મતગણનાનું કાઉન્ટડાઉન શરૂ: ગાંધી કોલેજની મુલાકાત લઈ મતગણતરીની આખરી તૈયારીઓની સમીક્ષા કરતા જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓક
સુરતઃ ગુજરાતભરમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની મતગણતરીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા બેઠકો માટેની મતગણતરીની તૈયારીઓનો તાગ મેળવવા જિલ્લા ચૂંટણી અધિકારી…
ADVERTISEMENT
સુરતઃ ગુજરાતભરમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની મતગણતરીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા બેઠકો માટેની મતગણતરીની તૈયારીઓનો તાગ મેળવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આયુષ ઓકે એસ. એન્ડ એસ.એસ. ગાંધી કોલેજની મુલાકાત લઈ મતગણતરીની આખરી તૈયારીઓની સમીક્ષા કરી હતી.
મતગણતરીની તૈયારીઓ પૂર્ણઃ કલેક્ટર
જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, સુરત જિલ્લાની ૧૬ વિધાનસભાની બેઠકોની મતગણતરી માટે જિલ્લા ચૂંટણીતંત્ર સજ્જ છે. મતગણતરી માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પાર્કિંગથી લઈને સ્ક્રિનીંગ સુધીની વ્યવસ્થા પૂર્ણ થઈ ગઈ છે. આવતીકાલે તા.૮મીએ ઉમેદવારો અને ઓબ્ઝર્વરની હાજરીમાં સ્ટ્રોંગરૂમ ખોલવામાં આવશે, ત્યારબાદ આવતીકાલે ૮.૦૦ વાગ્યે મતગણતરી હાથ ધરાશે.
કોણ કોણ જોડાયું
કલેક્ટરે ફરજ પરના અધિકારીઓને ચૂંટણી ફરજ સંદર્ભે આવશ્યક સૂચનાઓ આપી હતી. કલેક્ટર સાથે જિલ્લા પોલીસ વડા હિતેષ જોયસર, અધિક પોલીસ કમિશનર શરદ સિંઘલ સહિત જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ જોડાયા હતા. નોંધનીય છે કે, સુરત શહેરની એસ.વી.એન.આઈ.ટી. કોલેજ ખાતે ૬ તથા એસ. એન્ડ એસ.એસ. ગાંધી કોલેજ ખાતે ૧૦ વિધાનસભા બેઠકોની મતગણતરી થશે. જેમાં SVNIT ખાતે ૧૫૯-સુરત પૂર્વ, ૧૬૦-સુરત ઉત્તર, ૧૬૧-વરાછા રોડ, ૧૬૨-કરંજ, ૧૬૩-લિંબાયત, ૧૬૫-મજુરા વિધાનસભા જ્યારે ગાંધી કોલેજમાં ૧૫૫-ઓલપાડ, ૧૫૬-માંગરોળ, ૧૫૭-માંડવી, ૧૫૮-કામરેજ, ૧૬૪- ઉધના, ૧૬૬-કતારગામ, ૧૬૭ -સુરત પશ્ચિમ, ૧૬૮-ચોર્યાસી, ૧૬૯- બારડોલી, ૧૭૦-મહુવા વિધાનસભાની મતગણતરી હાથ ધરવામાં આવશે.
ADVERTISEMENT
(વીથ ઈનપુટઃ સંજયસિંહ રાઠોડ, સુરત)
ADVERTISEMENT