ચોટીલામાં રોપ-વેનો કોન્ટ્રાક્ટ ટેન્ડર વિના કેવી રીતે આપી દીધો? હાઈકોર્ટનો સરકારને સવાલ
અમદાવાદ: ચોટીલા મંદિરે જવા માટે બનાવેલા રોપ-વે મામલે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા કરાયેલી અરજીમાં આક્ષેપ કરાયો છે તે,…
ADVERTISEMENT
અમદાવાદ: ચોટીલા મંદિરે જવા માટે બનાવેલા રોપ-વે મામલે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા કરાયેલી અરજીમાં આક્ષેપ કરાયો છે તે, રોપ-વે માટે જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે તેની યોગ્ય મરામત કરાવતી નથી. જેના કારણે શ્રદ્ધાળુઓના જીવ માથે જોખમ સર્જાઈ રહ્યું છે. ત્યારે મામલાની સુનાવણીમાં ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે સરકારને સવાલ કર્યો હતો કે, મોરબી જેવી દુર્ઘટના બની છતાં તમે ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા વગર કોન્ટ્રાક્ટ કેમ આપી દો છો? આવી કંપનીને લીધે દુર્ઘટના બને છે.
2008થી એક જ કંપનીને મળે છે કોન્ટ્રાક્ટ
હાઈકોર્ટમાં અરજદારના વકીલે રજૂઆત કરી કે, મોરબી ઝુલતા પુલની દુર્ઘટનામાં જે ભૂલ કરાઈ તેવી જ ભૂલ ચોટીલા મંદિરમાં બનતા રોપ-વેના પ્રોજેક્ટમાં કરાઈ રહી છે. સરકારે એવી કંપનીને રૂ.500 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે જેને રોપ-વે બનાવવાનો કોઈ અનુભવ જ નથી. જો આ કોન્ટ્રાક્ટ માર્સ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિ.ને અપાશે તો અસંખ્ય લોકોના જીવ જોખમમાં મૂકાશે. 2008થી સરકાર આ કંપનીને રોપ-વે બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. જેની સામે હાઈકોર્ટમાં અરજી થઈ હતી અને 2011માં સરકારે જવાબ આપ્યો હતો કે કંપની લેટેસ્ટ ટેકનોલોજીથી રોપ-વેનું નિર્માણ કરશે.
10 વર્ષ જૂની ટેકનોલોજી વાપરે છે કંપની
રજૂઆતમાં આગળ કહેવાયું કે, કંપનીએ દસ વર્ષ બાદ આ ટેકનોલોજી અપનાવી છે. જે હવે જૂની થઈ ગઈ છે. છેલ્લા પંદર વર્ષથી સરકાર આ કંપનીને સમર્થન આપી રહી છે અને કોઈ હરાજી કે ટેન્ડર વિના જ કંપનીને કોન્ટ્રાક્ટ આપી દીધો છે. સરકારની પ્રક્રિયામાં પારદર્શિતા નથી. ખંડપીઠે આ મામલે વધુ સુનાવણી આગામી 16મી ફેબ્રુઆરીએ રાખી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT