‘મને ઘણા સમયથી આપે છે ધમકી’, ઓનલાઈન લોનના ચક્કરમાં ફસાયેલા વડોદરાના યુવકે ટૂંકાવ્યું જીવન
Vadodara News: જ્યારેથી વ્યક્તિ ઓનલાઈન થઈ ગયો છે, ત્યારેથી તેના સંબંધો બધા ઓફલાઈન થઈ ગયા છે, તેવું કહીએ તો ખોટું નથી. આજના સમયમાં દરેકને સોશિયલ…
ADVERTISEMENT
Vadodara News: જ્યારેથી વ્યક્તિ ઓનલાઈન થઈ ગયો છે, ત્યારેથી તેના સંબંધો બધા ઓફલાઈન થઈ ગયા છે, તેવું કહીએ તો ખોટું નથી. આજના સમયમાં દરેકને સોશિયલ મીડિયાનો વળગાડ લાગ્યો છે. સોશિયલ મીડિયા તો ઠીક પરંતુ વ્યક્તિનું ધનોત-પનોત કાઢી નાખતી હોય તો તે છે ઓનલાઈન ગેમિંગ એપ અને ઓનલાઈન લોન એપ. આ ઓનલાઈન લોન એપથી કંટાળીને અત્યાર સુધીમાં ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ત્યારે તાજેતરમાં જ આવો બનાવ વડોદરાથી સામે આવ્યો છે. જેમાં ઓનલાઈન લોનના ચક્કરમાં ફસાયેલા 31 વર્ષના સિવિલ એન્જિનિયરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. યુવકે આપઘાત કરતા પહેલા એક સુસાઈડ નોટ પણ લખી છે, નોટમાં લખેલી આ વાતોથી જાણી શકાય છે કે યુવાન માનસિક રીતે કેટલો દબાણ અનુભવતો હશે. જોકે, સુસાઈડ નોટ મળી આવતાં ગોરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
યુવકે ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત
પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા શહેરના રિફાઇનરી રોડ ઉપર આવેલ ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં સિવિલ એન્જિનિયર તરીકે કામ કરતા મયુરભાઈ ઉમેશસિંહ મહિડા (ઉં.વ 31)ને અગાઉ પૈસાની જરૂર પડતા તેમણે ઓનલાઈન એપ્લિકેશન મારફતે ઓનલાઈન લોન લીધી હતી. જોકે, એ લોન મયુરભાઈએ ચૂકતે કરી દીધી હોવા છતાં કેટલાક લોકો દ્વારા પૈસાની માંગણી કરીને બીભત્સ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકીઓ આપવામાં આવતી હતી. જેથી આ ધમકીઓથી કંટાળીને તેઓએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. પોલીસને મયુરભાઈની સુસાઈડ નોટ પણ મળી આવી છે.
ADVERTISEMENT
‘મને ઘણા સમયથી ધમકી આપે છે’
સુસાઈડ નોટમાં તેમણે લખ્યું છે કે, ‘છેલ્લા કેટલાક દિવસોથી મને એવા કોલ આવી રહ્યા છે કે તમે લોન પેમેન્ટ કરો અને ધમકી આપે છે કે અમે તમારા ગંદા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશું. મે પહેલા અમુક એપ્લિકેશન ઉપરથી લોન લીધી હતી પણ તે ચુકતે કરી હતી. અગાઉ લોન લીધી હતી તે ડોકયુમેન્ટ્સના તેઓ મિસ યુઝ કરી રહ્યા છે. મારા ઘરના કોઇ સભ્યોનો હાથ નથી. હું જાતે જ આ પગલુ ભરું છું.’
‘આ લોકો ભવિષ્યમાં મને પાછો હેરાન કરશે’
તેમણે વધુમાં લખ્યું છે કે, ‘આરતી (પત્ની) તું બન્ને (બાળકો)ને અને પપ્પાને તારી સાથે રાખજે. મને પણ દુઃખ થાય છે પણ મારા જોડે આ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. હું આ લોકોની ડિમાન્ડ પુરી કરીશ તો પણ આ લોકો ભવિષ્યમાં મને પાછો હેરાન કરશે. તમને કોઈ અજાણ્યા નંબરથી ફોન આવે તો તમારે વાત કરવી નહી. મને માફ કરશો. મારાથી જીવનમાં બહુ ભૂલ થઈ ગઈ છે. મારા ઊંચા શોખના કારણે મારા ઉપર વધારે દેવું થઇ ગયું છે. જેથી હું આ પગલુ ભરી રહ્યો છું.’
ADVERTISEMENT
‘પપ્પાને તારી સાથે રાખજે’
મયુરભાઈએ લખ્યું છે કે, ‘આરતી તું મકાન અને ગાડી વેચીને ગુજરાન ચલાવજે. પપ્પાને તારી સાથે રાખજે. છોકરાઓને મારતા નહી. ખુશ રાખજો. લોનવાળાઓ મને ધમકી આપી રહ્યા છે જે મારાથી હવે સહન નથી થતું એટલે આ પગલુ ભરી રહ્યો છું.’
ADVERTISEMENT
પોલીસે હાથ ધરી તપાસ
આપને જણાવી દઈએ કે, હાલ ગોરવા પોલીસની ટીમે યુવકની સુસાઈડ નોટને કબજે કરીને ઝીંણવટભરી તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT