કોફીના પેકેટમાં ચરસ ઘુસાડવાનું ષડયંત્ર! ગીર સોમનાથના દરિયાકાંઠેથી પાકિસ્તાનના માર્કાવાળા 160 પેકેટ મળ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશલ જોશી/ગીર સોમનાથ: ગુજરાતના દરિયાકાંઠેથી દેશભરમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યું છે. આ પહેલા કચ્છ, જામનગર તથા પોરબંદરમાંથી ડ્રેગ્સને ઘુસાડવાનો પર્દાફાશ થયો હતો ત્યારે હવે ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારેથી ચરસ જેવો શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો છે. ગીરસોમનાથ જિલ્લાના સમુદ્ર કિનારેથી મળી આવેલ નશીલા પદાર્થના મામલે જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી. જેમાં શંકાસ્પદ ચરસ જેવો 160 કિલો પદાર્થ મળી આવ્યાની વાત સ્વીકારી હતી. સાથે એક બેગ પણ મળી આવી છે જેના પર પાકિસ્તાનની હબીબ સુગર મિલનો માર્ક અને મેડ ઈન પાકિસ્તાનનો માર્ક મળ્યો છે. જેથી રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ પણ કેસમાં સામેલ થઈ શકે છે.

પાણીમાં તરતા પેકેટમાં ચરસ હોવાનું અનુમાન
વેરાવળ તાલુકાના આદ્રી ગામથી સોમનાથ નજીકના લાટી ગામ સુધીના દરિયા કિનારાના કોસ્ટલ બેલ્ટ પરથી કોફીના પેકેટો મળી આવ્યા હતા જેમાં ચરસ હોવાની આશંકા સેવાઈ રહી છે. 160 પેકેટ 1-1 કિલોના મળી 160 કિલોનો જથ્થો પોલીસે કબજે કર્યો છે. આ શંકાસ્પદ નશાકારક દ્રવ્યોના પેકેટો સાથે એક બેગ પણ મળી આવી છે જેના પર પાકિસ્તાનની હબીબ સુગર મિલનો માર્ક અને મેડ ઈન પાકિસ્તાનનો માર્ક મળ્યો છે. જેથી રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ પણ આ કેસમાં સામેલ થાય તેવી શક્યતાઓ છે. આ જથ્થો દરિયાની મધ્યે કોઈ બોટમાંથી પકડાવાની બીકે ફેકી દેવાયો હોય તેમ પણ બની શકે છે. જે બાદમાં દરિયાની ભરતીમાં તરતો તરતો કાંઠે પહોંચ્યો હોઈ શકે છે.

જિલ્લાના કોસ્ટલ બેલ્ટ પર 10 ટીમોનું સઘન પેટ્રોલિંગ
પોલીસના અનુમાન અનુસાર આ પદાર્થ ચરસ લાગી રહ્યો છે. જો તે ચરસ હોય તો આ અંદાજે 2.5 કરોડનો જથ્થો છે તેમ કહી શકાય. ત્યારે જિલ્લા પોલીસની તમામ બ્રાન્ચ અને પોલીસ સ્ટાફ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની મદદ સાથે ફૂટ પેટ્રોલિંગ કરીને સમગ્ર જિલ્લાનો દરિયા કિનારો ફંફેડી રહ્યા છે. અને આ સર્ચ ઓપરેશન હજુ કાલે પણ ચાલનાર છે. જિલ્લાના કોસ્ટલ બેલ્ટ પર 10 ટીમોનું સઘન પેટ્રોલિંગ ચાલુ છે. ત્યારે હાલમાં જ ગુજરાતમાં નશો ઘૂસાડવો શક્ય નથી એવા ઓડિયો ક્લિપ વાઇરલ થયાને થોડાજ દિવસમાં સેંડકો કિલો નશો ગુજરાતમાં તટો પર તરતો આવ્યો છે જેને કારણે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ કામે લાગી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT