ઠંડીમાં બસ સ્ટેન્ડ પર વિતાવી હતી રાતઃ પેપર લીક થતા નારાજ વિદ્યાર્થીઓના ઠેરઠેર ચક્કાજામ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગોધરા / મહિસાગર / પાટણઃ ગુજરાતમાં પેપર ફૂટવાનો સિલસિલો સરકારથી અટકી રહ્યો નથી. માંડ કોઈ પરીક્ષા સુવ્યવસ્થિત રીતે લેવાય તેવું બને છે અને મોટા ભાગે પેપર લીક થતા પરીક્ષાર્થીઓમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. પંચાયત જુનિયર ક્લાર્કની સરકારી નોકરી માટેની આજે રવિવારે પરીક્ષા યોજાવાની હતી. જે હવે યોજાશે નહીં કારણ કે આ પરીક્ષાનું પેપર લીક થઈ ગયું છે. મોડી રાત્રે પોલીસે એક શખ્સને ઝડપ્યા પછી આ પેપર ફૂટ્યાનો ખુલાસો સામે આવ્યો હતો. આ મામલે મહિસાગરમાં પરીક્ષાર્થીઓ દ્વારા મુખ્ય મથકમાં ચક્કાજામ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ અહીં હાઈવે જામ કરી દીધો હતો. પોલીસે મધ્યસ્થી કરીને ટ્રાફીક પુર્વવત કરાવ્યો હતો. લુણાવાડા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. ન માત્ર મહિસાગર પણ ગોધરા અને પાટણમાં પણ વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને નારાજગી વ્યક્ત કરી હતી.

ઠેરઠેર વિરોધ પ્રદર્શનો
પેપર લીક થતા આ વખતે વિદ્યાર્થીઓને છેલ્લી ઘડીએ ધક્કો પડ્યો અને તેમનામાં નારાજગી ભભૂકી ઊઠી હતી. મહિસાગરમાં જિલ્લાના મુખ્ય મથકે પરીક્ષાર્થીઓ દ્વારા ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. હાઈવે જામ કરી દેવાતા ટ્રાફીકની સમસ્યા ઊભી થઈ હતી. જેની જાણ થતા લુણાવાડા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને સમજાવટ કરી ટ્રાફીક પુર્વવત કરાવ્યો હતો. આવી જ સ્થિતિ ગોધરામાં પણ હતી. જ્યાં ગોધરા બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ કરી ટ્રાફીક જામ કરી દીધો હતો. પોલીસ ખડકીને વિદ્યાર્થીઓને શાંત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા મોડાસાથી ઇડર ST બસમાં નીકળેલા પરિક્ષાર્થીઓને શામળાજી ઉતારી દેવાયા

વિદ્યાર્થીઓ ઠંડીમાં બસ સ્ટેન્ડ પર જ સુઈ ગયા હતા
આ પરીક્ષા માટે પરીક્ષાર્થીઓએ ઘણી મહેનત કરી હતી. જોકે તેવી મહેનત પરીક્ષાર્થીઓ દરેક વખતે કરે છે, પરંતુ અહીં હાલ જ્યાં કડકડતી ઠંડી, વરસાદી માવઠા સાથે કુદરત પણ પરીક્ષા લઈ રહી છે ત્યારે ઘણા વિદ્યાર્થીઓ હતા કે જે ગોધરા બસ સ્ટેન્ડ પર જ આગલી રાત રોકાઈને ત્યાં જ સુઈ ગયા હતા. મહેનત જ નહીં પણ તન તોડ મહેનત પછી જો આ પરીણામ જોવા મળતું હોય તો તંત્ર તરફ નારાજગી થવી સ્વાભાવીક રીતે જોવા મળી રહી હતી.

પાટણના ધારાસભ્યનો સરકાર સામે રોષ
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ આ મામલે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે પેપર નહીં આ તો વિદ્યાર્થીઓના નસીબ ફૂટ્યા છે. સરકારે અગાઉ કડક કાર્યવાહી કરી હોત તો પેપર ન ફુટતા. સરકાર જો ના કરી શકતી હોય તો જવાબદારી અમને સોંપી દો.

ADVERTISEMENT

દાખલો બેસે તેવી સજા કરોઃ ધારાસભ્ય
પેપર લીક થતાના મામલાથી નારાજ થયેલા અરવલ્લીના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કહ્યું કે, આજે તો મારે વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક કહેવું હતું પરંતુ જે પ્રમાણે સમાચાર આવ્યા છે કે પેપર લીક થતા પરીક્ષા મોકુફ કરાઈ છે તે જાણીને દુઃખ થયું છે કે 17 લાખ વિદ્યાર્થીઓ સાથે મજાક થઈ છે. પેપર લીક કરનારાઓ જે પણ હોય તેમને કડક સજા કરવાની તથા ઉમેદવારો કે જે આટલી ઠંડીમાં ખર્ચો કરીને સેન્ટર સુધી પહોંચ્યા છે તેમને યોગ્ય વળતર સરકાર આપે તેવી મારી વિનંતી છે.

ADVERTISEMENT

અગાઉની પરીક્ષાના પેપર ફોડનારાઓએ જ જુનિયર ક્લાર્કનું પેપર કર્યું લીકઃ યુવરાજસિંહના આક્ષેપો

પસંદગી મંડળ પર પોલીસ ફોર્સ માંગવામાં આવી
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પેપર લીક થયા પછી સુરક્ષાને ધ્યાને લઈને કર્મયોગી ભવન ખાતે પોલીસ બંદોબસ્ત આપવાની માગ કરવવામાં આવી છે. ગાંધીનગર ખાતે જિલ્લા પોલીસ વડાને મંડળ દ્વારા આ અંગે વિનંતી કરવામાં આવી છે.

પોલીસે એકને ઝડપ્યો
રવિવારે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત જુનિયર ક્લાર્કના પદ માટેની સરકારી નોકરીની પરીક્ષાઓ થવાની હતી જે ગુજરાતમાં 3350 જગ્યાએ લેવાવાની હતી. જોકે પરીક્ષા થાય તે પહેલા જ આ પરીક્ષાનું પેપર લીક થઈ ગયું હતું. આ પરીક્ષા આપવા માટે 17 લાખ યુવાનોએ ફોર્મ ભર્યા હતા. જેના કારણે આટલી મોટી સંખ્યામાં યુવાનોના સપના ચકનાચુર થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ મામલામાં પોલીસે મોડી રાત્રે એક શખ્સને ઝડપ્યો હોવાનું પણ સામે આવ્યું છે. જે પછી સરકારે આ પરીક્ષા રદ્દ કરી દેવાનો નિર્ણય કર્યો છે. જોકે ફરી પરીક્ષા ક્યારે થશે તે અંગે હજુ પણ કશું જ નક્કી થયું નથી.

‘વિદ્યાર્થીઓને Best Of Luck કહેવું હતું, પણ’- MLA ધવલસિંહે કરી ઉમેદવારોને વળતરની માગ

યુવરાજસિંહે શું કહ્યું હતું?
ગુજરાત સરકારમાં થતી ભરતી પરીક્ષામાં સતત કૌભાંડો થતા આવ્યા છે. દરમિયાન વધુ એક પરીક્ષા રદ્દ થઈ જવા પાછળનું કારણ પર પેપર લીક છે. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ આ મામલે થોડા જ દિવસો પહેલા ચોંકાવનારી વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જુનિયર ક્લાર્ક પરીક્ષા અંગે પ્રશાસન તંત્ર અને પોલીસ વિભાગને સાવચેતીના ભાગરૂપે તાકીદ કરવામાં આવી છે. ભુતકાળમાં જે વિસ્તારના કૌભાંડી એજન્ટો એક્ટિવ હતા તે ફરીથી એક્ટિવ થયા છે. અગાઉની પરીક્ષાઓમાં પેપર ફોડનારી ટોળકી આ વખતે ગુજરાતમાં ઠેરઠેરથી પેપરના લાખો રૂપિયા ઉઘરાવી રહી છે.
(ઈનપુટઃ વીરેન જોશી, મહિસાગર, શાર્દૂલ ગજ્જર, ગોધરા, વિપિન પ્રજાપતિ, પાટણ અને ગોપી ઘાંઘર, ગાંધીનગર)

    follow whatsapp

    ADVERTISEMENT