‘ગુજરાત કોંગ્રેસ મુક્ત નહીં પરંતુ ડ્રગ્સ યુક્ત થઈ રહ્યું છે’, સુખરામ રાઠવાના આક્ષેપ પર હર્ષ સંઘવી શું બોલ્યા?
ગાંધીનગર: વિપક્ષના ભારે ધમાલ વચ્ચે બુધવારે વિધાનસભામાં ચોમાસું સત્રની શરૂઆત થઈ હતી. જેમાં કોંગ્રેસ દ્વારા ગુજરાતમાંથી વારંવાર પકડાતા ડ્રગ્સ મુદ્દે આકરા પ્રહાર કરીને સરકારને ઘેરવાનો…
ADVERTISEMENT
ગાંધીનગર: વિપક્ષના ભારે ધમાલ વચ્ચે બુધવારે વિધાનસભામાં ચોમાસું સત્રની શરૂઆત થઈ હતી. જેમાં કોંગ્રેસ દ્વારા ગુજરાતમાંથી વારંવાર પકડાતા ડ્રગ્સ મુદ્દે આકરા પ્રહાર કરીને સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસને આડેહાથ લીધી હતી.
વિપક્ષના નેતાએ ડ્રગ્સ મુદ્દે સરકારને ઘેરી
વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ ગુજરાતમાંથી પકડાતા ડ્રગ્સ અંગે કહ્યું હતું કે, ડ્રગ્સ ઠલવાય છે તે કંપનીઓનું લાયસન્સ રદ થવું જોઈએ. ગુજરાત કોંગ્રેસ મુક્ત નહીં પરંતુ ડ્રગ્સ યુક્ત થઈ રહ્યું છે.
હર્ષ સંઘવીએ આપ્યો આવો જવાબ
જેના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, આ ઉડતું નહીં પણ ડ્રગ્સ પકડતું ગુજરાત છે. ગુજરાતમાં ડ્રગ્સ પકડાયું નથી, પણ પોલીસની સતર્કતાથી ડ્રગ્સ અને ડ્રગ્સ માફિયાઓને પકડવામાં આવે છે. છેલ્લા 1 વર્ષમાં રૂ.6500 કરોડના ડ્રગ્સ સાથે 700થી વધુ ગુનેગારોને જેલમાં મોકલવામાં આવ્યા છે અને તેમાંથી એકપણને આજ સુધી જામીન મળ્યા નથી.
ADVERTISEMENT
આ સાથે જ હર્ષ સંઘવીએ ગુજરાતમાં અમલમાં મૂકાયેલી ડ્રગ્સ રિવોર્ડ પોલિસી પણ આ ડ્રગ્સ પકડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી હોવાનું જણાવ્યું હતું. સાથે જ તેમણે જીવના જોખમે ફરજ બજાવી ડ્રગ્સ પકડતી પોલીસનું મનોબળ ન તોડવા કોંગ્રેસને જણાવ્યું હતું.
ચોમાસું સત્રના પહેલા દિવસે કોંગ્રેસના ધારાસભ્યો સસ્પેન્ડ થયા
નોંધનીય છે કે, વિધાનસભામાં ચોમાસુ સત્રનો પહેલો દિવસે ભારે હોબાળો થયો હતો. સત્ર શરૂ થતા જ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો વેલમાં ધસી ગયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. જે બાદ તેમને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ બાદ તમામ સસ્પેન્ડ થયેલા ધારાસભ્યોએ વિધાનસભા બહાર બેસીને મોક વિધાનસભા યોજી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT