‘ચાઈનીઝ દોરી પર પ્રતિબંધનો અમલ કરાવો, ઈજા-મૃત્યુ ચલાવી નહીં લેવાય’- ગુજરાત HC નારાજ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં ઠેરઠેર ચાઈનીઝ દોરીનું ધૂમ વેચાણ અને વપરાશ થઈ રહ્યો છે તે દીવા જેવું સ્પષ્ટ છે. જોકે છતાં તંત્રમાં એવું જોર નથી કે પછી ઈચ્છા શક્તિ જોવા મળતી નથી કે ચાઈનીઝ દોરી પર સકંજો કસી શકે. હજુ તો ઉત્તરાયણને ઘણા દિવસો બાકી છે છતા ચાઈનીઝ દોરીથી ઈજાઓ અને મોતનો જાણે સીલસીલો શરૂ થયો હોય તેવો ઘાટ જોવા મળે છે ત્યારે આજે મંગળવારે ગુજરાત હાઈકોર્ટે એક પિટિશનની સુનાવણી દરમિયાન તંત્રને ઝાટકી કાઢ્યું હતું. હાઈકોર્ટે સરકારને બે જ દિવસમાં સોગંદનામુ રજૂ કરીને જવાબ આપવા આદેશ કર્યો ચે. અને કહ્યું છે કે ચાઈનીઝ દોરી, ચાઈનીઝ અને નાયલોન દોરા પર પ્રતિબંધ મુકતું ખાલી જાહેરનામુ જ બહાર પાડવા પુરતું નથી, તેની અમલવારી પણ જરૂરી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે આ કારણોથી કોઈ ઈજા કે મૃત્યુ ચલાવી લેવાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે માત્ર સરકારની જ ઈચ્છા શક્તિ કે પ્રતિબંધના અમલમાં સક્ષમતાની વાત નથી અહીં લોકોમાં પણ એક સામાન્ય સમજ આવી રહી નથી કે આવી ઘાતક દોરીનો ઉપયોગ કેટલો પીડાદાયી બની શકે છે. લોકોમાં પણ સામે જાગૃત્તિનો એટલો જ અભાવ જોવા મળી રહ્યો છે.

સરકારને બે દિવસમાં જવાબ આપવાનો આદેશ
ગુજરાતમાં ઉત્તરાયણના પ્રવે ચાઈનીઝ દોરાઓના કારણે લોકો સહિત પશુ પક્ષીઓને પણ પરેશાની થતી હોય છે અને ઈજાઓ અને મૃત્યુની ઘટનાઓ બનતી હોય છે. ગુજરાત હાઈકોર્ટે આ મામલે આજે પિટિશનની સુનાવણી દરમિયાન ગુજરાત સરકાર પાસેથી ખુલાસો માગ્યો છે કે ગુજરાતમાં ચાઈનીઝ દોરી, નાયલોન દોરી, ચાઈનીઝ ટુક્કલ જેવી પ્રતિબંધિત વસ્તુઓની અમલવારી સરકાર કેવી રીતે કરાવી રહી છે? બે દિવસમાં સોગંદનામામાં જવાબ રજૂ કરવાનો હાઈકોર્ટનો આદેશ છે. ઉલ્લેખનીય છે કે આ પિટિશનમાં દોરીઓ, ટુક્કલના કારણે લોકોને થતી ઈજાઓ અને મૃત્યુ તથા અકસ્માતોને રોકવા યોગ્ય પગલાની માગ કરવામાં આવી છે.

વધુ સુનાવણી 6 જાન્યુઆરીએ
કોર્ટે સ્પષ્ટ પણે કહ્યું છે કે આવી ઘાતક દોરીઓના કારણે લોકોના મૃત્યુ થાય કે ઈજાઓ થાય તે બિલકુલ ચલાવી લેવાશે નહીં. હવે આ સંદર્ભે વધુ સનાવણી 6 જાન્યુઆરીએ થશે. ઉલ્લેખનીય છે કે હમણાં જ રવિવારે વડોદરામાં રહેતો પૂર્વ નેશનલ હોકી પ્લેયર રાહુલ બાથમ (ઉં.વ. 30) કામ માટે આરવી દેસાઈ રોડ પરથી જતો હતો ત્યારે નવાપુરા પોલીસ સ્ટેશનની નજીક જ તેના ગળામાં પતંગની દોરી આવી ગઈ અને ગંભીર ઈજાઓને કારણે સયાજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે તે પ્લેયરનું મોત નિપજ્યું હતું. ડોક્ટરે ઘણા પ્રયાસ કર્યા પરંતુ બાથમની ગળાની નસો કપાઈ ગઈ હતી અને લોહી પણ ખુબ વહી ગયું હતું. આ પરિવારનો વ્હાલો દિકરો જ્યારે મરણ પથારી પર હતો ત્યારે પરિવારનો આક્રંત વાતાવરણને ગમગીન કરી મુકનારો હતો. ઉપરાંત હમણાં જ અમદાવાદના રિવરફ્રન્ટ રોડ પરથી એક બાળકના મોંઢાના ભાગે દોરીને કારણે એટલો મોટો ઘસરકો લાગ્યો હતો કે તેને જોઈને જ તે બાળકની પીડા અનુભવી શકાતી હતી. સાથે જ સુરતમાં કામરેજ ચાર રસ્તા પરથી જતા બળવંત ઉર્ફે રાજુ પટેલ કે જેઓ નવાગામના રહેવાસી છે તેઓ બાઈક પર પસાર થઈ રહ્યા હતા. જોકે આ દરમિયાન દોરી તેમના ગળામાં વાગતા તેમને પણ ગંભીર ઈજા થઈ હતી. જેમાં પણ તેમના ગળાની નસો કપાઈ જતા તેમનું મોત નિપજ્યું હતું.

ADVERTISEMENT

આવા તો અને બનાવો બન્યા
તે ઉપરાંત પાંડેસરા વિસ્તારમાં રહેતા બબલુકુમાર વિશ્વકર્મા કે જેઓ ગત 19મી ડિસેમ્બરે ડિડોલી વિસ્તારમાં રહેતા પોતાના કાકાના ઘરે જવા બાઈક પર જતા હતા. તેમની સાથે તેમની પત્ની સંગીતા બેન અને 4 વર્ષની દીકરી આર્યા પણ હતી. સાંજનો સમય હતો અને તેઓ પીયુષ પોઈન્ટ બ્રિજ પરથી જતી વખતે તેમને દોરી દેખાઈ શકી નહીં અને ગળામાં આવી જતા ગળું કપાઈ ગયું હતું. દોરી ઘસાતી હોવાનું લાગતા તેમણે તુરંત તેને અટકાવવાનો પ્રયાસ કર્યો પણ ત્યાં સુધી તેમને ગંભીર ઈજા થઈ ચુકી હતી. બચાવવાના પ્રયાસમાં તેમની પત્નીને પણ ઈજા થઈ હતી. ઉપરાંત ગત 12 ડિસેમ્બરે બેગપુરા વિસ્તારમાં રહેતા આરીફહુસૈન લોખંડવાલા કે જેઓ રિક્ષા ખરીદ વેચાણની દલાલી પણ કરે છે તેઓ મિત્ર બશીર પઠાણ સાથે ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે ગોટાલાવાડી બ્રિજ પાસે પતંગની દોરી આવતા તેમણે હાથથી દોરી રોકવાનો પ્રયાસ કર્યો પણ દોરીએ તેમના હાથ અને ગળાના ભાગે ઈજાઓ કરી હતી. તેમને તાત્કાલીસ સારવાર માટે ખસેડાયા પરંતુ ત્યાં તેમની હાલત હાલ સ્થિર પરંતુ જેતે સમયે ગંભીર હતી.

    follow whatsapp

    ADVERTISEMENT