બિલકિસ બાનોના જે દોષિતોને ‘સંસ્કારી’ કહી સરકારે છોડ્યા તેમાંથી એકે જામીન પર છૂટી યુવતીની છેડતી કરી હતી
અમદાવાદ: ગોધરા કાંડ દરમિયાન બહુ ચર્ચિત બનેલા બિલકિસ બાનો (Bilkis Bano Case) કેસમાં ગેંગ રેપ, હત્યા અને રાયોટિંગના ગુનામાં જેલમાં બંધ 11 કેદીઓને 15મી ઓગસ્ટે…
ADVERTISEMENT
અમદાવાદ: ગોધરા કાંડ દરમિયાન બહુ ચર્ચિત બનેલા બિલકિસ બાનો (Bilkis Bano Case) કેસમાં ગેંગ રેપ, હત્યા અને રાયોટિંગના ગુનામાં જેલમાં બંધ 11 કેદીઓને 15મી ઓગસ્ટે મુક્ત કરાયા હતા. ગુજરાત સરકાર દ્વારા તમામ દોષિતોને જેલમાં તેમના સારા આચરણ બદલ સજા પૂરી થતા પહેલા જ મુક્ત કરી દીધા. જેથી આ મામલે ખૂબ ઊહાપોહ મચ્યો હતો. સરકારના આ નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકારે જ સુપ્રીમ કોર્ટમાં કરેલા એફિડેવિટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જે મુજબ બિલકિસ બાનુના 11 દોષિતોમાંથી એક પર જામીન પર છૂટ્યા બાદ છેડતીની ફરિયાદ નોંધાઈ હતી.
ગુજરાત સરકારના એફિડેવિટમાં થયો ખુલાસો
ગુજરાત સરકારે બિલકિસ બાનો કેસમાં ગેંગ રેપ, હત્યા અને રાયોટિંગના ગુનામાં CBI કોર્ટે દોષી ઠેરવેલા 11 ગુનેગારોને મુક્ત કર્યા હતા. સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કર્યું હતું. જેમાં એક દોષિત મિતેશ ભટ્ટ જૂન 2020માં જામીન પર છૂટીને બહાર આવ્યો હતો. આ દરમિયાન તેણે એક યુવતીની છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. દાહોદના SPની ઓફિસમાંથી જિલ્લા મેજિસ્ટ્રેટને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી.
દોષિત મિતેશ ભટ્ટ સામેની ફરિયાદમાં શું કહેવાયું હતું?
રણધિકપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, 19 જૂન 2020ના રોજ બિલકિસ કેસના દોષી મિતેશભટ્ટ સહિત અન્ય બે વ્યક્તિઓ દ્વારા એક યુવતીનો હાથ પકડી તેને ખેંચીને છેડતી કરવામાં આવી હતી. યુવતીની માતા તેને છોડાવવા જતા તેની સાથે પણ આરોપીઓએ ઝપાઝપી કરી હતી. જોકે એવામાં એક વ્યક્તિ ત્યાં પહોંચી જાય છે અને આ મા-દીકરીને આરોપીઓ પાસેથી છોડાવે છે. જોકે આ વ્યક્તિ બિલકિસ કેસમાં સાક્ષી હોવાથી મિતેશ ભટ્ટ તેને પણ ઉચકીને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. તેવી ફરિયાદ રણધિકપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020માં નોંધાઈ હતી. આરોપી મિતેશ ભટ્ટ પર IPCની કલમ 354, 504, 506 (2) અને 114 હેઠળ કેસ નોંધાયો હતો.
ADVERTISEMENT
શું હતો બિલકિસ બાનો કેસનો સમગ્ર મામલો?
નોંધનીય છે કે, વર્ષ 2002માં ગોધરાકાંડ વખતે 17 જેટલા લોકોએ બિલકિસ બાનોના પરિવાર પર હુમલો કર્યો હતો. દાહોદ પાસે રણધીકપુર ગામમાં ટોળાએ બિલકિસ બાનોના પરિવાર પર હુમલો કરી 7 લોકોની હત્યા કરી હતી. બિલકિસ પર પણ સામુહિક દુષ્કર્મ આચરાયું હતું. આ દરમિયાન બિલકિસને પાંચ મહિનાનો ગર્ભ પણ હતો. આ મામલે વર્ષ 2008માં આરોપીઓને દોષી જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
બિલકિસ બાનોના પતિ પણ સરકારના નિર્ણયથી નારાજ
ગઈકાલે ગુજરાતમાં 2002માં બિલકિસ બાનો પર ગેંગરેપ અને તેના પરિવારની હત્યાના તમામ 11 આજીવન કેદના દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા. બિલકિસ બાનોના પતિ યાકુબ રસૂલ પટેલ આ નિર્ણયથી નારાજ છે. તેણે કહ્યું, આ અકસ્માતમાં અમે બધું ગુમાવી દીધું છે. યાકુબે કહ્યું, હવે આ નિર્ણય બાદ તેમનો ડર વધી ગયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT