માતા-પિતા આજે પણ ધ્રુજી જાય છેઃ તક્ષશિલાકાંડમાં સંતાન ગુમાવનાર વાલીઓ બિલ્ડીંગ પાસે આવતા જ રડી પડે છે

ADVERTISEMENT

Surat
Surat
social share
google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ “ધૂમાડાએ અમારો શ્વાસ રૂંધી નાખ્યો, શું તંત્ર અમારા વાલીઓનો શ્વાસ રૂંધી નાખશે?, અમને જીવતા સળગાવનારને પ્રમોશન પણ મળી ગયા! બોલો ક્યાં છે ન્યાય?, ભ્રષ્ટાચારીઓ સામે કોણ અવાજ ઉઠાવશે?, સમાજના અગ્રણીઓ કેમ ચુપ બેઠા છે? માનવતા મરીપરવારી છે? આગના આસુએ રડાવનારા આ અધિકારીઓને ફાંસી ક્યારે આપશો?, હું આ તંત્રને પુછું છું કે આ વિકાસ છે કે વિનાશ? અમે આપેલું બલિદાન ઓછું પડે છે? શા માટે તંત્ર મોટા ભ્રષ્ટાચારીઓને છાવરે છે?, વર્ષો વીતી ગયા છતા પણ અમારા મોટા દોષીતો સુધી પહોંચવામાં તંત્ર નિષ્ફળ, અમારા પરિવારોનો શું વાંક?, 4 લાખ શું અમારી ચીસોની કિંમત હતી?, સાહેબ તમે જો ભ્રષ્ટાચાર ન કર્યો હોત તો અમે આજે અમારા પરિવારની સાથે હોત?, અમને આગ લગાડનારા વીજ કંપનીના અધિકારીઓ હજુ બીજા કેટલાના જીવ લેશો?, અમને મોતના મુખમાં ધકેલનારને સજા ક્યારે થશે?” સુરતમાં આજે તમે તક્ષશિલા બિલ્ડીંગ પાસેથી પસાર થાઓ તો તમને અહીં અગ્નીકાંડમાં મૃત્યુ પામેલા નાના બાળકોના ફોટોઝ સાથે આવા કેટલાક સવાલો વાંચવા મળે છે. જોઈને બે ઘડી થાય કે કદાચ આ એ જ સવાલો છે જે તેમના મૃત્યુ પછી પણ ચીસો પાડીને આપણને પુછાઈ રહ્યા હશે. તમને અહીં યાદ કરાવી દઈએ, કદાચ યાદ કરાવવું જ પડશે કે 4 વર્ષ પહેલા સુરતની આ તક્ષશિલા બિલ્ડીંગમાં લાગેલી આગમાં તમે બાળકોને આગથી બચવા બિલ્ડીંગ પરથી નીચે કુદતા વીડિયો જોયા હશે, કારણ કે આપણી યાદ શક્તિ ઘટી ગઈ છે અને સહન શક્તિ વધી ગઈ છે. સહન કરી ગયા છીએ જાણે આપણે આ બાળકોના મૃત્યુની એ ઘટનાને, માટે જ આજે ફરી યાદ કરાવાઈ રહી છે.

પાણીની પારાયણમાં કેશાજીએ પાઘડી ઉતારી, હવે ભાજપ પાઘડી પહેરાવવાના મૂડમાં નથી!

લોકો ઘટનાને સરળતાથી ભૂલ્યા પણ માત-પિતા…?
જોકે તેમના માતા પિતા તો કેવી રીતે ભૂલે, જે સંતાનને કોળીયા ખવડાવી મોટું કર્યું તે બાળક આટલી પીડાદાયક મોતને ભેટે, જે સંતાનના ભાવી માટે સતત દોડધામ કરતા રહ્યા તે સંતાનને સુખની એક મૃત્યુ પણ નસીબ ના થઈ તેવા તંત્રને સહન કેવી રીતે કરી શકે તે માતા પિતા, જ્યારે આજે પણ તેમને આ કેસમાં કોર્ટના ધરમ ધક્કા તો ઊભા જ છે. આપણે તો ફરી બીજા વીડિયો જોઈ હાય બાપા કરવામાં વ્યસ્ત થઈ ગયા, ક્યારે આ બાળકોનો ન્યાય ભૂલાઈ ગયો ખબર જ ના પડી? વિદેશમાં ભારતનો ડંકો વાગે કે ના વાગે પણ આ બાળકોની તસવીરો સાથે તેમના ન્યાય માગતા સવાલો હૃદય પર વાગવા જરૂરી છે ત્યારે જ આપણી અંદરનો માણસ હજુ જીવતો છે તેવું માનવું રહ્યું.

મા-બાપ દર મહિને બિલ્ડીંગ પાસે આવી આંસુ સારે છે
ચાર વર્ષ પહેલાં એટલે કે 24 મે ના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં બનેલી તક્ષશિલા અગ્નિકાન્ડ ઘટના માં 22 બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમાં 22 વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં. એ વખતે જતીન નાકરાણીને કેટલાયનો જીવ બચાવ્યો હતો. જોકે તેણે પણ ચોથા માળેથી બાદમાં ભૂસ્કો માર્યો હતો. માથામાં ઈજા થતા તે કોમામાં સરી પડ્યો હતો અને બાદમાં તેની હાલત પથારીવસ થઈ ગઈ હતી. આ ઘટનાને ભલે ચાર વર્ષ વીતી ગયા હોય પણ આ ઘટનામાં પોતાનો જીવ ગુમાવનાર બાળકોના માતા-પિતા એ દિવસને ક્યારેય ભૂલી શકતા નથી. દર મહિને તક્ષશિલા બિલ્ડિંગની બહાર જઈને પોતપોતાના બાળકોને શ્રદ્ધાંજલિ આપે છે અને સંતાનની યાદમાં તેમની આંખો આજે પણ ભીંજાય છે. આજે ચાર વર્ષ પૂરા થઈ ગયા હોય ત્યારે શ્રદ્ધાંજલિ માટે વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ચાર વર્ષ પહેલાંની ઘટના યાદ કરીને આજે પણ એમની આખો ભીની થઈ જાય છે. તંત્રની બેદરકારીના કારણે થયેલી એ ઘટનામાં ન્યાય માટે આજે પણ માતા-પિતા કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે. તંત્રના કહેવાતા મોટા માથાઓ આજે તેમની આસપાસ પણ ફરકતા નથી, એકલા હાથે જાણે લડતા હોય તેવો તેમને સતત અનુભવ થયા કરે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT