ઋતિક રોશનની સુપર 30 જેવી સુરતના શિક્ષકની કહાનીઃ આર્થિક કારણથી ડ્રોપ આઉટ કરનાર 65 વિદ્યાર્થિનીઓ થઈ પાસ
સુરતઃ આજે જ્યારે શિક્ષણ એક બજારમાં વેચાતી વસ્તુ બની ગઈ છે, મોંઘીદાટ ફી અને અવનવી રાજકીય પાર્ટનરશિપ્સને કારણે શિક્ષા અને વિદ્યાર્થી વચ્ચેનું અંતર વધતુ જઈ…
ADVERTISEMENT
સુરતઃ આજે જ્યારે શિક્ષણ એક બજારમાં વેચાતી વસ્તુ બની ગઈ છે, મોંઘીદાટ ફી અને અવનવી રાજકીય પાર્ટનરશિપ્સને કારણે શિક્ષા અને વિદ્યાર્થી વચ્ચેનું અંતર વધતુ જઈ રહ્યું છે ત્યારે સુરતના એક શિક્ષકની કહાની ખરેખર સલામ કરી દેવાય તેવી છે. આજે જ્યારે ધોરણ 12ના કોમર્સ પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ત્યારે સુરતના આ શિક્ષક દ્વારા સામાન્ય પ્રવાહમાં 73 વિદ્યાર્થિનીઓ કે જેમણે આર્થિક કારણોસર ડ્રોપ આઉટ કરી દીધું હતું તેમને એક્સટર્નલ તરીકે પરીક્ષા અપાવી અને આજે જ્યારે પરિણામ આવ્યું છે ત્યારે 65 વિદ્યાર્થિનીઓ પાસ થઈ ગઈ છે.
કોણ છે આ શિક્ષક
આપણે ત્યાં શિક્ષકને સૃષ્ટિનો સર્જનકાર કહેવાયો છે, કારણ કે શિક્ષક આવનારી પેઢીના વિચારો અને તેના વર્તનને એવી રીતે ઘડતર આપી શકે છે કે તેના કારણે ભાવી વિશ્વ કેવું બને તે પણ જોઈ શકાય છે. આજના જમાનામાં ઘણા એવા શિક્ષકો છે કે જેમણે શિક્ષણ આપવા માટે પોતાના સર્વસ્વને ખર્ચ્યું હોય. નાની-મોટી કોઈપણ કામગીરીથી શિક્ષાનો અવિરત પ્રવાહ એવા વંચિતો માટે પણ વહેતો રાખ્યો છે અને તેના અઢળક ઉદાહરણો પણ છે. આવા જ એક ઉદાહરણ સુરતના એક શિક્ષક પણ બન્યા છે. એક ન્યૂઝ વેબસાઈટના અહેવાલ પ્રમાણે સુરતની સરકારી શાળા નં. 114 સંત ડોંગરેજી મહારાજના આચાર્ય નરેશ મહેતાએ આર્થિક કારણોથી ડ્રોપ આઉટ કરી દેનારી ધોરણ 10 અને 12ની દીકરીઓને પરીક્ષા એક્સટર્નલ તરીકે અપાવી છે. છેલ્લા 8 વર્ષથી શિક્ષક આ પ્રમાણે નિઃસ્વાર્થે વિદ્યાર્થિનીઓને તૈયારીઓ કરાવે છે.
સુરત ભાજપના 4 કોર્પોરેટર ખોવાયા હોવાની પોસ્ટ સોશ્યલ મીડિયા પર થઈ ફરતી
17 વર્ષ પછી આપી પરીક્ષા અને મેળવ્યા 69 ટકા
હાલમાં જ બોલિવુડ ફિલ્મ સુપર 30માં ઋતિક રોશને એક શિક્ષકનું કિરદાર નિભાવ્યું હતું. જેમાં તે કહે છે કે, રાજા વહી બનેગા જો કાબિલ હોગા, રાજા કા બેટા રાજા નહીં હોગા. શિક્ષાનો અધિકાર આમ તો આપણા બંધારણે તમામને આપ્યો છે. જોકે તેમ છતા સંજોગોવત ઘણા બાળકો શિક્ષાથી વંચિત રહી જાય છે. કેટલાક એટલા નસીબદાર તો હોય છે કે તેમનો હાથ પકડવા આવા કેટલાક શિક્ષકો આવી જાય છે. આ 73 દિકરીઓ પણ આવી જ નસીબદાર છે. તેમણે ધોરણ 12ની પરીક્ષા આપી, શિક્ષકે તેમને તૈયારી પણ કરાવી. આખરે પરિણામમાં 65 વિદ્યાર્થિનીઓ પાસ થઈ છે. જે વિદ્યાર્થિનીઓ પાસ થઈ શકી નથી તેમને અહીં નિરાશ થવાની જરૂર નથી. આવનારો સુરજ કદાચ તેનાથી વધારે ઉગમણો હશે તેમ વિચારી વધુ પ્રબળતાથી આગળ વધવાનું છે. આ વિદ્યાર્થિનીઓ પૈકીના નયનાબેન આહીરે તો 12 વર્ષ પછી પરીક્ષા આપી છે તેમણે 73 ટકા અને 17 વર્ષ પછી પરીક્ષા આપનાર તૃપ્તિબેને 69 ટકા મેળવ્યા છે. ઘર પરિવારની જવાબદારીઓ વચ્ચે તેમણે ઉજવળ પરિણામ મેળવ્યું છે.
ADVERTISEMENT
ઓનલાઈન પણ ભણી છે 250 વિદ્યાર્થિનીઓ
એટલું જ નહીં ઓનલાઈન શિક્ષણ થકી સમગ્ર ગુજરાતમાં 250 જેટલી વિદ્યાર્થિનીઓને વર્ગ આપવામાં આવ્યા છે. ડાંગ, તાપી, સુરત, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, દ્વારકા, નવસારી જેવા ઘણા જિલ્લાઓની વિદ્યાર્થિનીઓ નરેશભાઈ પાસે ઓનલાઈન શિક્ષણ મેળવી ચુકી છે.
ADVERTISEMENT