નડિયાદમાં BSF જવાનના પરિવાર પર 7 લોકો લાકડી-ધારીયા લઈને તૂટી પડ્યા, જવાનનું મોત, દીકરો ગંભીર

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ/નડિયાદ: નડિયાદ તાલુકાના વનીપુરા ગામના યુવાને બાજુના ગામ સુર્યનગરમાં રહેતા BSF જવાનની પુત્રીનો વિડીયો બનાવી વાયરલ કરતાં BSF જવાન અને તેમના પરિવારજનો ઠપકો આપવા માટે ગયા હતા. દરમિયાન મામલો બિચકતાં યુવાનના કૌટુંબિક 7 વ્યક્તિઓએ ઠપકો આપવા આવેલા BSF જવાન અને તેમના પરિવારજનો પર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. લાકડી, ધારીયા, પાવડા લઈને BSF જવાન અને તેમના દિકરા પર તૂટી પડતાં BSF જવાનનુ મોત નિપજ્યું. આ બનાવ સંદર્ભે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

યુવકે દીકરીનો વીડિયો બનાવી વાઈરલ કરતા જવાન ઠપકો આપવા ગયા
નડિયાદ તાલુકાના ચકલાસીના સૂર્યનગરમાં રહેતા મેલજીભાઈ ડાહ્યાભાઈ વાઘેલા પોતે BSF 56 મહેસાણા ખાતે ફરજ બજાવતા હતા. તેમની ગામની બાજુમાં આવેલ વનીપુરા ગામના શૈલેષ ઉર્ફે સુનિલ દિનેશભાઇ જાદવે થોડા દિવસ અગાઉ મેલજીભાઈની દિકરીનો વિડીયો બનાવી વિડીયો વાયરલ કર્યો હતો. જે બાબતે મેલજીભાઈ તેમની પત્ની, તેમનો દીકરો નવદીપ અને હનુમંતા તેમજ મેલજીભાઈનો ભત્રીજો ચિરાગ વાઘેલા, આ તમામ લોકો ગત શનિવારની રાત્રે ઠપકો આપવા શૈલેષ ઉર્ફે સુનિલના ઘરે વનીપુરા ખાતે ગયા હતા.

યુવકના પરિવારજનોએ ધારીયા-લાકડી વડે હુમલો કર્યો
શૈલેષ તો ઘરે હાજર નહોતો પણ તેમના પરિવારજનો ઘરના આંગણામાં તાપણું કરી રહ્યા હતા. દરમિયાન મેલજીભાઈએ ઠપકો કરતાં શૈલેષ ઉર્ફે સુનિલના પરિવારજનો અકળાયા અને જણાવ્યું કે, તમે મારા દીકરાને ખોટો વગોવો છે. જોતજોતામાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લેતાં શૈલેષ ઉર્ફે સુનિલના પિતા દિનેશભાઈ જાદવ, કાકા અરવિંદભાઈ જાદવ, દાદા સહિતના તમામ લોકો લાકડી, ધારીયા, પાવડા લઈને BSF જવાન અને તેમના દિકરા તથા ભત્રીજા પર તૂટી પડ્યા હતા. જોતજોતામાં ભાવેશભાઈ ચીમનભાઈ જાદવે તેના હાથમાનું ધારીયુ મેલજીભાઈને માથાના ભાગે તથા તેમના દિકરા નવદીપને માર્યું હતુ. જેના કારણે આ બંને લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઉપરાંત અન્ય લોકોએ પણ લાકડી લઈ આવી મંજુલાબેન તથા અન્ય લોકો પર હુમલો કરી દીધો હતો.

ADVERTISEMENT

હોસ્પિટલમાં સારવાર દરમિયાન જવાનનું નિધન
આ બાદ હુમલાખોરો ખેતરાળુ રસ્તે થઈ પલાયન થઈ ગયા હતા. જોકે 108 એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલ થયેલા BSF જવાન મેલજીભાઈને તથા તેમના દિકરાને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જવાન મેલજીભાઈનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. જ્યારે નવદીપને વધારે ઇજા થઈ હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને મૃતક જવાનના પત્ની મંજુલાબેને ચકલાસી પોલીસમાં મોતને ઘાટ ઉતારનાર દિનેશભાઈ જાદવ, કાકા અરવિંદભાઈ જાદવ, દાદા છબાભાઈ જાદવ, સચિન અરવિંદભાઈ જાદવ, ભાવેશ ચીમનભાઈ જાદવ, કૈલાશબેન અરવિંદભાઈ જાદવ અને શાંતાબેન ચીમનભાઈ જાદવ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 302, 307, 323, 504, 143, 147, 149 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

BSFના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ ક્રિયા કરી
તો મેલજીભાઈના મૃતદેહને પોલીસની જરૂરી કાર્યવાહી કરાયા બાદ તેમના પરિવારજનોને સોંપ્યો. રવિવારે BSF જવાનની અંતિમ ક્રિયા કરવામા આવી હતી. જેમાં જવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. દરમ્યાન મોટી સંખ્યામાં ગ્રામજનો તથા બીએસએફના અધિકારીઓ તથા જવાનો ઉપસ્થિત રહ્યા હતા. BSF જવાનની હત્યાની જાણ તેમના મિત્ર વર્તુળમાં તથા મિત્ર વર્તુળો પણ ઘેરા શોકમાં ડૂબી ગયા છે અને મેલજીભાઈના પરિવારજનોના પડખે ઊભા રહ્યા છે. મહત્વનુ છે કે, આ બનાવના કારણે એક પત્નીએ પોતાનો પતી તો 3 દિકરા અને એક દિકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT