AAPમાં ટિકિટ મુદ્દે કકળાટ, આઠમી યાદી જાહેર થતા જ વલસાડમાં જિલ્લા ચૂંટણી પ્રભારીનું ‘નારાજીનામું’
કૌશિક જોશી/વલસાડ: ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની આઠમી યાદીની જાહેરાત કરવામાં આવી હતી. AAP દ્વારા નવા ઉમેદવારોના નામની જાહેરાત સાથે જ પાર્ટીમાંથી આંતરિક વિખવાદ…
ADVERTISEMENT
કૌશિક જોશી/વલસાડ: ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની આઠમી યાદીની જાહેરાત કરવામાં આવી હતી. AAP દ્વારા નવા ઉમેદવારોના નામની જાહેરાત સાથે જ પાર્ટીમાંથી આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે. વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીના જુના સંગઠનમાં ભંગાણ પડાવ વારો આવ્યો છે. AAPના મોવડી મંડળ દ્વારા વલસાડ વિધાનસભાની પારડી, ધરમપુર અને કપરાડામાં બેઠક માટે ઉમેદવારના નામોની જાહેરાત કરાઈ હતી. જેમાં ત્રણ દિવસ પહેલા જ પાર્ટીમાં જોડાયેલા બે ઉમેદવારોના નામ જાહેર થતા જુનું સંગઠન નારાજ થયું છે. જિલ્લા ચૂંટણી પ્રભારી રાજીવ પાંડે એ સમગ્ર બાબતથી નારાજ થઈ રાજીનામુ ધરી દેતા આંતરીક વિખવાદ બહાર આવ્યો છે.
વલસાડની ત્રણ બેઠકો પર ઉમેદવારોને લઈને કકળાટ
આમ આદમી પાર્ટી દ્વારા હાલમાં જ ત્રણ દિવસ પહેલા જોડાયેલા ધરમપુરના આદિવાસી વિકાસ પરિષદના કમલેશ પટેલ, તેમજ વાપીના તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂકેલા કેતન પટેલના નામની પારડી વિધાનસભા બેઠક માટે જાહેરાત કરતાની સાથે જ ધરમપુર અને વાપીમાં છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટી માટે લોહી રેડનારા જુના સંગઠનના કાર્યકર્તાઓમાં નારાજગી વ્યાપી છે. એટલું જ નહીં ટિકિટ આપવા પૂર્વે કે નામ જાહેર કરવા પૂર્વે જિલ્લામાં વિધાનસભાના પ્રભારી ડો. રાજીવ પાંડેને પણ સંકલનમાં લેવામાં ન આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેને પગલે રાજીવ પાંડે પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેતા ચકચાર મચી ગઈ છે.
જિલ્લા ચૂંટણી પ્રભારીએ રાજીનામું આપ્યું
મહત્વનું છે કે માત્ર ત્રણ દિવસમાં જ જોડાયેલા લોકોને પાર્ટીએ ટિકિટ આપી દેતા જુના સંગઠનમાં ભારે નારાજગી વ્યાપી છે. જેને પગલે આ સમગ્ર બાબતની સીધી અસર આગામી ચૂંટણીમાં પડી શકે છે એટલું જ નહીં જુના સંગઠન પૈકી કપરાડામાં મનાલા ગામના સરપંચ અને આદિવાસીના અગ્રણી જયેન્દ્ર ગામીતને ઉમેદવારી જાહેર કરતાની સાથે જ તેમનો નાણા માંગતો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. જેને પગલે તેમની સામે પણ આંગળી અને પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે હવે વલસાડ જિલ્લામાં ઉમેદવારોના નામ જાહેર કરીને આમ આદમી પાર્ટીએ હાથના કર્યા હૈયે વાગે તેવી સ્થિતિ સર્જાઈ છે. જૂનું સંગઠન ભંગાણને આરે ઉભું છે આગામી દિવસમાં પારડી અને ધરમપુરમાં પણ રાજીનામાં પડે તો નવાઈ નહીં.
ADVERTISEMENT
ADVERTISEMENT