બનાસકાંઠા: મકાન નામે થતા જ દીકરાએ તરછોડ્યા, લાચાર માતા-પિતા કલેક્ટર પાસે ફરિયાદ લઈને પહોંચ્યા
બનાસકાંઠા: બનાસકાંઠાના ડીસામાં યોજાયેલા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આજે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. નાયબ કલેક્ટરની કચેરીમાં યોજાયેલા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કલેક્ટર સમક્ષ વૃદ્ધ અને લાચાર…
ADVERTISEMENT
બનાસકાંઠા: બનાસકાંઠાના ડીસામાં યોજાયેલા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આજે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. નાયબ કલેક્ટરની કચેરીમાં યોજાયેલા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કલેક્ટર સમક્ષ વૃદ્ધ અને લાચાર માતા-પિતા દીકરાની ફરિયાદ લઈને પહોંચ્યા હતા. વૃદ્ધની ફરિયાદ સાંભળીને કલેક્ટર પણ ભાવુક થઈ ગયા હતા.
વૃદ્ધ દંપતીએ કલેક્ટરને કરી રજૂઆત
વિગતો મુજબ, ડીસાના જલારામ સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ તેમના પત્ની સાથે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દીકરાએ તેમને ઘરમાંથી કાઢી મૂકવા માટે ઘરના લાઈટ અને પાણીના કનેક્શન કાપી નખાવ્યા છે. લાચાર વૃદ્ધ દંપતિને કોઈ સહારો ન મળતા આખરે તેમણે કલેક્ટર સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. પ્રશ્ન સંભળાવીને ધ્રૂસકેને ધ્રૂસકે રડી રહેલા દંપતીને કલેક્ટરે ગળે લગાવીને સાંત્વના પાઠવી હતી તથા નગરપાલિકાને તેમના પાણીના તથા વીજ કંપનીને વીજ કનેક્શન સંબંધિ પ્રશ્નો તાત્કાલિક ઉકેલવા માટે આદેશ કર્યા હતા. તો દીકરા પાસેથી પણ વૃદ્ધ દંપતીને ભરણપોષણ મળે તે માટે સમાજ કલ્યાણ વિભાગને તાકીદ કરી હતી.
વૃદ્ધ દંપતીના આક્ષેપ મુજબ, લોન માટે દીકરાએ મકાન પોતાના નામે કરાવી લીધું. બાદમાં વહુ સાથે મળીને દીકરો તેમને બહાર કાઢવા માટે પાણી અને લાઈટના કનેક્શન કાપી નાખ્યા હતા. નોંધનીય છે કે ડીસા શહેર અને ગ્રામ્યમાંથી સ્વાગત નિવારણ કાર્યક્રમમાં કલેક્ટર સમક્ષ 40 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. કલેક્ટરે સ્થાનિક નાયબ કલેક્ટર દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે નિર્દેશ કર્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT