કચ્છમાં ભાજપના નેતાઓ ભાજપને હરાવવા મેદાને પડ્યા, ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર કરશે
કૌશિક કાંઠેચા/કચ્છ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અનેક પક્ષોએ રાજકીય કાવાદાવા શરૂ કરી દીધા છે. આ વચ્ચે આજે ગુજરાત કોંગ્રેસ ભવનમાં કચ્છના માંડવીનાં ભાજપ નેતાઓ હવે…
ADVERTISEMENT
કૌશિક કાંઠેચા/કચ્છ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અનેક પક્ષોએ રાજકીય કાવાદાવા શરૂ કરી દીધા છે. આ વચ્ચે આજે ગુજરાત કોંગ્રેસ ભવનમાં કચ્છના માંડવીનાં ભાજપ નેતાઓ હવે કોંગ્રેસનાં હાથ પકડી અને ભાજપને હરાવવા કામે લાગી ગયા છે.
ભાજપથી નારાજ હોદ્દેદારોએ કોંગ્રેસના હાથ પકડ્યો
આજે ગુજરાત કોંગ્રેસ ભવન ખાતે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં કચ્છના માંડવી વિધાનસભા વિસ્તારનાં ભાજપનાં નેતા રાજેન્દ્રસિંહ જાડેજા (ઉપ પ્રમુખ તાલુકા પંચાયત માંડવી કચ્છ), પ્રવીણભાઈ વેલાની ( ચેરમેન APMC માંડવી કચ્છ), શિવજીભાઈ સંઘાર, (વાઇસ ચેરમેન APMC માંડવી કચ્છ, પૂર્વ પ્રમુખ ક્ષત્રિય સંઘાર સમાજ) સહિત 30 જેટલા કાર્યકરો જેઓ જનસંઘથી ભાજપ સાથે અને ભાજપની વિચારધારા સાથે જોડાયેલા હતા, પરંતુ તેમની સાથે છેલ્લા ઘણા સમયથી સ્થાનિક ધારાસભ્ય માંડવી વિરેન્દ્રસિંહ જાડેજા અને અન્ય ભાજપ નેતાઓ રાજકીય કિન્નાખોરી કરે છે તેવું કાર્યકરોનું કહેવું છે.
ચૂંટણીમાં ભાજપને જ હરાવવા મેદાને પડશે જૂના જોગીઓ
કોંગ્રેસમાં જોડાયેલા માંડવી ભાજપના નેતાઓ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, “ભાજપના અમુક જ્ઞાતિવાદી, ભાગલા પાડો અને રાજ કરો એવી અંગ્રેજોની નીતિ ધરાવતા, ભ્રષ્ટચારથી ખદબદતા અને રાજકીય કિન્નખોરી ધરાવતા નેતાઓએ અમારી સામે ભાજપ પાર્ટીમાં ખોટું રિપોટિંગ કરી શિસ્ત ભંગના પગલાં લઈ અમને ભાજપ પાર્ટીમાંથી બરતરફ કરાવ્યા. બરતરફ કરાવ્યા પહેલા અને ત્યારપછી પણ પાર્ટીના પ્રદેશ આગેવાનો સમક્ષ અમે સઘળી હકીકત અને સત્ય રજૂ કરેલું. પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે ત્રણ મહિના પછી પણ પાર્ટીના કોઈએ આ વાતનું ધ્યાન આપ્યું નથી.અમારા સાથીદારો સાથે કિન્નાખોરી ભર્યુ વર્તન કરવાનું શરું કર્યુ તેથી અમને લાગ્યું કે ભાજપને ગ્રાઉન્ડ સ્તર પર રહેલા કાર્યકરની જરૂર નથી. કારણ કે એમની પાસે તેમની B ટીમ અરવિંદ કેજરીવાલ અને અસદુદ્દીન ઓવૈસી છે. માટે અમારે પ્રજા હિતના કાર્યો કરવા માટે સક્રિય રાજકારણમાં રહેવું જરૂરી હોવાથી અમે આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છીએ, અને હવે માંડવી સીટ પર ભાજપને હરાવવા અમે મેદાને છીએ.”
ચૂંટણી પહેલા જ કચ્છ ભાજપમાં ભારે અસંતોષ
અત્રે ઉલ્લેનીય છે કે ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ જાડેજાને લઈને કચ્છ ભાજપમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે, વિરેન્દ્ર સિંહની જગ્યાએ બીજા અન્ય સ્થાનિક કાર્યકર્તાને ટીકીટ મળે તેવું ભાજપના સ્થાનિક નેતાઓ ઈચ્છી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહેશે કે ભાજપના જ જૂના કાર્યકરો ભાજપની સામે પડતા આ ચૂંટણીમાં કચ્છમાં તેને કેટલું નુકસાન થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT