બિપોરજોયને લઈને આવ્યા રાહતના સમાચાર, ક્યાં સુધીમાં નબળું પડશે વાવાઝોડું? હવામાન વિભાગે આપી જાણકારી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલું બિપોરજોય વાવાઝોડાએ જખૌ નજીક મોડી રાત્રે લેન્ડફોલ કર્યા બાદ હવે આગળ વધી રહ્યું છે. ત્યારે હવે વાવાઝોડાની આફત પર પહેલીવાર રાહતની ખબર સામે આવી રહી છે. હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ વાવાઝોડાની સ્થિતિને લઈને આજે સવારે જાણકારી આપી હતી. હાલમાં વાવાઝોડું જખૌથી 70 કિલોમીટર દૂર પહોંચ્યું છે અને રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે.

વાવાઝોડું સાંજ સુધીમાં ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે
હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ, બિપોરજોય વાવાઝોડું 115 થી 125 કિમીની ઝડપે ગુજરાતના કાંઠે જખૌની ઉપર ટકરાયું હતું. વાવાઝોડું મોડી રાત્રે 10.30 થી 11.30 વચ્ચે કચ્છમાં ટકરાયું હતું. હાલમાં વાવાઝોડાની ગતિમાં પરિવર્તન થયું છે. બપોર સુધીમાં નબળું પડશે અને સાંજ સુધીમાં ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. હાલમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે. મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ રહેશે. આ સાથે કચ્છ, બનાસકાંઠા, પાટણ અને દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

પવનની ગતિમાં થશે ઘટાડો
તેમણે વધુમાં કહ્યું, હાલમાં હવાની ગતિ 85 થી 90 કિમી છે. આગામી 2-3 કલાકમાં ઘટીને 75થી 80 થશે, તે પછીના બીજા 3 કલાક ઘટીને 65થી 75 કિમી થવાની સંભાવના છે. હાલમાં ભારે વરસાદની આગાહી ગુજરાત માટે છે. દરિયાકાંઠાના વિસ્તારમાં જે 9 નંબરનું સિગ્નલ હતું તેને ઘટાડીને 3 નંબરનું કરવા માટે સલાહ આપવામાં આવી છે.

ADVERTISEMENT

ક્યાં કેટલો વરસાદ પડ્યો?
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગાંધીધામમાં સૌથી વધુ 8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મુંદ્રામાં 4 ઈંચ, ખંભાળિયા અને અંજારમાં સવા 3 ઈંચ, જામજોધપુર અને વાવમાં પોણા 3 ઈંચ, ભચાઉમાં 2.5 ઈંચ, માંડવી અને કલ્યાણપુરમાં સવા 2 ઈંચ, દ્વારાકામાં સવા 2 ઈંચ, ભાવનગરમાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાજ્યના 34 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ADVERTISEMENT

આજે ક્યાં ભારે વરસાદની આગાહી?
હવામાન વિભાગ મુજબ, ગુજરાતમાં હજુ પણ 19મી જૂન સુધી વરસાદી માહોલ રહેશે. જેમાં આજે 16મી જૂને કચ્છ-સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ તથા મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે આવતીકાલે 17મી જૂને ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. 18મી જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલાસડમાં વરસાદ પડી શકે છે. તો 19મી જૂને નવસારી અને વલસાડીમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.

ADVERTISEMENT

મોટા ભાગના જિલ્લાઓમાં આજે શાળા-કોલેજો બંધ
બિપોરજોય વાવાઝોડાને પગલે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. મોટા ભાગના વિસ્તારોમાં શાળા-કોલેજો બંધ રાખવા માટે કલેક્ટરો દ્વારા આદેશ કરી દેવાયા છે. બિપોરજોયના કારણે રાજ્યનું મોટા ભાગનું તંત્ર લગભગ ખોરવાઇ ચુક્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT