બાપની મિલકત સમજીને મોરબી બ્રીજનું સંચાલન થતું હતું, ડગલેને પગલે કર્યો હતો શરતોનો ભંગ
મોરબી : આજે સમગ્ર ગુજરાત ગમગીન છે. મોરબીમાં 190 જેટલા લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે અધિકારીક આંકડો 136 પર છે. એક બ્રિજ કે જે 5…
ADVERTISEMENT
મોરબી : આજે સમગ્ર ગુજરાત ગમગીન છે. મોરબીમાં 190 જેટલા લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે અધિકારીક આંકડો 136 પર છે. એક બ્રિજ કે જે 5 જ દિવસ પહેલા ખુલ્લો મુકાયો હતો. ત્યાં 150 થી વધારે જિંદગી હોમાઇ છે. જેમાં અડધો અડધ નાના ભુલકાઓ છે. આ સમગ્ર કરૂણાંતિકા માટે ઓરેવા કંપનીના માલિકોની ગંભીર બેદરકારી સામે આવી છે. આ કંપનીએ બ્રિજ પોતાની બાપીકી મિલકત હોય તેમ ડગલેને પગલે નિયમોની હાંસી ઉડાવી હતી. ઉપરથી પણ કોઇ અજ્ઞાત શક્તિ સતત તેમને ડગલેને પગલે સાથ આપી રહી હતી. જેના કારણે અધિકારીઓ કાં તો પૈસા લે અથવા તો ચુપ રહે તે સિવાય તેમની પાસે કોઇ વિકલ્પ જ નહોતો.
કોર્પોરેશન અને અધિકારીઓને તો ઓરેવા કંપનીના માલિકો ખિચ્ચામાં રાખતા
આ અંગે ઓરેવા અને સ્થાનિક કોર્પોરેશન વચ્ચે થયેલા MoU ની કોપી ગુજરાત તક પાસે છે. જેનો અભ્યાસ કરતા ઓરેવા દ્વારા ડગલેને પગલે કરવામાં આવેલા નિયમ ભંગની આખી યાદી બહાર આવી હતી. આ કરાર 5 માર્ચ, 2022 ના રોજ કરવામાં આવ્યો હતો. જે 2022-23 સુધી ચાલવાનો હતો. જો કે તેમાં ટિકિટનાં દર નાગરિકો પાસેથી પુખ્ત વ્યક્તિ પાસેથી 15 અને નાના બાળકો માટે 10 રાખવાની શરત હતી. જો કે ઓરેવા દ્વારા પુખ્ત વ્યક્તિ પાસેથી 17 અને બાળકોનાં 12 રૂપિયા વસુલવામાં આવી રહ્યા હતા. જો કે સ્થાનિકોનો આક્ષેપ છે કે આ ભાવે પણ ટિકિટ મળતી નહોતી. તેના જ માણસો ટિકિટ બ્લેક કરતા હતા અને 50-100 રૂપિયા સુધીમાંઆ ટિકિટ ખરીદવી પડતી હતી.
કોઇ પણ મુદ્દે વાંકુ પડે તો સીધો ગાંધીનગરથી જ કોર્પોરેશનમાં ફોન આવતો
MoU અનુસાર પુલનું રિનોવેશન થયા બાદ 2024 માં ઓરેવાને 2 રૂપિયાનો ટિકિટ વધારો કરવાની છુટ આપવામાં આવી હતી. જો કે પુલ ખુલ્લો મુકાયા બાદ દિવાળીની સિઝન હોવાથી લોકો જે પ્રકારે મોટા પ્રમાણમાં આવી રહ્યા હતા તેને ધ્યાને રાખીનેઓરેવા જેવી દિગ્ગજ કંપનીની પણ દાઢ 2 રૂપિયા માટે સળવળી હતી. બારોબાર ઠગાઇ શરૂ કરી દીધી હતી. લોકો પાસેથી મનફાવે તેવા ભાવ વસુલવાની શરૂઆત કરી દીધી હતી.
ADVERTISEMENT
બ્રિજ પોતાના બાપની મિલકત હોય તે પ્રકારે જાતે જ ઉદ્ધાટન કર્યું, તંત્રને જાણ પણ ન કરી
આ ઉપરાંત આ બ્રિજ જાણે કે બાપની મિલકત હોય તે પ્રકારે ઓરેવા દ્વારા અપાતી ટિકિટમાંથી કોર્પોરેશનનું નામ જ ગાયબ હતું. બ્રિજ પર લગાવાયેલા વિશાળ બોર્ડમાં પણ કોર્પોરેશનનું નામો નિશાન નહોતું. આ અંગે પાલિકાના હાલના ચીફ ઓફીસર સંદીપસિંહ ઝાલા અને અન્ય એક પૂર્વ પાલિકાના ચીફ ઓફીસરે કહ્યું કે, ઓરેવા અને કોર્પોરેશન વચ્ચે આ એમઓયુ મુદ્દે વિવાદ હતો. જો કે ગાંધીનગરથી ફોન આવ્યો અને સમગ્ર મામલે પાલિકાએ નમતું જોખીને આખરે બ્રિજ ઓરેવાને સોંપી દીધો હતો. ત્યાર બાદ ઓરેવા કંપની દ્વારા પોતાની રીતે મનમાની શરૂ કરાવામાં આવી હતી.
હજી સુધી સમગ્ર પરિવાર ફરાર, શ્રદ્ધાંજલી મુદ્દે એક શબ્દ પણ નહી
ઓરેવાની દાદાગીરીનો અંદાજ તેના પરથી જ લગાવી શકાય કે, આ બ્રિજનું ઉદ્ધાટન કરવા માટે ઓરેવા ગ્રુપના માલિકે કોઇને યોગ્ય સમજ્યા નહોતા અને પોતાનાં ઘરનું ઉદ્ધાટન હોય તેમ પરિવારના લોકોના હાથે જ બ્રિજનું ઉદ્ધાટન કરી નાખ્યું હતું. આ અંગે જરૂરી ફિટનેસ સર્ટિફિકેટથી માંડીને અન્ય કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી નહોતી. બ્રિજ ખુલ્લો મુકી દેવાયો હતો. બેશરમીની હદ તો ત્યારે થઇ જ્યારે આ ઘટનાને 22 કલાકનો સમય વિતિ ગયો હોવા છતા ઓરેવાના માલિકો ન તો કોઇ મદદે આવ્યા છે કે, ન તો તંત્ર સામે આવ્યા છે.શ્રદ્ધાંજલી માટે એક શબ્દ સુદ્ધા ઉચ્ચાર્યો નથી. તમામ લોકો ભુગર્ભમાં ઉતરી ગયા છે. હાલ તો મોરબીના લોકો ને પોલીસ પણ જયસુખ પટેલને શોધી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT