ઝરીવાલાનાં પરિવારને ધમકી મળી, પુરાવાઓ અમારી પાસે છે- ઈટાલિયાના BJP પર આક્ષેપો
સુરતઃ સુરત ઈસ્ટના ઉમેદવાર કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચ્યું એ મુદ્દે ગોપાલ ઈટાલીએ ભાજપ પર આકરા પ્રહારો કરી આક્ષેપો લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે…
ADVERTISEMENT
સુરતઃ સુરત ઈસ્ટના ઉમેદવાર કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચ્યું એ મુદ્દે ગોપાલ ઈટાલીએ ભાજપ પર આકરા પ્રહારો કરી આક્ષેપો લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે ભાજપના ગુંડાઓએ નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયાના લીરેલીરા ઉડાવી નાખ્યા છે. અમારા ઉમેદવારને ડરાવી, ધમકાવી તથા તેમના પરિવારને હેરાન કરીને જબદરસ્તી માનસિક ત્રાસ આપી આ ફોર્મ પરત ખેંચાવડાવવામાં આવ્યું છે. ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે અમારા ઉમેદવારનું અપહરણ થયું એના પુરાવા પણ અમારી પાસે છે. નોંધનીય છે કે ફોર્મ પરત ખેંચ્યા પછી આપના ઉમેદવાર રડતા રડતા બહાર આવ્યા હતા.
ગોપાલ ઈટાલિયાએ મીડિયા સાથે કરી વાતચીત..
સુરતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. ગઈકાલથી પરિવાર સાથે ઘરેથી ગુમ થયેલા AAPના સુરત ઈસ્ટના ઉમેદવાર કંચન ઝરીવાલા આજે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થયા અને પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું છે. આ અંગે ગોપાલ ઈટાલિયાએ મીડિયા સાથેની વાતચીતમાં ભાજપ પર આરોપો લગાવ્યા હતા અને જણાવ્યું કે ગઈકાલે ઝરીવાલા પર તેઓ ફોર્મ પાછું ખેંચે એવું દબાણ કરવામાં આવ્યું હતું. કાલે ROની ઓફિસથી ભાજપના ગુંડાઓ ઉમેદવારને લઈને ક્યાંક જતા રહ્યા હતા. કાલથી લઈને અત્યારે સવાર સુધી તેઓ ગાયબ રહ્યા હતા. કાલે એમના ઘરે પણ તાળું માર્યું હતું. તેમના સંબંધીઓ અને પાડોશીઓ સાથે વાતચીત કરી ત્યારે જાણ થઈ કે તેમને મારવાની ધમકી મળી છે. ચૂંટણી ન લડે એના માટે ઘણું દબાણ કરાયું હતું.
મારી પાસે પુરાવાઓનો વીડિયો પણ છે- ગોપાલ ઈટાલિયા
ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે હું જે કઈપણ કહું છું એના વીડિયો અમારી પાસે છે. હવામાં વાત નથી કરી રહ્યો. તેમણે ભાજપના સ્થાનિક ધારાસભ્ય પર આરોપ લગાવતા કહ્યું હતું કે અમારા ઉમેદવાર અને ભાજપના સ્થાનિક ધારાસભ્ય એક જ સમાજના છે. તેથી અમારા ઉમેદવારને ડરાવી, ધમકાવી એક અજાણી જગ્યા પર લઈ જવામાં આવ્યા હતા. આખી રાત પ્રતાડિત કરાયા અને જબરદસ્તી નોમિનેશન પરત ખેંચાવડાવ્યું હતું.
ADVERTISEMENT
રડતા રડતા AAPના ઉમેદવાર બહાર આવ્યા…
ગોપાલ ઈટાલિયાએ વધુમાં કહ્યું કે અમારા ઉમેદવારને ચૂંટણી ન લડવા દેવામાં આવે એના માટે ભાજપના ગુંડાઓની ટુકડી પાછળ પડી જાય તો માણસ રડવા જ લાગે ને. તેઓ ડરી ગયા હતા અને AAP જેવી એક ઈમાનદાર પાર્ટીથી લડવા માગતા હતા, પરંતુ આવી રીતે સમગ્ર પરિવારને માનસિક રીતે ટોર્ચર કરાય તો તે કેવી રીતે ચૂંટણી લડી શકે. તેઓને દુખ થયું છે એટલે જ તો રડી રહ્યા છે. જોકે છતાં તેમને ચૂંટણીમાંથી ફોર્મ પરત ખેંચવું પડ્યું છે.
ભાજપ પર લગાવ્યા વિવિધ આરોપો…
ગોપાલ ઈટાલિયાએ આરોપ લગાવતા કહ્યું કે ભાજપના ગુંડાઓએ કાયદા વ્યવસ્થા, સંવિધાનના લીરેલીરા ઉડાવી નાખ્યા છે. એક નિષ્પક્ષ ચૂંટણીના આયોજનના પણ લીરેલીરા ઉડાવી નાખ્યા છે. તેમને જોરદાર પ્રોટેક્શનમાં લવાયા હતા અને મીડિયા સાથે પણ વાતચીત ન કરવા દીધી. આ વાત નાની નથી કે ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે. પરંતુ સરકારી સિસ્ટમ સામે ફ્રી અને નિષ્પક્ષ ચૂંટણીના આયોજનની જે વાત થઈ હતી એના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે. અમે લીગલ ટીમ સાથે ચર્ચા કરીને આગળ વધીશું.
With Input: સંજયસિંહ રાઠોડ
ADVERTISEMENT
ADVERTISEMENT