વિકાસ ધોવાઇ ગયો! હજી તો બની રહ્યો હતો ત્યાં જ બ્રિજ થયો ધરાશાયી

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ/આણંદ : એક તરફ ભાજપ સરકાર વિકાસની વાતો કરી રહી છે, ત્યારે બીજી બાજુ આણંદ શહેરની બોરસદ ચોકડી પર નિર્માણાધિન ઓવર બ્રિજમાં ગાબડા પડતા બ્રીજની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. કારણ કે બ્રિજના મધ્યમાંથી પાલિકાની પાણીની પાઇપલાઇન લીકેજ થતા બ્રીજનો એક ભાગ ધોવાઈ ગયો છે.

આણંદમાંથી પસાર થતા દાંડીમાર્ગ પર બોરસદ ચોકડી પર રેલવે ઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ રેલવે ઓવરબ્રીજ 17 ઓગષ્ટ 2020 માં 52 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાલ આ બ્રિજનું મહત્તમ કામગીરી પૂર્ણ થઈ છે. જોકે આણંદ તરફના રેમ્પમાં માટી પાથર્યા બાદ તેના પર ડામર પાથરવાની જ કામગીરી બાકી રહી છે. પરંતુ આજે આ બ્રિજના આણંદ તરફ જતા છેડાની નીચેથી પસાર થતી નગરપાલિકાની પાણીની લાઈનમાં ભંગાણ થતાં હજારો લિટર પાણી બહાર આવવા લાગ્યું, આ પાણી સીધું બ્રિજ નીચે જતા માટીનું ધોવાણ શરૂ થઈ ગયું. હજુ તો કોન્ટ્રાક્ટર કઈ સમજે કે કોઈ નિર્ણય લે તે પહેલા જ માટીનું મોટા પ્રમાણમાં ધોવાણ થઈ જતા બ્લોકનું સંતુલન બગડી ગયું અને ધડાકા ભેર એક તરફની દિવાલ ધરાશાયી થઈ ગઈ અને અનેક બ્લોક પણ તૂટી ગયા. આ ઘટના બનતા બ્રિજને ત્રણથી ચાર કરોડ રૂપિયાનું ભારે નુકસાન થઈ ગયું, જેને લઈને હવે આણંદ તરફના છેડાનું કામ નવેસરથી કરવાની ફરજ પડી છે. આ બ્રિજ બનવાની કામગીરી લંબાઈ છે.

મહત્વની વાત એ છે કે , રેલવે ઓવર બ્રિજ બનવાની કામગીરી શરૂ કરતાં પહેલાં તે સ્થળે પાલિકાની મિલકતો ખસેડવી જરૂરી બને છે. જેમાં ગટર લાઈન , પાણીની લાઈનો પણ સમાવેશ થાય છે. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને કામ પણ પૂર્ણ થવામાં હતું. દરમિયાન જ લાઈન તૂટી જતા બ્રિજને ભારે નુકસાન થયું છે. હવે આ ઘટના બન્યા બાદ એકાએક જાગેલા કોન્ટ્રાક્ટર દ્વારા લાઈન શિફ્ટ કરવામાં આવશે. ત્યારે હાલ તો આ લાઈન બદલવાની જવાબદારી પાલિકાની હતી કે પછી કોન્ટ્રાક્ટરની તે પ્રશ્ન પ્રજામાં ચર્ચાઈ રહ્યો છે. સાથે જ શિફ્ટિંગ પહેલા જ બ્રિજની કામગીરી શા માટે શરૂ કરી દેવામાં આવી તે પણ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.

ADVERTISEMENT

આણંદમાંથી પસાર થતાં દાંડીમાર્ગ પર રેલ્વે ઓવરબ્રીજ બનાવવાની કામગીરી બે વર્ષમાં પૂર્ણ કરવાની હતી. પરંતુ આ કામગીરી હજી પણ પૂર્ણ થઈ નથી. અને એવામાં એક તરફના બ્રિજની દિવાલ ધરાસાઈ થતાં હવે આ કામગીરી લંબાઈ ગઈ છે. સાથે જ આ બ્રિજને પણ ત્રણથી ચાર કરોડ રૂપિયાનું ભારે નુકસાન થયું છે. ત્યારે હવે આ સમગ્ર ઘટનામાં કોની સામે પગલા લેવાય છે તે જોવું રહ્યું.

    follow whatsapp

    ADVERTISEMENT