સાબરમતી નદીમાં પાણીની આવક ઘટી, સંત સરોવરના ૭ દરવાજા કરાયા બંધ
અમદાવાદ: ગાંધીનગરમાં સાબરમતી નદી આજે પણ બે કાંઠે વહી રહી છે. ધરોઈ બંધમાંથી પાણીની આવક ઓછી થતાં ગાંધીનગરમાં સંત સરોવરના ૨૧ દરવાજામાંથી ૭ દરવાજા બંધ…
ADVERTISEMENT
અમદાવાદ: ગાંધીનગરમાં સાબરમતી નદી આજે પણ બે કાંઠે વહી રહી છે. ધરોઈ બંધમાંથી પાણીની આવક ઓછી થતાં ગાંધીનગરમાં સંત સરોવરના ૨૧ દરવાજામાંથી ૭ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે ૧૪ દરવાજા ખુલ્લા રાખીને હજુ પણ ૩૨,૨૩૦ ક્યુસેક્સ પાણી વાસણા બેરેજ તરફ છોડવામાં આવી રહ્યું છે. લાકરોડા બેરેજ તરફથી હજુ પણ પાણીની આવક ચાલુ રહેતાં સંત સરોવરની સપાટી વધવાની પૂરે પૂરી સંભાવના છે.
પાણી છોડવાના કારણે નદી કાંઠાના ગામોમાં વસતા નાગરિકોને સલામતીના કારણોસર કાંઠા વિસ્તારમાં નહીં જવાની સૂચના આપવામાં આવી છે. નિવાસી અધિક કલેકટર રિતુ સિંઘે સલામતીના કારણોસર તમામ કર્મચારીઓ-અધિકારીઓને હેડક્વાર્ટર નહીં છોડવાના આદેશો આપ્યા છે. જિલ્લાના અધિકારીઓ-કર્મચારીઓની રજાઓ મંજૂર નહીં કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે. ગુરુવારે સાંજે ૬.૦૦ વાગ્યાની સ્થિતિએ ધરોઈ બંધમાંથી ૨૩,૦૭૨ ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે.
સંત સરોવરના ૭ દરવાજા બંધ કરવામાં આવ્યા
બુધવારની મધરાતે ધરોઈ બંધમાંથી ૬૬,૦૫૦ ક્યુસેક્સ પાણી છોડવામાં આવ્યું હતું. પરંતુ હવે ધરોઈ બંધમાંથી પાણી છોડવાનું ઓછું થતાં લાકરોડા બેરેજમાંથી પણ પાણી છોડવાનું ઓછું કરવામાં આવ્યું છે. સાંજે ૬.૦૦ વાગ્યે લાકરોડા બેરેજમાંથી ૪૭,૩૬૬ ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે. એટલે સંત સરોવરમાં આવતા પાણીની આવક પણ ઓછી થઈ છે. ગાંધીનગરના સંત સરોવરમાં પાણીનો આવરો વધતા ગુરુવારે વહેલી સવારે ૫.૦૦ વાગ્યાથી સંત સરોવરના તમામ ૨૧ દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા અને પાણી ફ્રી ફ્લોથી વાસણા બેરેજ તરફ છોડવામાં આવ્યું હતું. પાણીની આવક ઓછો થતાં સાંજે ૬.૦૦ વાગ્યે સંત સરોવરના ૭ દરવાજા બંધ કરવામાં આવ્યા છે. બાકીના ૧૪ દરવાજા ત્રણ ફૂટ જેટલા ખોલીને ૩૨,૨૩૦ ક્યુસેક્સ પાણી વાસણા બેરેજ તરફ છોડવામાં આવી રહ્યું છે. આ રીતે સંત સરોવરમાં જળ સપાટી જાળવી રાખવામાં આવશે એટલે સાબરમતી નદી હજુ પણ બે કાંઠે વહેશે.
ADVERTISEMENT
કર્મચારીઓને હેડક્વાટર ણ છોડવા આદેશ
નદીમાં પાણીની સપાટી ઊંચી રહેવાથી નાગરિકોને સલામતીના કારણોસર નદી કાંઠાથી દૂર રહેવાની તાકીદ કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરીના ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા ગાંધીનગર જિલ્લાના તમામ અધિકારીઓ-કર્મચારીઓને હેડ ક્વાર્ટર નહીં છોડવાના આદેશો પણ કરવામાં આવ્યા છે. સાબરમતી, મેશ્વો, ખારી અને વાત્રક નદી ગાંધીનગર જિલ્લામાં થઈને વહે છે. ઉપરવાસના જિલ્લાઓમાં ભારે વરસાદ અને જળાશયોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી ક્યાંય પૂરની પરિસ્થિતિ સર્જાય તો જાનમાલને નુકસાન ન થાય તે માટે સાવચેત રહેવા અને આગોતરા પગલાં તરીકે જિલ્લાના તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજાઓ મંજૂર નહીં કરવાના પણ આદેશો આપવામાં આવ્યા છે.
ADVERTISEMENT