જૈન સમાજ લાલઘુમઃ પાવાગઢમાં જૈન તીર્થંકરોની વર્ષો જૂની મૂર્તિઓ ખંડિત કરાઈ, ગુજરાતભરમાં વિરોધ

ADVERTISEMENT

Pavagadh News
જૈન સમાજ આકરાપાણીએ
social share
google news

Pavagadh News : પાવાગઢ ખાતે આવેલા પૌરાણિક જૈન તીર્થકરોની મૂર્તિઓ ખંડિત કરવામાં આવતા જૈન સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. વડોદરા, સુરત સહિત રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાંથી જૈન સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં પાવાગઢ પહોંચ્યા છે. પાવાગઢ નિજ મંદિર જવાના જૂના રસ્તે પ્રતિષ્ઠિત પૌરાણિક મૂર્તિઓ હટાવાતા વિવાદ સર્જાયો છે. જૈન સમાજની એક જ માંગ છે કે આવું કૃત્ય કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

આ મામલો હાઈકોર્ટમાં લઈ જવાશેઃ જૈન અગ્રણી

જૈન અગ્રણીનો આક્ષેપ છે કે, મહાકાળી માતા મંદિરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે તે સારી વાત છે પણ કોઈના ઈશારે પાવાગઢમાં હજારો વર્ષ પ્રાચીન શ્વેતાંબર જૈન મૂર્તિઓને ખંડિત કરીને, ઉખાડીને ફેંકી દેવામાં આવી છે. આ ઘટનાથી જૈન સમાજમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડયા છે. અન્ય એક જૈન અગ્રણીએ કહ્યું કે, આ મામલો હાઇકોર્ટમાં લઇ જવાશે. દરેક શહેરમાં જૈનચાર્યો કલેક્ટરને મળીને આ મામલે આવેદનપત્ર આપી રજૂઆત કરશે. જ્યાં સુધી મૂર્તિઓ પુનઃ સ્થાપિત નહી થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. 

આવું કૃત્ય કરનારને સખત સજા કરવામાં આવેઃ પ્રેમ વિજયજી મહારાજ

પાવાગઢમાં મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હોવાની જાણ થતાં જ જૈન સમાજ લાલઘુમ થઈ ગયો હતો. આ મામલે મોડી રાત્રે જૈન સમાજના મોટી સંખ્યામાં લોકોએ સુરત કલેક્ટર ઓફિસે ભેગા થઈને ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે જૈન સમાજના જીન પ્રેમ વિજયજી મહારાજે આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે પાવાગઢની ઘટનાનો અમે વિરોધ કરીએ છે. જૈન સમાજ દ્વારા સરકાર સામે બે માગણીઓ મુકાઈ છે, જેમાં પાવાગઢની ઘટનામાં ગુનેગારોને સખતમાં સખત સજા કરવામાં આવે અને જે જગ્યાએ દેરાસરમાં આ ઘટના બની છે ત્યાં જિર્ણોધ્ધાર કરી જૈન સમાજને જગ્યા સુપરત કરવામાં આવે.

ADVERTISEMENT

શું છે સમગ્ર મામલો?

પાવાગઢ ધામ એ મુખ્યત્વે મહાકાળી માતાનું મંદિર માનવામાં આવે છે અને તે આસ્થાનું કેન્દ્ર છે. આ સાથે યાત્રાધામ પાવાગઢમાં જૈનોના આસ્થાના કેન્દ્ર સમા ભગવાન નેમિનાથ સહિત તીર્થકરોની મૂર્તિઓ આવેલી છે. પાવગઢ ડુંગર ઉપર મંદિર તરફ જવા માટે જૂના દાદરા છે, તેની બંને બાજુ ગોખલાઓમાં 22મા તીર્થકર નેમિનાથ ભગવાન સહિત 7 મૂર્તિઓ હજારો વર્ષોથી સ્થાપિત છે. જૈનો ત્યાં દરરોજ સેવા પૂજા માટે જાય છે. તો જૈન શ્રદ્ધાળુઓ તેના દર્શન માટે જાય છે. 

જૈન સમાજમાં ઉગ્ર રોષ 

ત્યારે વિકાસના નામે જૈન તીર્થકરોની મૂર્તિઓ ખંડિત કરીને ઉખાડી નાખવામાં આવ્યો છે. આ ઘટનાથી જૈન સમાજમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે. આ મૂર્તિઓને પુનઃ સ્થાપિત કરવાની અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની જૈન સમાજની માંગણી છે. 

ADVERTISEMENT


ઈનપુટઃ જયેન્દ્ર ભોઈ, પંચમહાલ
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT