દેશભરની પોલીસની ઊંઘ ઉડાડનારા વોન્ટેડ ગાંજા માફિયાને સુરત પોલીસ ઓડિશાના જંગલમાંથી ઉપાડી લાવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ/સુરત: ઓડિશાથી ગુજરાતમાં ગાંજો પૂરો પાડનાર અને માફિયા તરીકે જાણીતા દીલીપ ગૌડાને પકડવા સુરત પોલીસનું ઓડિશામાં સફળ ઓપરેશન પાર પાડ્યું છે, છેલ્લા બે વર્ષમાં સુરતમાં 3 કરોડ 52 લાખનો ગાંજો મોકલનાર ડ્રગ્સ માફિયાને ઝડપી લેવાયો છે. ઓડિશાના ગાંજા માફિયા બે ભાઈ પૈકી એક સુનિલ પાંડી જેલમાં બંધ અને અનિલ પાંડી વોન્ટેડ હોવાથી ત્રીજા માફિયાને મોકળું મેદાન મળી ગયું હતું. જંગલમાં છુપાઇને રહેતો દીલીપ બેસણામાં ગામ આવ્યો અને સુરત પોલીસ ઓડિશાના જંગલમાંથી ધરપકડ કરીને લઈ આવી.

ગુજરાતમાં કરોડોનો ગાંજો ઘુસાડી ચૂક્યો છે દીલીપ ગૌડા
ઓડિશાના સૌથી મોટા ગાંજા માફિયા પૈકીનાં એક ગણાતાં તથા નક્સલવાદી વિસ્તારમાં આવેલાં ફુલબની અને ગજપતિના જંગલમાં જ છુપાઇને રહી ત્યાં જ ગાંજો ઉગાડી દેશભરમાં સપ્લાય કરતાં ડ્રગ્સ માફિયા દીલીપ ગૌડાને સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. બે વર્ષ પછી પકડાયેલા આરોપી દિલીપ ગૌડા એ ટ્રકમાં ગુપ્ત ખાનું બનાવી સાડા ત્રણ કરોડની કિંમતનાં 7500 કિલો કરતાં પણ વધુ ગાંજો ગુજરાત મોકલી ચુક્યો છે, સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે 2020માં પૂણા વિસ્તારમાંથી 564 કિલો ગાંજો ભરીને ટ્રક પકડી હતી. 2021માં ફરી પૂણા વિસ્તારમાંથી જ પોલીસે 1009 કિલો ગાંજો કબજે કર્યો હતો. આ બંને પ્રકરણમાં ઓડિશાના ગંજામ જિલ્લાના બડાગીડા ગામના દીલીપ ત્રિનાથ ગૌડાનું નામ બહાર આવ્યું હતું.

મોબાઈલ-કારની ચાવી સંભાળવા પણ માણસો રાખતો
ઓડિશાના સૌથી મોટા ગાંજા માફિયા વોન્ટેડ અનિલ પાડી અને સુરત પોલીસના હાથે પકડાયેલો નાનો ભાઈ સુનિલ પાડી માટે એક સમયે કામ કરતો હતો દિલીપ ગૌડા, સુનિલ પાંડીની ધરપકડ અને તેની મિલકતો જપ્ત થતાં જ અને વોન્ટેડ તરીકે જાહેર થતા ભાઈ અનિલ પાંડી ભૂગર્ભમાં ઉતરી જતાં અનાયાસે દીલીપનો સ્ટાર ચમક્યો હતો. હંમેશા ડ્રાઇવર રાખીને ફરતા દીલીપ પાસે બે લક્ઝુરીયસ કાર છે. જ્યારે ઓડિશામાં જ તેના બે બાર પણ હોવાનું જાણવા મળે છે. જેમાં રોજની આવક લાખોમાં છે. મોબાઇલ ફોન અને કારની ચાવી સુધ્ધા રાખવા માણસો રાખતો દીલીપ આવવા જવા ફ્લાઇટનો ઉપયોગ કરે છે. નક્સલવાદી વિસ્તાર કહેવાતાં ફુલબની અને ગજપતિ જિલ્લાના જંગલોમાં ગાંજાનું વાવેતર કરાવી દેશભરમાં સપ્લાય કરતો દિલીપ ગૌડાનો સુરત ગ્રામ્યના કોસંબા અને પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ 1900 કિલોની ઉપરનો ગાંજો સપ્લાય કરવામાં વોન્ટેડ છે.

ADVERTISEMENT

સ્વજનના ઘરે બારમાની વિધિમાં આવતા પકડાયો
છેલ્લા બે વર્ષથી દેશભરની પોલીસ દિલીપ ગૌડાને શોધી રહી હતી, પહેલા પણ બે વખત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઓડિશાથી ખાલી હાથ પરત ફરી હતી, જેથી આ ઓપરેશનમાં સ્થાનિક ઓડિશા પોલીસને અંધારામાં રાખી આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નજીકના સ્વજનનાં 10માં અને 12માંની વિધિમાં વતન આવવાનો હોઇ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી અને તેને કોઇ પણ તક આપ્યા વિના ઊચકી લઇ સીધી સુરત આવી પહોંચી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT