બોલો… જે મકાન 2016માં વડોદરા કોર્પોરેશને તોડી નાખ્યા હતા, તેના વેરા બિલ 7 વર્ષ પછી મોકલ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરાઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક વખત મોટો છબરડો કરાયાનું સામે આવ્યું છે. જે મકાન 2016માં કોર્પોરેશને તોડી નાખ્યા હતા તેના 7 વર્ષ પછી વેરા બિલ ઈશ્યૂ કર્યા છે. વેરા બિલ જે લોકોને મોકલવામાં આવ્યા છે તે કોઈ એકલ દોકલ નહીં પરંતુ મોટું ટોળું છે. લોકોએ ભેગા થઈને આ મામલે વિરોધ નોંધાવ્યો હતો અને તેના કારણે કોર્પોરેશનના વહીવટ પર ફરી સવાલો ઉઠ્યા છે.

400 લોકોને બિલની બજવણી
વડોદરા કોર્પોરેશનનો વધુ એક વખત લાલીયાવાડી ચાલતો કિસ્સો બહાર આવ્યો છે. જોકે અહીં તો વાત એવી છે કે ભલભલા માથું ખંજવાળી દે કે આવી બુદ્ધી ચાલી કયા અધિકારીની? થયું એવું છે કે વર્ષ 2016માં એટલે કે સાત વર્ષ પહેલા વડોદરાના અટલાદરા વિસ્તારમાં કલાલી રોડ પર આવેલા ભીમ તળાવ પાસેની વસાહત કોર્પોરેશને તોડી પાડી હતી. હવે આ સ્થળ પર ઘણા જ મકાનો હતા. સર્વોદય અને શાંતિનગરમાં બનેલા સરકારી વસાહતોમાં અહીંથી લોકોને નવા ઘર પણ આપી દેવામાં આવ્યા હતા. જોકે અચાનક કોર્પોરેશનને શું સુરાતન ચઢ્યું કે 400 લોકોને 2022-23ના વેરા બિલની બજવણી કરી છે. લોકો અચાનક 7 વર્ષ પછી જે ઘર હવે તેમને સ્વપ્નમાં પણ દેખાતું નથી તેવા ઘરના બિલ સામે આવતા ચોંકી ગયા હતા.

30 હજાર સુધીના વેરા બિલને જોઈ લોકો ચોંક્યા
હવે મુખ્ય વાત કરીએ તો અહીં રહેતા મોટા ભાગના લોકો ગરીબ વર્ગના લોકો છે. કોર્પોરેશને અચાનક તેમના 7 વર્ષ પછી જે વેરા બિલ પકડાવ્યા છે તેમાં 9 હજારથી માંડીને 20 હજાર અને 30 હજાર સુધીની રકમ ભરવાના બિલ છે. અચાનક આટલી મોટી રકમ લાવવી ક્યાંથી, આટલું મોટું બિલ? જેના કારણે લોકો નારાજ થયા હતા અને તેમણે કોર્પોરેશન સામે વિરોધ કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે વેરા બિલ પાછા ખેંચવાની માગ કરી છે. લોકોની બુમો પડતા આખરે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેને આ મામલે તુરંત તપાસ કરવાના આદેશ આપ્યા છે. મહત્વનું છે કે વસાહતના નાગરિકો જ્યાં સરકારી આવાસમાં રહે છે ત્યાંના વેરા બિલ તો હજુ પણ પાલિકાએ બજવ્યા જ નથી પણ જે વસાહત તોડીને બગીચો બનાવી દીધો છે ત્યાંના બિલ મોકલી આપ્યા છે. સ્ટેન્ડિંગ કમિટિએ તુરંત આ મામલે તપાસ કરીને પાલિકાની ભૂલ હશે તો સુધારશું તેમ કહી તપાસના આદેશ કર્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT