મોરબીના પુલનું કામ કરનારી Oreva કંપની અંગેઃ એક સામાન્ય શિક્ષકે 15000માં શરૂ કરેલી આ કંપની કેવી રીતે બની ગઈ કરોડોની, જાણો

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબીઃ મોરબીની મચ્છુ નદી પરનો ઝુલતો બ્રિજ રવિવારની સાંજે તૂટી પડ્યો અને મોતનો તાંડવ સમગ્ર વિશ્વએ જોવાનો થયો. માત્ર મોરબી જ નહીં, કે માત્ર ગુજરાત જ નહીં, દેશ વિદેશમાં લોકોએ આ ઘટનામાં થયેલી તારાજી જોઈ અને ઘણાઓના દીલ બે ઘડી માટે જાણે ધબકારો ચુકી ગયા હોય તેવા દ્રશ્યોએ સહુને રડાવી દીધા. આ બ્રિજના સમારકામ અને સંચાલન જે ઓરેવા કંપની પાસે હતું તે કંપનીનો ઈતિહાસ જોઈએ તો માત્ર રૂપિયા 15000માં શરૂ થઈ હતી અને હવે તેનો ધંધો દુનિયાના 45 દેશોમાં વિકસી ચુક્યો છે. જોકે તેના વિકાસથી કોઈને વાંધો નથી પરંતુ વાંધો એ વાતનો છે કે આ બ્રિજના ફિટનેશ સર્ટિફિકેટ વગર તેને લોકો માટે ખુલ્લો મુકી દેવાયો અને જે બેદરકારી દાખવવામાં આવી તે ઉડીને આંખે વળગી જાય તેવી છે.

હવે કંપનીનો એક માણસ શોધે જડતો નથી
ઓરેવા કંપનીને છ મહિના પહેલા જ કોર્પોરેશને આ બ્રિજના સમારકામની જવાબદારી સોંપી હતી. જેના કારણે બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો. લોકો અહીં અવરજવર કરતા ન હતા. જોકે બેસ્તા વર્ષે પુલને ફિટનેસ સર્ટિફિકેટ વગર જ લોકો માટે ખુલ્લો મુકી દેવાયો. આપે તેના ઓપનીંગ વખતના વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોયા હશે. આ વખતે કંપનીએ એક પત્રકાર પરિષદ પણ કરી હતી જેમાં તેણે કેબલ અને મજબુત સ્ટીલનો ઉપયોગ કરીને પુલને રિપેર કર્યો હોવાની બડાઈઓ હાંકી હતી. જે તે સમયે વાહવાઈ લૂંટવાનો ભરપુર પ્રયાસ થયા બાદ જે કરુણ ઘટના બની છે તે પછી કંપનીનો એક વ્યક્તિ ક્યાંય શોધે જડતો નથી. હવે આપણે જાણીએ કે એક શિક્ષકે કેવી રીતે આટલું મોટું એમ્પાવર ઊભું કર્યું અને આ કંપનીનો ઈતિહાસ શું છે.

મોરબીની સ્કૂલમાં શિક્ષક બન્યા
વાત છે 1971ની જ્યારે માત્ર રૂપિયા 15000ના ઈન્વેસ્ટમેન્ટ સાથે આ ઓરેવા કંપની શરૂ થઈ હતી. હવે તેનું ટર્નઓવર જ 800 કરોડ જેટલું પહોંચી ગયું છે. અજંતા ઘડિયાળ વીશે તો તમે જાણતા જ હશો. આ મોરબીની ઘડિયાળની સફળતા સમગ્ર વિશ્વમાં ફેલાઈ હતી. જેના માલિક હતા ઓધવજી પટેલ. 15000ના મુડીરોકાણ સાથે કંપનીમાં સ્લિપિંગ પાર્ટનર તરીકે જોડાયા હતા, તે ઓરેવાના મેનેજીંગ ડાયરેક્ટર જયસુખ પટેલ મોરબીના વોચ બિઝનેસને વૈશ્વિક બજાર સુધી લઈ ગયા. આ કંપનીની બિજી ખાસ વાત એ પણ છે કે અહીં 7000 કર્મચારીઓ છે જેમાંથી 5000 મહિલાઓ છે. આ જ ઓધવજીભાઈ મૂળ ચાચાપર ગામના અને તેઓ પોતાના વિસ્તારમાં વિજ્ઞાનમાં સ્નાતક થયા હોય તેવા પહેલા હતા. બીએડ પણ કર્યું અને ઘણી કંપનીઓએ તેમને નોકરી માટે બોલાવ્યા પરંતુ તેમની ઈચ્છા હતી પાયલોટ બનવાની. જેતે સમયે માતૃભૂમિ ન છોડાય વગેરે જેવી માનસિકતા તેમને નડી અને તેમને પોતાના આ સપનાને પડતું મુકવાનું થયું અને તે પછી તેમણે મોરબીની વી સી હાઈસ્કુલમાં વિજ્ઞાનના શિક્ષક તરીકે નોકરી શરૂ કરી.

ADVERTISEMENT

ત્રણ ભાગીદારો અજંતા છોડીને જતા રહ્યા
તે પછી તેઓના પરિવારની જરૂરિયાતોને પુરી કરવાની જવાબદારીઓને માથે લઈને તેમણે એન્જિન ઓઈલનો ધંધો શરૂ કર્યો. જે ચાર પાંચ વર્ષ સુધી ચાલ્યો. તેમણે કાપડની દુકાન પણ ખોલી. આખરે 1971માં તેમણે મોરબીમાં 3 મહિના પહેલા બનેલી અજંતા ટ્રાન્ઝિસ્ટર ક્લોક મેન્યુફેક્ચરર નામની કંપનીમાં ભાગીદારી કરી. 45 વર્ષની ઉંમરે તેમણે 15000નું રોકાણ કરી કંપનીમાં ચોથાભાગના ભાગીદાર બન્યા. થોડો વખત ગયો અને શિક્ષક તરીકેની પોતાની જવાબદારીઓ મુકીને તેઓ અજંતા માટે કામ કરવા લાગ્યા. ઘડીયાળના કાંટા એવા ફર્યા કે તેઓ વધુને વધુ આગળ વધતા ગયા. લગભગ મોરબીમાં ભારતના સિરામિક અને ઘડિયાળના ઉદ્યોગનું જાણે તે પ્રમુખ પ્રોવાઈડર હોય તેવું ચિત્ર હતું. ઉપરથી પાછું 1981માં તેમના ત્રણ ભાગીદારો અજંતા છોડીને જતા રહ્યા અને આખી અંજતા ઓધવજીના નામે થઈ ગઈ. જોકે તેમણે પોતાની મહેનત ચાલુ રાખી અને ધીમે ધીમે મોટો પુત્ર પ્રવિણ, ભાઈઓ અને ભત્રીજાઓ પણ તેમની સાથે કંપનીમાં કામ કરવા લાગ્યા. હવે તેમનું ભારણ ઘણું ઓછું થતું ગયું.

ચારેય પુત્રોને જવાબદારીઓ સોંપી દીધી
દરમિયાનમાં તેમણે જાપાનની એક કંપની સાથે હાથ મિલાવ્યો અને ક્વાર્ટઝ ટેક્નોલોજીને સૌથી પહેલા ભારતમાં લાવ્યા. કંપનની એક જ દિવસમાં 1,20,000 જેટલી ઘડિયાળોનું પ્રોડક્શન કરવા લાગી. 1996માં કંપનીમાં પરિવર્તન આવ્યું અને ઈસ્ત્રી, વોટર કુલર, રુમ હીટર વગેરે જેવા ઘણા અન્ય પ્રોડક્ટસ બજારમાં મુક્યા અને કંપની ફરી આગળ વધી. હવે જયસુખભાઈ ઓરેવા કંપનીના એમડી છે જે ચીનમાં ગયા ત્યારે બલ્બ ટેક્નોલોજી સીએફએલને ભારત લઈ આવ્યા. આ ટેક્નોલોજીથી બલ્બમાં ઓછી વીજળી વપરાતી હતી. તે પછીથી અજંતા ગ્રુપનું સામ્રાજ્ય ઘડિયાળ, સિરામિક ઉપરાંત, કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક્સ, હોમ પ્રોડક્ટ્સ, કેમિકલ્સ, ઈલેક્ટ્રોનિક, ઓટોમોબાઈલ, સ્ટિગ વગેરે સેક્ટરમાં ધમધમાટ દોડવા લાગ્યું. સમય જતા ઓધવજીએ તેમના ચારેય પુત્રોને પોતાની બધી જવાબદારીઓ સોંપી દીધી અને કહેતા કે, ખિસ્સામાં 100 હોય તો જ 75નું રોકાણ કરવાનું હોં… ઓધવજીના પુત્ર જયસુખભાઈએ અભ્યાસ દરમિયાન અજંતાના વિવિધ સ્ટાફ સાથે ધંધાની ટ્રેનિંગ પણ લઈ જ લીધી હતી. 15000ના ઈન્વેસ્ટમેન્ટથી કહાની શરૂ થઈ અને હાલ કંપની 800 કરોડથી વધુનું ટર્નઓવર કરતી થઈ ત્યાં સુધી કંપનીને ઓધવજી અને તેમના પરિવારે સાચવી રાખી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT