હિટ એન્ડ રનના નવા કાયદાની સામે ડમ્પર-ટ્રક ડ્રાઈવરોની હડતાળ, ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઠપ, પેટ્રોલ પંપ પર લાગી લાંબી લાઈનો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Truck Drivers Protest: કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં દેશભરના ટ્રક અને ડમ્પર ચાલકો હડતાળ પર ઉતર્યા છે. તેમનું કહેવું છે કે આ કાયદો ખોટો છે અને તેને પાછો ખેંચવો જોઈએ. આ માંગને લઈને ગુજરાતથી લઈને દિલ્હી સુધી ટ્રક ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે. ટ્રક ચાલકોએ દિલ્હી-હરિયાણા, યુપી, મુંબઈ સહિત અનેક જગ્યાએ પોત-પોતાની ટ્રકો રસ્તાઓ પર ઉભી રાખીને રસ્તાઓ બ્લોક કરી દીધા હતા.

હિટ એન્ડ રન કાયદો શું છે?

વાસ્તવમાં, કેન્દ્ર સરકારે ટ્રક ડ્રાઈવરોને લઈને નવો કાયદો બનાવ્યો છે, જે અંતર્ગત જો કોઈ ટ્રક અથવા ડમ્પર ચાલક કોઈને કચડીને ફરાર થઈ જાય છે તો તેને 10 વર્ષની જેલ થશે. આ સિવાય 7 લાખ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. અગાઉ આ કેસમાં આરોપી ડ્રાઈવરને થોડા દિવસોમાં જ જામીન મળી જતા હતા. જોકે, આ કાયદા હેઠળ બે વર્ષની જેલ સજાની જોગવાઈ પણ હતી.

નવા કાયદા સામે ટ્રક ચાલકોમાં રોષ

સરકારના આ નિર્ણય બાદ ટ્રક ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેઓનું કહેવું છે કે, આ એકદમ ખોટું છે. સરકારે આ કાયદો પાછો ખેંચવો પડશે. આને લઈને ગ્રેટર નોઈડાના ઈકોટેક 3 વિસ્તારમાં ટ્રક ડ્રાઈવરોએ પોતાના વાહનો રસ્તા પર ઉભા રાખીને રોડ બ્લોક કરી દીધો હતો અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે, પોલીસની સમજાવટ બાદ તેઓએ પોતાના વાહનો હટાવ્યા હતા.

ADVERTISEMENT

ઈન્દોરમાં પણ ચક્કાજામ

મધ્યપ્રદેશના ઈન્દોરમાં ટ્રક ડ્રાઈવરોની હડતાળની અસર પેટ્રોલ પંપ પર પણ પડી છે. અહીના પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો લાગી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રક ડ્રાઈવરોની આ હડતાલ ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે. જેના કારણે પેટ્રોલ પંપ સુધી ઈંધણ પહોંચી શકશે નહીં. આ સમાચાર વાયુવેગે ફેલાતા લોકો પેટ્રોલ પંપ પર પહોંચવા લાગ્યા હતા, જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ.

મુંબઈમાં ટ્રક ડ્રાઈવરો હડતાળ પર

MP, દિલ્હીની સાથે-સાથે મહારાષ્ટ્રમાં પણ હડતાલની અસર જોવા મળી. જ્યાં સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા કાયદાનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. તેમની હડતાળને કારણે રસ્તાઓ પર લાંબો ટ્રાફિક જામ થયો હતો.

ADVERTISEMENT

રાજસ્થાનના હનુમાનગઢમાં પણ પ્રદર્શન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં પણ ટ્રક અને બસના ચાલકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેઓએ હાઈવે બ્લોક કરીને આ કાયદાનો વિરોધ કર્યો હતો. આ પછી ડ્રાઈવર જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જ્યાં તેમણે સરકાર અને પ્રશાસનને કડક ચેતવણી પણ આપી હતી.

ADVERTISEMENT

ગુજરાતના અનેક વિસ્તારોમાં વિરોધ

ગઈકાલે ગુજરાતના ભરૂચમાં નેશનલ હાઈવે નંબર 48 પર અંકલેશ્વર નજીક ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ટ્રક ડ્રાઈવરોએ વિરોધ પ્રદર્શન કરવા આખા રોડ પર ચક્કાજામ કર્યુ હતું. નેશનલ હાઈવે પર આશરે 2થી 4 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થયો હતો.

ભચાઉઃ ટ્રક ડ્રાઈવરોએ કર્યો ચક્કાજામ

ભચાઉ તાલુકાના સામખિયાળી નેશનલ હાઈવે પર ટ્રક ડ્રાઈવર એકતા ગ્રુપના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અંદાજિત 400થી 500 જેટલા ટ્રક ચાલકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કેન્દ્ર સરકાર આ કાયદામાં ફેરફાર કરે એવી માંગ કરી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT