થરાદમાં 17 મહિનાથી રોડના અધૂરા કામ પૂરા ન થતા 9 વિભાગને નાયબ કલેક્ટરે નોટિસ પાઠવી
ધનેશ પરમાર/બનાસકાંઠા: બનાસકાંઠાના થરાદમાં છેલ્લા ઘણા સમયથી રોડનું અધૂરૂં કામ પૂરું ન કરાતા નાયબ કલેક્ટરે અધિકારીઓને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે. ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમથી…
ADVERTISEMENT
ધનેશ પરમાર/બનાસકાંઠા: બનાસકાંઠાના થરાદમાં છેલ્લા ઘણા સમયથી રોડનું અધૂરૂં કામ પૂરું ન કરાતા નાયબ કલેક્ટરે અધિકારીઓને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે. ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમથી 133એ જાહેર દુષણ ફેલાવતા તત્વો અથવા લોકો સામે પીડિતોને રક્ષણ આપે છે. ત્યારે આ કલમને શસ્ત્ર તરીકે અજમાવી થરાદ વિસ્તારના રહીશોએ, 17 માસથી અધૂરા રોડ કામ પુરા ન કરનાર સત્તાધીશો તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર નેશનલ હાઈવે, સહિત સરકારના અન્ય 9 વિભાગ સામે સીઆરપીસી 133 મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી છે. પીડિત થરાદવાસીઓનો દાવો છે કે અધિકારીઓની નિષ્ક્રિયતાના લીધે રોડ કામ 17 માસથી બંધ છે. જેનાથી જાહેર દૂષણ ફેલાયું છે અને લોકો ધૂળની ડમરીઓ વચ્ચે શ્વાસોશ્વાસ નથી લઈ શકતા અને હેરાન પરેશાન થયા છે. આ જાહેર દૂષણ નવ વિભાગના અધિકારીઓએ ફેલાવી હોય તેઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની પણ થરાદવાસીઓએ માંગ કરી છે.
થરાદ હાઇવે વિસ્તારના રહીશોએ અધુરા રોડની કામગીરીથી પડતી હાલાકી મુદ્દે નાયબ કાર્યપાલક ઇજનેર નેશનલ હાઇવે સહિત નવ વિભાગ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની આવેદન આપી માંગણી કરી હતી. નાયબ કલેક્ટર દ્વારા તમામને ત્રાસદાયક બાબત દૂર કરવાનો હુકમ કરતો આદેશ કરાયો હતો. સાથે સાથે હુકમનો અમલ શા માટે ન કરવો તેનો ખુલાસો કરવા પણ જણાવાયું હતું.
થરાદ નાયબ કલેક્ટરે ત્રાસદાયક બાબત દુર કરવા બાબતે કરેલા હુકમમાં જણાવ્યું હતું કે, વાવ-સાંચોર નેશનલ હાઇવે ઉપર 17 મહિનાથી કામગીરી અધૂરી પડી છે. બંને બાજુ ખોદીને એ જ પરિસ્થિતિમાં મૂકવામાં આવી છે. આ રોડ ઉપર પસાર થતાં લોકોના મનમાં અકસ્માતોનો સતત ભય ઉભો કર્યો છે. આથી તમારા દ્વારા આવી બેદરકારી ભરી કામગીરી કરી જાહેર ત્રાસદાયક બાબત ઉભી કરી છે અને આવી અડચણ અત્યારે ચાલુ છે. ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 133 મુજબ 18 ઓગષ્ટ સુધીમાં ત્રાસદાયક બાબત દૂર કરવા તેમના ન્યાયાલયમાં રૂબરૂ હાજર થવાનો હુકમ કર્યો હતો. હુકમનો શા માટે અમલ ન કરવો જોઈએ તેનું કારણ પણ બતાવવા કહ્યું હતું. આમ આગામી 18 ઓગસ્ટના રોજ યોજનારી સુનાવણીમાં સરકારના નવ વિભાગના અધિકારીઓ નાયબ કલેક્ટર સમક્ષ હાજર રહેશે અને 17 માસથી રોડ કામ કેમ ચાલે છે તેનો ખુલાસો કરી પોતાનો બચાવ રજૂ કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT