'ક્ષાત્ર ધર્મ યુગે યુગે', રૂપાલા સામે ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં, ઠેર-ઠેર લાગ્યા બેનરો
Parshottam Rupala Controversy: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા (Parshottam Rupala) દ્વારા કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ ઠરવાનું નામ નથી લઈ રહ્યો.
ADVERTISEMENT

સમાચાર હાઇલાઇટ્સ

પરસોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીથી આક્રોશ

ક્ષત્રિય સમાજની ત્રણ-ત્રણવાર માફી માંગી લીધી

ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશબંધીના બેનરો લાગ્યા
Parshottam Rupala Controversy: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા (Parshottam Rupala) દ્વારા કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ ઠરવાનું નામ નથી લઈ રહ્યો. પરસોત્તમ રૂપાલાએ પોતાના નિવેદન પર ક્ષત્રિય સમાજની ત્રણ-ત્રણવાર માફી માંગી લીધી છે, પરંતુ ક્ષત્રિયો જરાપણ કૂંણા પડવાના મૂડમાં નથી લાગતા. ગુજરાતમાં ઠેર ઠેર પરસોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે. પરસોતમ રૂપાલા અને ક્ષત્રિય વિવાદ હવે ગામડે ગામડે પહોંચ્યો છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશબંધીના બેનરો લાગ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ ન થાય ત્યાં સુધી ભાજપના કોઈ નેતાએ પ્રચાર કરવા માટે આવવું નહીં.
સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વિરોધ
રાજા-રજવાડા પર કરેલા નિવેદન બાદ પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા સભાઓ ગજવવામાં આવી રહી છે. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિયાણીઓ પણ રસ્તાઓ પર ઉતરી છે. ગામડાઓમાં ભાજપ નેતાની પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં ક્ષત્રિય સમાજ દ્વારા બેનરો લગાવવામાં આવ્યા છે. ઓલપાડ અને માંગરોળ તાલુકાના ગામોમાં બેનરો લાગ્યા છે. ક્ષત્રિય સમાજે ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે.

દ્વારકાના ભાતેલ ગામે લાગ્યા પોસ્ટરો
દ્વારકાના ભાતેલ ગામના પ્રવેશ દ્વાર પર ક્ષત્રિય સમાજના લોકોએ બેનર લગાવ્યા છે. જેમાં લખ્યું છે કે, ક્ષાત્રધર્મ યુગે યુગે અમે સમસ્ત ક્ષત્રિય રાજપુત સમાજ - ભાતેલ વિરોધ કરીએ છીએ કે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ ભાતેલ ગામમાં આવવું નહીં અને સમસ્ત ભાતેલ ગામ ચૂંટણીનો બહિષ્કાર કરે છે.
ADVERTISEMENT

પરસોત્તમ રૂપાલા સામે જૂનાગઢમાં પણ વિરોધ
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને જૂનાગઢમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. 5 ગામોના ભાટી ગરાસીયા રાજપૂત સમાજે જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. જૂનાગઢ જિલ્લાના ભાટી ગરાસીયા રાજપૂત સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. જો તેમની ટિકિટ કેન્સલ કરવામાં નહીં આવે તો ભાટી રાજપૂત સમાજ ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રાજપૂત સમાજે કહ્યું કે, કમલ કા કુલ અમારી ભુલનો નારો બુલંદ બનાવી કરીશું વિરોધ.
વડોદરાના ગામડામાં લાગ્યા પોસ્ટરો
વડોદરાના ડભોઈ તાલુકામાં પણ પરસોત્તમ રૂપાલાનો વિરોધ સામે આવ્યો છે. સાઠોદ ગામના મુખ્ય દ્વાર પર રાજપૂત સમાજે જેસીબીની મદદથી ભાજપના કાર્યકરોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું બેનર લગાવ્યું છે. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે, જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ન રદ ન થાય ત્યાં સુધી કોઈપણ ભાજપના કાર્યકર કે આગેવાનોએ ગામમાં પ્રવેશ કરવો નહીં.
ADVERTISEMENT
ADVERTISEMENT