અલ્પેશ ઠાકોર રાધનપુર નહીં આ બેઠકથી ચૂંટણી લડશે, મોડી રાત્રે આવેલા ફોનમાં શું સૂચના મળી?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા હાલમાં ઉમેદવારોના નામ નક્કી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ગઈકાલે જ દિલ્હીમાં કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં 182 નામો પર મંથન થયું હતું, જે બાદ મોડી રાત્રે જ નેતાઓને ફોન રણક્યા હતા અને તેમને ફોન ભરવા માટે સૂચના આપવામાં આવી હતી. જેમાં અલ્પેશ ઠાકોરનું પણ નામ સામે આવી રહ્યું છે. સૂત્રો મુજબ અલ્પેશ ઠાકોરને રાધનપુર નહીં પરંતુ ગાંધીનગરની બેઠક પરથી ચૂંટણી લડવાનું ફોર્મ ભરવા માટે કહેવાયું છે.

મોડી રાત્રે શું ફોન આવ્યો?
સૂત્રો મુજબ, ભાજપના નેતા અલ્પેશ ઠાકોરને મોડી રાત્રે ફોન આવ્યો હતો અને ફોર્મ ભરવાની સૂચના આપવામાં આવી હતી. માહિતી મુજબ અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ફોર્મ ભરવા માટે કહેવાયું છે. જ્યારે રાધનપુર બેઠક પરથી લવિંગજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે.

અલ્પેશ ઠાકોરનો ગાંધીનગરની દક્ષિણ બેઠક પર વિરોધ
ખાસ વાત એ છે કે અલ્પેશ ઠાકોરનું નામ ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી જાહેર કરવામાં આવે તે પહેલા જ વિરોધ શરૂ થઈ ગયો છે. ગાંધીનગરની દક્ષિણ વિધાનસભામાં જાહેરમાં અલ્પેશ ઠાકોર વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા છે અને તેમને આ બેઠક પરથી ટિકિટ આપવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ પોસ્ટરમાં લખ્યું છે કે, ભાવી મુખ્યમંત્રી અલ્પેશજી ઠાકોર, આયાતી ઉમેદવાર. અમારી 35 ગાંધીનગર દક્ષિણ વિધાનસભામાં તમારી કોઈ જરૂર નથી. તમારા માટે રાધનપુર બરાબર છે. આવશો તો લીલા તોરણે ઘરે જવાની તૈયારી રાખજો.

ADVERTISEMENT

અગાઉ રાધનપુરમાં પણ થયો હતો વિરોધ
નોંધનીય છે કે, અલ્પેશ ઠાકોરને અગાઉ રાધનપુરથી ટિકિટ મળવાના સંકેત સી.આર પાટીલ આપી ચૂક્યા છે. જોકે રાધનપુરમાં પણ અલ્પેશ ઠાકોરનો ભાજપના જ આગેવાનો તથા પૂર્વ ધારાસભ્યો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેમને આયાતી ઉમેદવાર બતાવી કોઈ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગણી કરવામાં આવી રહી છે. ઉપરાંત ભાજપના જ આગેવાનોનું આ મામલે સંમેલન પણ મળ્યું હતું, જેમાં અલ્પેશ ઠાકોરને ટિકિટ મળી તો રાધનપુરમાંથી હરાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ત્યારે હવે ગાંધીનગરની દક્ષિણ બેઠક પર પણ આ જ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. તેવામાં હવે જોવાનું રહેશે કે આજે જાહેર થનારી યાદીમાં અલ્પેશ ઠાકોરનું નામ જાહેર કરવામાં આવે છે કે કેમ.

    follow whatsapp

    ADVERTISEMENT