નકલીનો રાફડો ફાટ્યો...વાંકાનેર-જૂનાગઢ બાદ હવે કચ્છમાંથી ઝડપાયું નકલી ટોલનાકું!, હવે આ કોનું કારસ્તાન?
Kutch News: વાંકાનેર-મોરબી હાઈવે પર બોગસ ટોલાનાકું ઉભુ કરીને કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની શાહી હજુ સુકાઈ નથી
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
કચ્છમાંથી પણ ટોલનાકાનું કૌભાંડ આવ્યું સામે!
સામત્રા ટોલનાકા નજીક બનાવાયો રસ્તો
બારોબાર વાહનોને કરાવાયા છે પસાર
Kutch News: વાંકાનેર-મોરબી હાઈવે પર બોગસ ટોલાનાકું ઉભુ કરીને કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં કચ્છમાંથી પણ ટોલનાકા કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ભુજ-નલિયા હાઈવે પર સામત્રા ટોલનાકા નજીક અડીને જ એક રસ્તો બનાવવામાં આવ્યો છે. રાત્રીના સમયે અહીંથી બારોબાર વાહનોને પૈસા લઈને પસાર કરાવાય છે તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કોની મીઠી નજર હેઠળ આ ચાલી રહ્યું છે તે તપાસનો વિષય છે.
પૈસા લઈને વાહન પસાર કરાવવાનું કૌભાંડ
કચ્છના ભુજ-નલિયા ધોરીમાર્ગ પર સામત્રા ટોલનાકા નજીક આવેલી ખાનગી જમીન પર એક ખાસ રસ્તો બનાવાયો છે. ભુજ-નલિયા હાઈવે પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે. ખાસ કરીને અહીંથી પવનચક્કી, મીઠાના ટેઈલર સહિતની અવરજવર ખૂબ જ રહે છે.
રાત્રીના સમયે ખેલાય છે ખેલ
સૂત્રોનો જણાવ્યા અનુસાર, રાત્રીના સમયે કેટલાક લોકો દ્વારા ટોલનાકા નજીક બનાવેલા રસ્તા પરથી પૈસા લઈને ભારે વાહનોને પસાર કરાવવામાં આવે છે. મોટાવાહનોના ચાલકોને કાયદેસર ટોલટેક્સ ન ભરવો પડે એ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી નાખી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. રાત્રે બારોબાર રૂપિયા લઈને વાહન પસાર કરાવવાની આ કરતૂતથી સરકારી તિજોરીને પણ નુકસાન પહોંચી રહ્યું છે.
ADVERTISEMENT
હજુ સુધી નથી આવી કોઈ ફરિયાદઃ પ્રાંત અધિકારી
તો આ મામલે ભુજના પ્રાંત અધિકારી અનિલ જાદવનું કહેવું છે કે, આ બાબતે તેમની પાસે હજુ સુધી કોઈ ફરિયાદ આવી નથી. આ મામલે તપાસ કરવામાં આવશે અને જો કૌભાંડ સામે આવશે તો જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
ઈનપુટઃ કૌશિક કંઠેચા, કચ્છ
ADVERTISEMENT
ADVERTISEMENT