લુણાવાડા બેઠક પર ભાજપની કારમી હાર બાદ સફાઈ અભિયાન શરૂ, વધુ 6 નેતાઓની હક્કાલપટ્ટી
વીરેન જોશી, મહીસાગર: ગુજરાત વિધાનસભામાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. 182 માંથી 156 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. આ દરમિયાન મહીસાગર જિલ્લાની લુણાવાડા વિધાનસભા…
ADVERTISEMENT
વીરેન જોશી, મહીસાગર: ગુજરાત વિધાનસભામાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. 182 માંથી 156 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. આ દરમિયાન મહીસાગર જિલ્લાની લુણાવાડા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારની હાર બાદ ભાજપે પક્ષ વિરુદ્ધ પ્રવૃતિ કરનાર કાર્યકરો અને હોદેદારો સામે લાલ આંખ કરી છે. ભાજપે 6 નેતાઓને સસ્પેન્ડ ઓર્ડર આપી દીધો છે.
સમગ્ર રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો અભૂતપૂર્વ વિજય થયો છે ત્યારે એનાથી ઊલટું મહીસાગર જિલ્લાની 122 લુણાવાડા વિધાનસભા બેઠક પર ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ લાંબા સમયથી દાવેદારી કરતાં હતા પરંતુ તેમણે ટિકિટ ના મળતાં પક્ષમાં બળવો કરી ઉમેદવારી નોંધાવી. તેમની આ બગાવત બાદ લુણાવાડા બેઠક પર અનેક હોદેદારોએ તેમના સમર્થનમાં પ્રચાર કાર્ય શરૂ કરતાં ભાજપ એકશન મોડમાં આવ્યું હતું અને પ્રદેશ કક્ષાએથી અપક્ષ ઉમેદવારી કરનાર જે પી પટેલને સસ્પેન્ડ કર્યા બાદ જિલ્લા કક્ષાએથી પ્રદેશની સૂચના મુજબ તેમના સહિત 10 જેટલા હોદેદારોને પાર્ટી બહારનો રસ્તો દેખાડ્યો હતો. જો કે તેમના સમર્થકોએ પક્ષ વિરોધી પ્રચાર શરૂ રાખ્યો હોવાના પુરાવાના આધારે મતદાનના દિવસે જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારિયાએ વધુ 27 જેટલા હોદેદારોને પક્ષમાંથી હકાલપટ્ટી કરી હતી આમ મહીસાગર જિલ્લા ભાજપમાં પક્ષ વિરોધી પ્રવુત્તિ કરનારા વિરુધ્ધ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ત્યારે આજે વધુ છ સભ્યોને શિસ્તભંગના પગલાંના ભાગરૂપે પક્ષમાંથી દૂર કરવામાં આવ્યા છે.
મહીસાગર જિલ્લામાં 43 લોકોને કરાયા સસ્પેન્ડ
શિસ્તભંગના પગલાંના ભાગરૂપે સસ્પેન્ડ કરાયેલા નેતાઓમાં લુણાવાડા તાલુકા પૂર્વ મંડળ અધ્યક્ષ જેઠાભાઈ બારિયા,સંતરામપુર પૂર્વ શક્તિ કેન્દ્ર સંયોજક બીપીનભાઈ પટેલ, ખાનપુર તાલુકા પૂર્વ મંડળ મહામંત્રી શંકરલાલ જોશી,ખાનપુર તાલુકા મંડળ મંત્રી કાળુભાઇ મંગળભાઈ પટેલ, લુણાવાડા નગરના સક્રિય સભ્યો રેખાબેન જોશી અને હરિ ચાંગલાણીનો સમાવેશ થાય છે. જિલ્લા ભાજપમાં હકાલપટ્ટીનો આંકડો 43 પર પહોંચ્યો છે.
ADVERTISEMENT
ભાજપની હારનું આ છે કારણ
ત્રીજા ક્રમાંકે રહેલા પૂર્વ ભાજપ પ્રમુખ જે પી પટેલ ભાજપના ઉમેદવાર જીગ્નેશ સેવકની સરખામણીએ માત્ર 2018 મત ઓછા મળ્યા છે. આમ ભાજપની કારમી હારનું નિમિત્ત બનેલા ભાજપના કેટલાક હોદેદારો પક્ષની રડારમાં આવી ગયેલા છે. ભાજપના અનેક મોટા માથાઓના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના પોતાના વિસ્તારના ગામના બુથમાં જ ભાજપનો કરુણ રકાસ જોવા મળ્યો છે. ત્યારે ભાજપ એક્શનમોડમાં આવી ગયો છે ત્યારે એક તરફથી હકાલપટ્ટીનો દૌર શરૂ થતાં મહીસાગર જિલ્લા ભાજપમાં “ હમ તો ડૂબે સનમ, તુમ કો ભી લે ડૂબે સનમ” જેવી સ્થિતિ સર્જાઇ છે.
ADVERTISEMENT