વડોદરા: નાતાલની ઉજવણીમાં બબાલ, યુવકોએ ‘આ હિન્દુ વિસ્તાર છે’ કહી સાંતાક્લોઝ પર હુમલો કર્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરા: નાતાલનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે ગણતરીના દિવસો પહેલા જ વડોદરામાં નાતાલની ઉજવણી કરી રહેલા સાંતાક્લોઝના કપડા પહેરનારા યુવક સહિત ચાર વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. નાતાલની ઉજવણી પૂર્વે જ કેટલાક માથાભારે યુવકોએ ‘આ હિન્દુ વિસ્તાર છે’ એમ કહીને હુમલો કરતા એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ હુમલાને પગલે ક્રિશ્ચિયન સમાજના અગ્રણીઓએ પોલીસ સ્ટેશન પહોંચીને આ અંગે રજૂઆત કરી અને અજાણ્યા હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી હતી.

ખ્રિસ્તી પરિવાર ઘરમાં કરી રહ્યો હતો ઉજવણી
વડોદરાના મકરપુરા વિસ્તારમાં અવધૂત સોસાયટીમાં રહેતા ખ્રિસ્તી પરિવારના ઘરે શશિકાંત ડાભી સાંતા ક્લોઝના કપડા પહેરીને વધામણા આપવા ગયા હતા. તેમની સાથે ખ્રિસ્તી સમાજના કેટલાક અગ્રણીઓ પણ પહોંચ્યા હતા. ઘરમાં બધા શાંતિપૂર્વક રીતે ઉજવણી કરી રહ્યા હતા, આ દરમિયાન કેટલાક માથાભારે શખ્સોનું ટોળું ઘરમાં ઘુસી આવ્યું અને ઉજવણીને રોકીને સાંતાક્લોઝ પર હુમલો કર્યો હતો અને ડ્રેસ કઢાવી નાખ્યો હતો.

હુમલાખોરોએ ફાધરના કપડા ફાડી નાખ્યા
હુમલાખોરોએ ધમકી પણ આપી હતી કે, આ વિસ્તાર હિન્દુઓનો છે, અહીં તમારે આ પ્રકારની કોઈ ઉજવણી કરવાની નથી. જોકે સામ સામે થયેલી ઝપાઝપીમાં એક મહિલા સહિત ચાર જેટલા વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. હુમલાખોરોએ ત્યાં ઉપસ્થિત ફાધરના કપડા ફાડી નાખ્યા હોય તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

ખ્રિસ્તી સમાજના અગ્રણીઓમાં રોષ
મોડી રાત્રે બનેલી સમગ્ર ઘટનાને લઈને ખ્રિસ્તી સમાજના અગ્રણીઓ રોષ સાથે ત્યાં પહોંચી ગયા હતા. અહીંથી તેઓ મકરપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને અજાણ્યા હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી હતી. બનાવને પગલે ખ્રિસ્તી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT