28 વર્ષ પાકિસ્તાનની જેલમાં બંધ રહ્યા આ અમદાવાદી, હાલત જોઈ પરિવાર પણ ઓળખી ન શક્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: આમ તો બહેનને રક્ષાબંધન પર ભાઈ તરફથી ગિફ્ટ મળે છે, પરંતુ રક્ષાબંધન ગયા બાદ એક બહેનને ગિફ્ટમાં પોતાનો ભાઈ પાછો મળ્યો, તે પણ 28 વર્ષ બાદ. આ કહાણી છે અમદાવાદના કુલદીપ યાદવની (Kuldeep Yadav). જેઓ 28 વર્ષ સુધી પાકિસ્તાનની જેલમાં બંધ રહ્યા અને હવે મુક્ત થયા બાદ પોતાના ઘરે પરત ફર્યા છે. 59 વર્ષના થઈ ચૂકેલા કુલદીપને 1994માં પાકિસ્તાનમાં જાસૂસી મામલામાં પકડવામાં આવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી.

1991માં પાકિસ્તાનમાં એજન્ટ તરીકે મોકલાયા હતા
દહેરાદૂનમાં જન્મેલા અને 1972થી અમદાવાદમાં સ્થાયી થયેલા કુલદીપ યાદવે હાઈસ્કૂલ અને કોલેજ સુધીનો અભ્યાસ અમદાવાદમાં જ કર્યો છે. ટ્યુશન, ગેરેજ સહિતની કામગીરી કર્યા બાદ તઓ ભારત સરકારમાં જાસૂસ બન્યા. ‘મેં જોબ પર જા રહા હું’ કહીને ઘરેથી નીકળેલા કુલદીપ 28 વર્ષે પાછા આવ્યા છે. 1991માં પાકિસ્તાનમાં મોકલાયા. તેમણે 3 વર્ષ દેશની સેવા કરી અને 1994માં ભારત પાછા આવવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા ત્યારે જ પાકિસ્તાનની એજન્સીઓએ તેમને પકડી લીધા અને કોર્ટમાં હાજર કરી દીધા. બે વર્ષ સુધી એજન્સીઓએ તેમની પૂછપરછ કરી અને 1996માં તેમને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી.

28 વર્ષે ભાઈ સાથે થઈ બહેનની મુલાકાત
પાકિસ્તાનની જેલમાં બંધ કુલદીપ યાદવની 2021માં સજા પુરી થઈ ગઈ હતી. છતાં છોડવામાં નહોતા આવ્યા. બાદમાં સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાતા 15 દિવસમાં છોડવાનો ઓર્ડર આવ્યો. જેથી 28 ઓગસ્ટે વાઘા બોર્ડરથી તેમને ભારત મોકલી દેવાયા. કુલદીપ પાકિસ્તાનની કોટ લખપતની જેલમાં બંધ હતા, જ્યાં તેમની બહેન તેમને રાખડી મોકલતી હતી, પરંતુ 2013થી તેમનો પોતાના ભાઈથી સંપર્ક થઈ શક્યો નહોતો. છતાં તેઓ રાખડી મોકલતા રહ્યા અને હવે 28 વર્ષ બાદ રેખાને તેનો ભાઈ પાછો મળ્યો. 28 વર્ષે ઘરે પહોંચેલા કુલદીપને હવે ઓળખવો પણ તેના પરિવાર માટે મુશ્કેલ બની રહ્યો છે.

ADVERTISEMENT

દેશ સેવા કર્યા બાદ આજે રોજીરોટીની ચિંતા
પાકિસ્તાનની જેલમાંથી છૂટીને ઘરે પહોંચ્યા બાદ કુલદીપે રાહતનો શ્વાસ લીધો, પરંતુ તેમને લાગે છે કે તેમની પરીક્ષા હજુ ખતમ નથી થઈ. કારણ કે હવે તેને પોતાની રોજીરોટીની ચિંતા સતાવી રહી છે. હવે કુલદીપને આશા છે કે તેમને સરકાર અને લોકો તરફથી મદદ મળશે. હાલમાં કુલદીપ લગભગ 60 વર્ષના છે અને તેમને ક્યાંય નોકરી મળવી પણ મુશ્કેલ છે. 30 વર્ષ સુધી દેશ સેવા કર્યા બાદ આજે તેઓ પોતાના નાના ભાઈ અને બહેન પર નિર્ભર છે.

    follow whatsapp

    ADVERTISEMENT