પાટીલના ગઢમાં જ મત માગવા ગયેલા ભાજપના ઉમેદવારનો પબ્લિકે ઉધડો લીધો, વીડિયો વાઈરલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવસારી: ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવા ઉતરેલા ભાજપના ઉમેદવારને જનતાના રોષનો કડવો અનુભવ થયો. ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર પાટીલના ગઢમાં જ સ્થાનિક લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. સાથે જ તેમણે ચૂંટણી પ્રચાર માટે આવેલા ભાજપના ઉમેદવારનો પણ ઉધડો કાઢી નાખ્યો.

જૂની માગણીનો ઉકેલ ન આવતા લોકો રોષમાં
નવસારી વિધાનસભામાંથી ભાજપના ઉમેદવાર રાકેશ દેસાઈ ચૂંટણી પ્રચાર માટે ગામે ગામ ફરી રહ્યા છે. ગઈકાલે તેઓ પોતાના મત વિસ્તારમાં આવતા અંચેલી ગામમાં પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. જોકે લાંબા ગાળાથી પડતર માગણીઓ અંગે અનેક રજૂઆતો કરવા છતાં તેનું નિકારણ ન આવતા પબ્લિકે ભાજપના ઉમેદવાર પર જ ગુસ્સો ઉતારી કાઢ્યો અને ખૂબ ખરી-ખોટી સંભળાવી હતી. મત માગવા ગયેલા નેતા પણ વિલા મોઢે ખુરશીમાં બેસીને બધુ સાંભળતા રહ્યા. સમગ્ર ઘટનાના વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

ADVERTISEMENT

શું છે મામલો?
નવસારીના ગણદેવી તાલુકાની આસપાસનાં 19 ગામના લોકો અત્યારે ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે. અહીં સ્થાનિક જનતાએ ટ્રેન નહીં તો વોટ નહીં એવા બેનરો લગાડ્યા છે. કોરોના દરમિયાન લોકડાઉન લાદવામાં આવ્યું તે પહેલાં, પશ્ચિમ રેલવેએ અંચેલી ગામ સ્ટેશન પર લગભગ 16 ટ્રેનોને સ્ટોપેજ આપ્યું હતું. પરંતુ લોકડાઉન હટાવ્યા બાદ આ ગામમાં માત્ર 11 ટ્રેનો જ ઉભી રહે છે, જેના કારણે અંચેલી અને આસપાસના 19 ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે લોકો ગામડાથી સુરત, વાપી અને અન્ય શહેરોમાં નોકરી માટે જતા હતા, તેઓ રેલ પાસ માટે મહિને 400 રૂપિયા ખર્ચતા હતા, પરંતુ હવે ખાનગી વાહન દ્વારા મુસાફરી કરવા માટે વધુ સમય સાથે 3000 રૂપિયાનો ખર્ચ થાય છે.

પાટીલ સાથે ચર્ચા કર્યા બાદ પણ ઉકેલ ન આવ્યો
આ સમસ્યાના કારણે ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા એક વર્ષથી આ સમસ્યા અંગે સી.આર.પાટીલ, રેલવે મંત્રી દર્શના જરદોસ સાથે વાત કર્યા બાદ પણ કોઈ ઉકેલ આવ્યો ન હતો. જે બાદ ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: રોનક જાની)

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT