દારુબંધીની સુફીયાણી વાતો વચ્ચે માલેતુજારોની દારુની મહેફીલમાં પોલીસનો દરોડો 

ADVERTISEMENT

gujarattak
social share
google news

દર્શન ઠકકર, જામનગર: એક તરફ ગુજરાતમાં દારૂ બંધી છે. ત્યારે બીજી તરફ 31 ડિસેમ્બર નજીક આવતાની સાથે જ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરનારા દારૂની રેલમછેલ કરી રહ્યા છે. પોલીસ આવા લોકો પર નજર રાખી રહી છે. આ દરમિયાન જામનગરમાં ફાર્મહાઉસ દારુની મહેફીલ ચાલી રહી હતી જેના પર પોલીસે દરોડો પાડ્યો હતો.

જામનગરમાં મિતલ ફાર્મ હાઉસમાં પીધેલી હાલતમાં મળી આવેલા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે શહેરથી 3 કિલોમીટર દુર મહાકાળી સર્કલ નજીક જાણીતા ઉદ્યોગપતિ પરિવારના મિતલ વિનોદભાઈ વસંતની માલિકીનું મિતલ ફાર્મહાઉસ આવેલ છે. આ ફાર્મ હાઉસમાં પાસ પરમીટ વગર દારુની મહેફીલ માણવામાં આવી રહી હતી. પીવાવાળા લોકોમાં ફાર્મ હાઉસના મિતલ વીનોદભાઇ વસંત, મંથન મહેતા, વરૂન રાકેશભાઇ બંસલ, વીરાજ યજ્ઞેશભાઇ વીઠલાણી, કરણ અમુલકરાજ ગ્રોવરના નામનો સમાવેશ થાય છે.

ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભેગા મળી ઈગ્લીશ દારૂની મેહફીલ માણી કેફી પ્રવાહી પીધેલ હાલતમા આ તમામ લોકો મળી આવ્યા હતા. તેમના કબજામાંથી ઇગ્લીશ દારૂની કાચની બોટલ નંગ-2 જેની કુલ કિ.રૂ.250 સાથે રેઈડ દરમ્યાન પકડાઈ ગયા હતા, જો કે આશ્ચર્યની વાત એ રહી કે પોલીસને અંગઝડતી દરમિયાન કે સ્થળ પરથી વાહનો કે મોબાઈલ સહીત અન્ય કોઈ ચીજવસ્તુઓ મળી આવી નથી. હાલ સીટી સી ડિવિઝન પોલીસે આ તમામને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

સવાલ એ છે કે અહીં તો દારુની મહેફીલ માણી રહેલા ચાર પાંચ લોકો પર પોલીસે દરોડો પાડીને ઝડપી પાડ્યા, તેમના પર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી. પરંતુ ગુજરાતમાં અનેકવાર સરેઆમ દારુબંધીના લીરેલીરા ઉડતા જોવા મળે છે. જ્યારે ગુજરાતમાં દારુબંધી છે તો આટલો દારુ આવે છે ક્યાંથી. ગુજરાતમાં દારુને એન્ટ્રી કોની રહેમરાહ હેઠળ મળે છે એ પણ યક્ષ પ્રશ્ન છે. અને આવા કેટલાય સવાલો છે જેના જવાબ હજુ સુધી તો નથી મળ્યા.

    follow whatsapp

    ADVERTISEMENT