‘વિકલાંગ દીકરીને હેરાન કરો છો, હું કંઈ કચરો છું અહીંનો, કે મને નાંખો ગાડીમાં’, પોલીસ સામે રડી પડી ‘ચા’વાળી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: અકસ્માતમાં એક પગ કપાયા બાદ રિવરફ્રન્ટ પર ટી સ્ટોલ ચલાવતા દિવ્યાંગ નેહા ભટ્ટ હાલમાં ખૂબ ચર્ચામાં છે. અકસ્માતના કારણે શારીરિક રીતે અશક્ત બન્યા પરંતુ મનથી મક્કમ એવા નેહા બેને પગભર થવા પોતાનો ટી-સ્ટોલ શરૂ કર્યો, જેને લોકો દ્વારા ખૂબ જ સપોર્ટ પ્રાપ્ત થઈ રહ્યો છે. ત્યારે હવે નેહા ભટ્ટનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ AMCના કર્મચારીઓ પર હેરાનગતિ અને હપ્તાખોરીનો આક્ષેપ કરી રહ્યા છે.

AMC અધિકારી પર હપ્તા લેવાનો આરોપ
આ વીડિયોમાં નેહા ભટ્ટ પોતાના ટી-સ્ટોલ આગળ ઊભા છે અને રડતા રડતા મહિલા પોલીસકર્મીને પોતાની વાત જણાવી રહ્યા છે. તેઓ કહે છે કે, તમે વિકલાંગ દીકરીને હેરાન કરો છો, પ્રેમથી તમે કહ્યું હોત કે બેન આજે સીએમ સાહેબ આવે છે, તો હુ જતી રહેત ને. હું પણ માણસ છું, હુ પણ રિસ્પેક્ટ કરું છું, હું કોઈનું ખરાબ નથી કરતી. આટલી બધી લારીઓ ચાલે છે, એ કોઈને નથી હટાવતા, પરંતુ રોજ મને હેરાન કરો છો. પ્રેમથી કહ્યુ હોત કે બેન સાહેબ આવે છે, આજે નહિ તો કાલે આવી જાત તો વાંધો નહીં.

પોલીસ સામે રડીને વ્યથા ઠાલવી
તેઓ આગળ બોલે છે, મારી પાસે રેકોર્ડિંગ છે. પૈસા ખાઈ ખાઈને આ લોકો લારીઓ ઉભી રાખે છે. એમનો માણસ શું કહીને ગયો, કાલે લારી ઉભી ન રાખતા, એએમસી વાળા આવવાના છે. આજે એક પણ લારી નથી આવી. તમે આ જ પોલીસ સ્ટેશનમાં હોવ તો જોજો રોજ અહી લારી ઉભી રહે છે, હું ખોટી નથી, સાબિતી વગર નથી બોલતી, પગ નથી એવી દીકરીને હેરાન કરો છો, બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન નથી ચાલતું. હું કંઈ કચરો છું અહીંનો, કે મને નાંખો ગાડીમાં, મારા માબાપ સાથે બેસું છું અહીં, ગરીબ છું એટલે મહેનત કરું છું, ચોરી નથી કરતી. કોઈને મારતી નથી, ભીખ નથી માંગતી, ગુજરાતની બધી પબ્લિક મને સપોર્ટ કરે છે… રોજના હજારો લોકો પરિવાર સાથે ચા પીવા આવે છે. 10 રૂપિયામાં ખાલી હું આપઘાત ન કરું, ડિપ્રેશનમાંથી બાહર નીકળું એટલે અહીં આવી છું…’’

ADVERTISEMENT

અકસ્માતમાં પગ ગુમાવ્યો હતો
નેહા ભટ્ટ મૂળ મહુવાના સામાન્ય ઘરમાંથી આવે છે. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી ધો 12 પછી તેમણે અભ્યાસ છોડવો પડ્યો હતો. બાદમાં PTCનો કોર્સ કરીને નોકરી મેળવી. બાદમાં મકાન લેવાનું નક્કી કર્યું અને બેંક લોન માટે અરજી કરી હતી. આ માટે અમદાવાદથી મહુવા જતા ST બસનો બગોદરા પાસે અકસ્માત થઈ ગયો જેમાં તેઓ ઈજાગ્રસ્ત થયા અને તેમનો એક પગ કાપવો પડ્યો. જોકે પડકારો સામે હારવાના બદલે તેમણે રિવરફ્રન્ટ પર પોતાની ટી-સ્ટોલ શરૂ કરી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT