‘કબૂતરબાજી કરી લોકો પહેલા વિદેશ જતા હતા હવે સરકારી નોકરી લઈ રહ્યા છે, નકલી ખૂબ ચાલી રહ્યું છે’
ગાંધીનગર: કરાઈ એકેડમીમાં બોગસ PSI તાલીમાર્થી મામલે હવે કોંગ્રેસ દ્વારા સરકાર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે યુવરાજસિંહ જાડેજા દ્વારા એક યુવક બનાવટી…
ADVERTISEMENT
ગાંધીનગર: કરાઈ એકેડમીમાં બોગસ PSI તાલીમાર્થી મામલે હવે કોંગ્રેસ દ્વારા સરકાર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે યુવરાજસિંહ જાડેજા દ્વારા એક યુવક બનાવટી ડોક્યુમેન્ટ સાથે કરાઈ એકેડમીમાં પોલીસની ટ્રેનિંગ લઈ રહ્યો હોવાનો ખુલાસો કર્યો હતો. ત્યારે હવે સમગ્ર મામલે કોંગ્રેસના ધારાસભ્ય સી.જે ચાવડાએ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું છે કે, કબૂતરબાજી કરી લોકો પહેલા વિદેશ જતા હતા, હવે કબૂતરબાજી કરી સરકારી નોકરી લઈ રહ્યા છે.
કોંગ્રેસના સરકાર પર ચાબખા
વિધાનસભા પહોંચેલા કોંગ્રેસના MLA સી.જે ચાવડાએ બોગસ PSI તાલીમાર્થીના કિસ્સામાં પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ગુજરાતમાં જેટલી જગ્યામાં જરૂર હોય તેટલી ભરતી થતી નથી. આઉટ સોર્સિંગના કારણે યોગ્ય જવાબદારી રહેતી નથી. કબૂતરબાજી કરી લોકો પહેલા વિદેશ જતા હતા હવે કબૂતરબાજી કરી સરકારી નોકરી લઈ રહ્યા છે. નકલી ખૂબ ચાલી રહ્યું છે. નકલી પીએસઆઈની તાલીમ કરાઈમાં ચાલી રહી છે. એક બહેન બોગસ ઓર્ડર લેટર સાથે પહોંતી જાય છે અને એક વ્યક્તિ એક માસથી તાલીમ લઈ રહ્યા છે. સરકારની જવાબદારી છે કે યોગ્ય તપાસ કરવામાં આવે.
બનાવટી દસ્તાવેજોથી યુવક પોલીસ ભરતીમાં લાગી ગયો
ગુજરાતમાં તાજેતરમાં થયેલી PSIની ભરતીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ યુવરાજસિંહ જાડેજા દ્વારા ગઈકાલે કરવામાં આવ્યા હતા. ભરતીમાં લાગવગવાળી સહી અને બનાવટી દસ્તાવેજો ઊભા કરીને એક યુવકે PSIની નોકરી મેળવી લીધી હોવાનો આક્ષેપ કરાયો હતો. આટલું જ નહીં આ યુવક કરાઈ એકેડમી ખાતે પોલીસ ટ્રેનિંગ લેવા પણ પહોંચી ગયો હોવાનો ઘટસ્ફોટ તેમણે કર્યો હતો. ત્યારે ટ્રેનિંગ સેન્ટરમાં તાલીમ લેતા મયુર તડવીની ગઈકાલે સાંજે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
મયુર તડવીએ નામમાં ટેમ્પરિંગ કરીને નોકરી મેળવ્યાનું કબૂલ્યું
મળતી માહિતી પ્રમાણે મયુરકુમાર લાલજીભાઈ તડવીએ પોલીસ વિભાગના ઊચ્ચ અધિકારીઓ પાસે સ્વીકાર કરેલ છે કે તેણે હેકિંગ અને ટેમ્પારિંગના માધ્યમથી આ કૃત્ય આચરેલું છે. નામમાં ટેમ્પરીંગ કરવામાં આવેલું જેના નિમણુંક પત્રો બરોડાથી ઇસ્યુ થયેલા હતા અને 5 વ્યક્તિઓના નામ હતા. જેમાં ત્રીજા નામના તાલીમાર્થી વિશાલસિંહ રાઠવા(સાચો ઉમેદવાર) હતો. જેમાં મયુર તડવી નામના ખોટા વ્યકિતએ ટેમ્પરિંગ કરીને પોતાનું નામ લખી નાખ્યું હતું. યુવરાજસિંહે કહ્યું કે, મારી વિશાલસિંહ રાઠવા જોડે ગઈકાલે રાત્રે વાતચીત થઈ હતી. તે વ્યક્તિ નિર્દોષ છે અને તેને આવી કોઈ વાતની જાણ ન હતી એવું જણાવ્યું હતું. હાલમાં આ ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ હવે પોલીસ વિભાગ અત્યારે તમામ તાલીમાર્થીઓને ક્રોસ વેરીફાઈ કરી રહ્યું છે.
ADVERTISEMENT