કાલાવાડમાં અપહરણ-હત્યા કેસમાં 14 વર્ષથી ફરાર વોન્ટેડ આરોપીને રાજકોટ પોલીસ આગ્રાથી પકડી લાવી
રાજકોટ: જામનગરના કાલાવાડમાં આવેલા આણંદપર ગામમાં જમીનની તકરારમાં 2009માં ચનાભાઈ નામના વ્યક્તિનું અપહરણ કરીને હત્યા કરવાના ગુનામાં 14 વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં…
ADVERTISEMENT
રાજકોટ: જામનગરના કાલાવાડમાં આવેલા આણંદપર ગામમાં જમીનની તકરારમાં 2009માં ચનાભાઈ નામના વ્યક્તિનું અપહરણ કરીને હત્યા કરવાના ગુનામાં 14 વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી ગજેન્દ્રસિંહ ઉર્ફે સોનુ ઠાકુર આગ્રામાં રહેતો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે રાજકોટ ગ્રામ્ય LCBના વી.વી ઓડેદરા તથા PSI આર.કે ગોહિલની ટીમ આગ્રા પહોંચી હતી. અહીં પોલીસે બે દિવસ સુધી રીક્ષા ચાલક બનીને રેકી કરી અને તાજનગર પાસે આવેલા આશ્રમ પાસેથી આરોપી ગજેન્દ્રસિંહને ઝડપી લીધો હતો.
2009માં જમીનની અદાવતમાં અપહરણ બાદ વ્યક્તિની હત્યા કરી હતી
વિગતો મુજબ, વર્ષ 2009માં જમીન તકરારમાં મૃતક ચનાભાઈનું અહરણ કરીને દસ્તાવેજ લખાવી લેવા માટે ચનાભાઈના ભત્રીજા પાસેથી ગજેન્દ્રસિંહ ઠાકુરે 7 લાખની સોપારી લીધી હતી. પરંતુ ચનાભાઈએ જમીનના દસ્તાવેજ પર સહી ન કરતા તેમની હત્યા કરીને ગજેન્દ્રસિંહ તથા તેના સાગરીતોએ લાશને કારમાં વલસાડ લઈ જઈને તાપી નદીમાં ફેંકી દીધી હતી. જોકે 6 મહિના બાદ ગજેદ્રસિંહનો સાગરીત પકડાતા તેની કબુલાતના આધારે સમગ્ર હત્યાનો ભેદ ખુલ્યો હતો.
આરોપી આગ્રામાં છુપાઈને રહેતો હતો
ચનાભાઈની હત્યા બાદ ફરાર આરોપી ગજેન્દ્રસિંહ ઠાકુર પોલીસ પકડથી બચવા માટે આગ્રામાં સંજૂ સિસોદિયા બનીને રહેતો હતો. તેણે આ નામથી નવું આધારકાર્ડ પણ બનાવડાવી લીધું હતું. આગ્રાની ફેક્ટરીમાં આ બાદ તે ડ્રાઈવર તરીકે નોકરીએ લાગી ગયો હતો. બાતમીના આધારે રાજકોટ પોલીસે બે દિવસ સુધી ત્યાં પહોંચી અને રીક્ષા ચાલક બનીને બે દિવસ સુધી તેની તપાસ કરતા રહ્યા અને બાદમાં તેને ઝડપી લીધો હતો.
ADVERTISEMENT
115 વિઘા જમીનમાં તકરારનો મામલો હતો
આ કેસમાં મૃતક ચનાભાઈ તથા તેના ભાઈઓ મકનભાઈ અને ભૂરાભાઈ કાલાવડ તાલુકાના આનંદપર ગામે રહેતા હતા. તેમની સંયુક્ત 115 વિઘા જમીન હતી. જેમાં ભૂરાભાઈના લગ્ન જીવનમાં અણબનાવ થતા તેમની પત્ની બાળકોને લઈને પિયર જતી રહી હતી. બાદમાં ભુરાભાઈના પુત્રો રાજકોટ રહેવા આવતા રહ્યા. બીજી તરફ ભૂરાભાઈએ આણંદપરમાં પોતાના ભાગની જમીન બંને ભાઈઓને બેચી દીધી હતી. આ પછી તેમના પુત્રએ પિતાની જમીનમાં ભાગ માગવા ચનાભાઈ વિરુદ્ધ કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસ હારી જતા તેનો ખાર રાખીને ભૂરાભાઈના પુત્ર બાબુએ સોપારી આપીને કાકા ચનાભાઈનું અપહરણ કરાવ્યું હતું અને જમીન પોતાના નામે કરાવવાનો પ્રયાસ કર્યો હતો.
ADVERTISEMENT