માતર વિધાનસભા બેઠક માટે 14 દાવેદારો મેદાને, કોંગ્રેસ માટે કપરા ચડાણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ, ખેડા: ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારની પસંદગી માટે દોડધામ કરી રહ્યા છે. કોંગ્રેસ પોતાના ઉમેદવારની પસંદગી માટે વિવિધ બેઠકો પર આગેવાનો મોકલી દાવેદારોને સાંભળી રહી છે અને સમીકરણો ચકાસી રહી છે ત્યારે. ખેડા જિલ્લાની માતર વિધાનસભા બેઠક ભાજપ અને કોંગ્રેસ માટે ખરાખરીનો જંગ બની ગઈ છે. કારણ કે આ બેઠક પહેલા કોંગ્રેસનો ગઢ હતી, પરંતુ 2002 બાદ આ બેઠક ભાજપનો ગઢ બની રહી છે. અને તેવામાં કોંગ્રેસ દ્વારા ખેડા જિલ્લામાં લેવાયેલ સેન્સ પ્રક્રિયામાં માતર વિધાનસભામાં જીલ્લામાથી સૌથી વધુ 14 દાવેદારોએ આગામી 2022ની વિધાનસભાની ચૂંટણી માટે દાવેદારી નોંધાવી છે. ત્યારે આ બેઠક પર ખરાખરીનો જંગ જામશે.

નડિયાદ સર્કિટ હાઉસ ખાતે ખેડા જિલ્લાની છ વિધાનસભા સીટ માટે કોંગ્રેસ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ સેન્સ લેવાની પ્રક્રિયા એઆઈસીસી પ્રભારી ઉષાબેન નાયડુ, રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિક અને પૂર્વ મંત્રી તુષારભાઈ ચૌધરીની આગેવાની હેઠળ લેવાઈ હતી. આ છ વિધાનસભા સીટ માટે 30 જેટલા દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. જેમાં સૌથી વધુ માતર વિધાનસભા સીટ માટે 14 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. મહત્વનું છે કે માતર વિધાનસભા હાલ બીજેપી પાસે છે. જેના ધારાસભ્ય પદે કેસરીસિંહ સોલંકી છે અને તેઓ અવારનવાર ચર્ચામાં રહે છે.

સતત વિવાદમાં રહ્યા કેસરિસિંહ
ધારાસભ્ય કેસરિસિંહ સોલંકી સતત ચર્ચામાં રહ્યા છે. પંચમહાલના રીસોર્ટમાં જુગાર રમતા ઝડપાવાની બાબત હોય કે પછી પોલીસ વિભાગ સાથે અવારનવાર કોઈને કોઈ બાબતે વિવાદ થતો હોય, એમાંય રાજ્યસભાની ચૂંટણીમાં પણ ક્રોસ વોટિંગની ચર્ચાને કારણે પણ તેમને વિવાદનો સામનો કરવો પડ્યો હતો. જેને લઈને આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કેસરીસિંહ સોલંકીને ટિકિટ મળવાની શક્યતા નહિવત જોવા મળી રહી છે. કેસરીસિંહને હારનો સ્વાદ ચાખડવા કોંગ્રેસ રણનીતિ ઘડી રહી છે. કોંગ્રેસ દ્વારા લેવાયેલ સેન્સ પ્રક્રિયામાં જિલ્લામાંથી સૌથી વધુ 14 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. જેને લઈને ક્યાંકને ક્યાંક કોંગ્રેસમાં પણ આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે. એવામાં માતર વિધાનસભા બેઠક પર આગામી વિધાનસભા 2022ની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામે તો નવાઈ નહીં. કારણકે ભાજપ પાસે હાલ માતર વિધાનસભા બેઠક પર સક્ષમ ઉમેદવાર નથી. વધુમાં સુત્રો પાસેથી જાણવા મળ્યા અનુસાર માતરની જનતામાં કેસરીસિંહ સોલંકી સામે છૂપો રોષ જોવા મળી રહ્યો છે.

ADVERTISEMENT

વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કેસરીસિંહ સોલંકી 2,406 મતથી કોંગ્રેસના સંજયભાઈ પટેલને હરાવીને જીત્યા હતા. એવામાં આ વખતે કોંગ્રેસ દ્વારા 14 દાવેદારોએ ચૂંટણી માટે દાવેદારી નોંધાવી છે. જેમાં સંજયભાઈ પટેલ પણ સામેલ છે, છતાંય એક સાથે 14 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે જેને લઈને માતર વિધાનસભા બેઠક પર ખરાખરીનો જંગ જામે તેવા એંધાણ છે.

2022 બાદ ભાજપનો ગઢ બની માતર બેઠક
માતર વિધાનસભાની બેઠક પહેલા કોંગ્રેસનો ગઢ હતી. પરંતુ 2002ના ગોધરાકાંડ બાદ હિન્દુત્વની લહેરે આ બેઠક બીજેપીના ફાળે આપી દીધી. જે બાદ અત્યાર સુધી ભાજપ આ બેઠક પરથી ચૂંટાઈ આવે છે. જેને લઈને કોંગ્રેસ પોતાનો ગઢ પાછો મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. પરંતુ અંદરો અંદરનુ આંતરિક મતભેદ ચૂંટણી સમયે નુકસાનકારક સાબિત થાય તેમ લાગી રહ્યું છે. કારણ કે 14 માંથી કોઈપણ એક ઉમેદવારને કોંગ્રેસ ટિકિટ આપશે તો અન્ય 13 જેટલા ઉમેદવારો કોંગ્રેસથી નારાજ થઈ શકે છે. એવામાં માતર વિધાનસભા બેઠક કોના ફાળે જાય છે તે જોવુ રસપ્રદ બની રહેશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT