પાવાગઢમાં હવેથી છોલેલું શ્રીફળ લઈ જવા અને વધેરવા પર પ્રતિબંધ મૂકાયો, મંદિર ટ્રસ્ટે આવું કારણ આપ્યું
શાર્દુલ ગજ્જર/ પાવાગઢ: હાલમાં એકબાજુ અંબાજી મંદિરમાં પ્રસાદને લઈને ટ્રસ્ટે કરેલા નિર્ણયથી માઈભક્તો રોષમાં છે. ત્યારે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રીફળને લઈને નિર્ણય લેવાતા ભક્તો…
ADVERTISEMENT
શાર્દુલ ગજ્જર/ પાવાગઢ: હાલમાં એકબાજુ અંબાજી મંદિરમાં પ્રસાદને લઈને ટ્રસ્ટે કરેલા નિર્ણયથી માઈભક્તો રોષમાં છે. ત્યારે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રીફળને લઈને નિર્ણય લેવાતા ભક્તો રોષમાં છે. પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્વચ્છતાનું કારણ ધરીને મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે કે ભક્તોએ શ્રીફળ માતાજીને ધરાવી ઘરે જવાનું રહેશે તેને મંદિરમાં વધેરી શકાશે નહીં.
પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા શું નિર્ણય લેવાયો?
પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતાનું કારણ ધરીને નિર્ણય લેવામાં આવ્યો છે કે ભક્તો છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી શકશે નહીં. આખું શ્રીફળ મંદિરમાં લાવી માતાજીને ધરાવી શકશે અને ચૂંદડી સાથે તેને ઘરે લઈ જઈ શકશે. આ શ્રીફળને ચુંદડીમાં બાંધી ઘરે મંદિરમાં મૂકવા અછવા તો પછી શ્રીફળને ઘરે જઈને વધેરી તેનો પ્રસાદ કરી શકશે. જે વેપારીઓ પાસેથી છોલેલું શ્રીફળ મળશે તેઓની સામે પવિત્ર સ્થાનમાં સ્વચ્છતા રાખવામાં સહકાર નહીં આપવા તથા ગંદકી કરવા બદલ નિયમોનુસાર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટના સિક્યુરિટી ગાર્ડ શક્તિ દ્વારથી એટલે કે દુધિયા તળાવથી ચેક કરશે અને છોલેલું શ્રીફળ ઉપર લાવવા દેશે નહીં. સિક્યુરિટી સાથે તકરાર કરનાર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.
ક્યાથી લાગુ થશે નિર્ણય?
મંદિર ટ્રસ્ટ દ્વારા આજે 14મી તારીખે આ સૂચના આપવામાં આવી છે અને નવા નિર્ણયોનો અમલ આગામી 20મી માર્ચને સોમવારથી થશે. ત્યારે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી વેપારીઓ સાથે સાથે શ્રદ્ધાળુઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
અંબાજીમાં પણ પ્રસાદને લઈને વિવાદ ચાલી રહ્યો છે
નોંધનીય છે કે, એકબાજુ અંબાજી મંદિરમાં ટ્રસ્ટ દ્વારા મોહનથાળનો પ્રસાદ બંધ કરીને માત્ર ચિક્કીનો જ પ્રસાદ ચાલુ રાખવામાં આવતા માઈભક્તોમાં ભારે રોષ છે. હિન્દુ સંગઠનો પણ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે મંદિરમાં ચિક્કીનો જ પ્રસાદ ચાલુ રહેશે અને મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ નહીં થાય. ત્યારે હવે જોવાનું રહેશે કે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયેલા આ નિર્ણયની આગામી સમયમાં શું અસર થશે.
ADVERTISEMENT