ખાણખનીજ વિભાગ ઊંઘતુ ઝડપાયું: નાયબ વનસંરક્ષકે ખનીજ માફીયા મામલે આપ્યા તપાસના આદેશ

ADVERTISEMENT

Mahisagar
Mahisagar
social share
google news

વીરેન જોશી, મહીસાગર: મહીસાગર જિલ્લા મથક લુણાવાડા ઐતિહાસીક નગર છે અને આસપાસ રળિયામણા ડુંગરોથી ઘેરાયેલું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ખનીજ માફીયાઓની કુદ્રષ્ટિ આ ડુંગરો પર પડી અને વ્યાપક પ્રમાણમાં ગેરકાયદેસર માટી ખોદકામ કરવામાં આવી રહ્યું છે. નવાઈની વાત એ છે કે જિલ્લા ઉચ્ચ અધિકારીઓ અવારનવાર અહીથી પસાર થાય છે. તેમ છતાં આ ખનીજ માફીયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં પાછી પાની કરી રહ્યા છે. આ મામલો રેન્જ ફોરેસ્ટ ઓફિસર સુધી પહોંચતા કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે મહીસાગર જિલ્લા મથક લુણાવાડાથી ચરેલ જવાના માર્ગ પાસે આવેલા બાવાના ડુંગર તરીકે ઓળખાતા વન વિભાગ હસ્તકની સરકારી જંગલમાં છેલ્લા કેટલાક દિવસોમાં મોટા પ્રમાણમાં માટીનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે. જે સ્થળે ખોદકામ થાય છે તેને અડકીને વનવિભાગનો ગુના કામના માલસામાન રાખવાનો ડેપો આવેલો છે. જ્યાં ૨૪ કલાક વૉચમેનની હાજરી હોય છે. તેમ છતાં પ્રતિબંધિત સાગ, વૃક્ષો સહિતના સંખ્યાબંધ વૃક્ષો કપાઈ ગયા અને હજારો મેટ્રિક ટન માટી ગેરકાયદેસર ઉલેચાઈ ગઈ. જો કે આ અંગે એક જાગૃત નાગરિકે નાયબ વનસંરક્ષક એન.વી. ચૌધરીને જાણ કરતાં તેમણે લુણાવાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસરને સમગ્ર બાબતે તપાસ કરી કાર્યવાહી કરવા જણાવ્યું છે.

ખનીજ અધિકારીની મીઠી નજર
લુણાવાડા આર.એફ.ઓના રિપોર્ટ બાદ વનવિભાગ આ અંગે કાયદેસરની કાર્યવાહી કરશે તેમ જણાવ્યું છે. વનવિભાગની જમીનને અડકી સરકારી જમીન પણ આવેલી છે. આ સરકારી જમીનમાં ખોદકામ અને ગેરકાયદેસર વૃક્ષ છેદન હોય તો લુણાવાડા મામલતદાર કક્ષાએ કાર્યવાહી કરવાની થાય છે તેમ તેઓએ જણાવ્યું છે. બીજી તરફ જવાબદાર ખાણ ખનીજ વિભાગ ઘોર નિદ્રામાં હોય તેમ જણાઈ રહ્યું છે. ચાર્જમાં રહેલ ખાણ ખનીજ અધિકારી હાજર ન હતા અને તેમની સાથે ટેલીફોનિક સંપર્ક કરતા તેઓએ ફોન રિસીવ કરવાની તસ્દી લીધી ન હતી

ADVERTISEMENT

તંત્રના આંખ આડા કાન
અત્રે નોંધનીય છે કે જે સ્થળે ગેરકાયદેસર માટી ખોદકામ અને વૃક્ષ છેદન કરવામાં આવ્યું તે સ્થળે થોડા વર્ષો અગાઉ વનઅધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. એક તરફ પર્યાવરણની જાળવણી માટે વધુ વૃક્ષ વાવોનું અભિયાન ચલાવવામાં આવે છે ત્યારે બીજી તરફ લુણાવાડા નગરની શાન સમા ડુંગરોને નષ્ટ કરવાના સુવ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે ખનીજ અને જમીન માફિયાઓ ગેરકાયદેસર માટી ખોદકામ કરી રહ્યા છે અને જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી રહ્યુ હોય તેમ ચર્ચાઈ રહ્યું છે.

follow whatsapp

ADVERTISEMENT