈ મહિલાઓની છેડતી કરતો હોય તે વ્યક્તિ જો FSLમાં દારૂ પીવાનું સાબિત થાય તો આવા વ્યક્તિને એટલા માટે વાત કરવાનો અધિકાર નથી કે જે નશામાં રહેતો હોય એ વ્યક્તિ શું વાત કરી શકે.
ADVERTISEMENT