15મી જૂને નલિયા-માંડવી વચ્ચે 135 કિમીની ઝડપે ટકરાશે વાવાઝોડું, સ્કાયમેટ-IMD બંનેએ આપ્યું એલર્ટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિશાળી વાવાઝોડા બિપોરજોય તીવ્ર ચક્રવાતમાં ફેરવાયું છે. વારંવાર દિશા બદલતું વાવાઝોડું પહેલા જખૌના દરિયાકાંઠે ટકરાવવાનું હતું. હવે ફરી તેની દિશા બદલાતા તે નલિયા અને માંડવી વચ્ચે ટકરાવવાનું અનુમાન સ્કાયમેટ દ્વારા કરવામાં આવ્યું છે. જેના કારણે આ વિસ્તારમાં વાવાઝોડું લેન્ડફોલ કરશે અને ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે. ઓખા બંદર પર ગ્રેટ ડેન્જર વોર્નિંગ સિગ્નલ 9 લગાવવામાં આવ્યું છે. વાવાઝોડાનું હાલમાં PMOમાંથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

15મી જૂને ગુજરાતના કાંઠે ત્રાટકશે વાવાઝોડું
સ્કાયમેટની આગાહી મુજબ, બિપોરજોય વાવાઝોડાનું જોખમ પહેલા ગુજરાતમાં નહોતું, પરંતુ દિશા બદલાતા હવે ગુજરાત પર ખતરો ખૂબ વધી ગયો છે. 15મી જૂને તે ગુજરાતના તટ સાથે ટકરાશે. 15 તારીખે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. આ બાદ 16-17 તારીખે રાજસ્થાનના વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળશે. વાવાઝોડાનું લેન્ડફોલ ભારતમાં હોવા છતાં પાકિસ્તાનને પણ એટલું જ જોખમ રહેશે. વાવાઝોડું આગળ વધતા હરિયાણા અને દિલ્હીમાં પણ 18 અને 19 તારીખે ભારે વરસાદ પડશે.

ADVERTISEMENT

હવામાન વિભાગની એલર્ટ રહેવાની આગાહી
તો હવામાન વિભાગ મુજબ પણ આગામી 14 તારીખે કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 15મી તારીખે કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરીને અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આ દરમિયાન ત્રણેય જિલ્લામાં 125-135 કિમીની ઝડપે પવન ફૂંકાશે તો, મોરબીમાં 100થી 120 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

જામનગરમાં કલમ 144 લાગુ
જામનગરમાં બીપોરજોય વાવાઝોડાને પગલે સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર છે. સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા જામનગરના દરિયા કિનારા વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે અને વ્યક્તિઓની અવરજવર, પશુઓ લઈ જવા પર પ્રતિબંધ મુકાયો છે. જ્યારે મહાનગરપાલિકા હસ્તકની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં તારીખ 12,13,14 ના રોજ રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં એક દિવસની બાળકો માટે રજા જાહેર કરાઈ છે. જિલ્લા શિક્ષણઅધિકારીએ પણ સરકારી, અર્ધ સરકારી અને ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવા આદેશ આપ્યા છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

દ્વારકામાં સ્કૂલોમાં 2 દિવસની રજા જાહેર
તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ બિપોરજોય વાવાઝોડાથી 125 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, તો દરિયામાં 25થી 30 ફૂટ ઊંચા મોજા ઉછળી શકે છે. એવામાં દ્વારકા જિલ્લામાં 15 તારીખે રેડ એલર્ટ જાહેર કરાયું છે અને અત્યાર સુધીમાં હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. દ્વારકામાં જિલ્લાની તમામ સ્કૂલોમાં 2 દિવસની રજા જાહેર કરવામાં આવી છે, તો 15મી જૂને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મુંદ્રા પોર્ટ પર 4 નંબરનું સિગ્નલ લાગ્યું
કચ્છમાં પણ બિપોરજોય વાવાઝોડાની ભારે અસર જોવા મળશે. પરિણામે મુદ્રા પોર્ટ પર 4 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. નાના જહાજોનું સંચાલન ચાલી રહ્યું છે અને સાવધાનીના ભાગ રૂપે મોટા જહાજોને દરિયામાં જ રહેવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે.

પોરબંદરમાં પણ તંત્ર સજ્જ
પોરબંદરમાં પણ બીપોરજોય વાવાઝોડાને લઈ બંદર પર 4 નંબરનુ સિગ્નલ લગાડવામા આવ્યું હતું. વાવાઝોડાને લઈને પોરબંદરના જીલ્લા કલેકટર કે.ડી લાખાણીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાને લઈને રેવન્યુ, પોલીસ, એનડીઆરએફ, કોસ્ટ ગાર્ડ અને નેવીની ટીમો સતત સંકલનથી કામગીરી કરી રહી છે અને કોઈપણ પરિસ્થિતીને પહોંચી વળવા માટે તંત્ર સજજ છે.

જાફરાબાદના દરિયામાં વિશાળ મોજા ઉછળ્યા

જાફરાબાદના દરિયાકિનારે 30 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા
બિપોરજોય વાવાઝોડાની આફત જેમ જેમ ગુજરાત તરફ આગળ ધપી રહ્યું છે તેમ તેમ અમરેલી જિલ્લાના જાફરાબાદનો દરિયો વધુ ગાંડોતૂર બનીને કિનારા પર ત્રાટકી રહ્યો છે. રવિવારે દરિયામાં 30-30 ફૂટના મોજાઓ કિનારા સાથે ધડાકાભેર અથડાયા હતા. જાણે દરિયો જાફરાબાદ બંદરને ઘમરોળી નાખવા આતુર બન્યો હોય તેમ વિશાળ મોજાંઓની થપાટ કિનારા સાથે અથડાઇ રહી હતી. 30 ફૂટ ઉપરાંતના મોજોથી જાફરાબાદ વાસીઓની ચિંતામાં વધારો જોવા મળ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT